વડાપ્રધાનનો બે દિવસનો કાર્યક્રમ જાહેર : 27મીએ એરપોર્ટના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધશે, બાદમાં રાત્રીના ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને મંત્રી મંડળ સાથે ડિનર લઈને મહત્વની બેઠક યોજશે, 28મીએ મહાત્મા મંદિર ખાતે સેમિક્રોન સમિટનું ઉદ્દઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 27 જુલાઈના રોજ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જાહેર સભાને પણ સંબોધવાના છે. ત્યારબાદ તેઓ ગાંધીનગર પરત ફરી ત્યાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળ સાથે ડિનર લઈને મહત્વની બેઠક યોજવાના છે. ત્યારબાદ 28મીએ મહાત્મા મંદિર ખાતે સેમિક્રોન સમિટનું ઉદ્દઘાટન પણ કરવાના છે.
અગાઉ 16મી જુલાઈએ રાજકોટના નવા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની સંભાવના પ્રવર્તી રહી હતી, પરંતુ હવે આગામી તારીખ 27મી જુલાઈને ગુરુવારે હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. હિરાસર એરપોર્ટ પર જેટલા કામ બાકી છે તેના પર ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના ઓબ્ઝર્વેશન હેઠળ પૂર્તતા કરવામાં આવી રહી છે.
એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વીવીઆઈપી મૂવમેન્ટને લઈને પણ જરૂરી આદેશ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હિરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે. અગાઉ 16 જુલાઈએ વડાપ્રધાનના હસ્તે જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર હતું, પરંતુ તે કોઈ કારણોસર શક્ય બન્યું ન હતું. હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતાંની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને એક મોટી ભેટ મળશે.સંભવત આગામી ઓગસ્ટ માસના પહેલા સપ્તાહમાં જ રાજકોટ એરપોર્ટને હિરાસર ખાતે શિફ્ટ કરવામાં આવે તેવી સંભાવના પ્રબળ બની છે. આ માટેની તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
હીરાસર એરપોર્ટ રાજકોટથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે. આ એરપોર્ટને 1032 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. હીરાસર એરપોર્ટથી સૌરાષ્ટ્રના કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કેમ કે આ વિસ્તાર મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર છે, જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. સિલ્ક પ્રોડક્ટ્સ અને સિરામિક પ્રોડક્ટ્સની સાથે અમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી શકે છે.
એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1280 થી વધુ મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.
વડાપ્રધાન માટે એવુ કહેવામાં આવે છે કે તેઓ જે કામનું ખાતમુહૂર્ત કરે છે તે જ કામનો શિલાન્યાસ કે લોકાર્પણ પણ તેઓ જ કરતા હોય છે. 2017માં વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો હતો. હવે તેમના હસ્તે જ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ થશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ ઉદ્યોગો માટે હીરાસર એરપોર્ટ ગુજરાતના લોજિસ્ટિક્સ માટે સમય અને ખર્ચ સંબંધિત ઉકેલ લાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો વર્ષ 2017માં શિલાન્યાસ કર્યો હતો. જૂનું એરપોર્ટ રાજકોટ શહેરની મધ્યમાં આવેલુ છે અને તેની આસપાસ કોમર્શિયલ અને રહેણાંક ઈમારતોને કારણે ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની સેવા કરવામાં અસમર્થ છે.