કોર્પોરેશન દ્વારા રૂ.91 લાખના ખર્ચે બનાવવામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને નિ:શુલ્ક દવા તથા તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળશે
શહેરના વોર્ડ નં.7માં રૂ.91.27 લાખના ખર્ચે નિર્માણ પામેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ટૂંક સમયમાં દર્દીઓને ડાયાલિસિસની પણ સુવિધા પ્રાપ્ત થશે. આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને નિ:શુલ્ક દવા આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.7 વિજય પ્લોટમાં રૂ.91.27 લાખના ખર્ચે નિર્માણ પામેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય કેન્દ્રમાં આશરે 618.00 ચો.મી.માં સ્લેબ એરીયામાં ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનું ફ્રેમ સ્ટ્રકચર બિલ્ડીંગ બનાવવાનાં કામનો સમાવેશ થયેલ છે. જેમાં મેડીકલ ઓફિસર રૂમ, ફાર્માસી રૂમ, વેકસીનરૂમ, લેબોરેટરી, આરબીએસકે ડોકટર રૂમ, કેસ બારી, જેન્ટસ/લેડીઝ વોર્ડ, સ્ટોરરૂમ, કોન્ફરન્સરૂમ વગેરે જેવી સુવિધા આપવામાં આવી છે.આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક દવા, તમામ પ્રકારની લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં આઈ.કે.ડી.(કિડની ઇન્સ્ટીટયુટ)ના માધ્યમથી ડાયાલીસીસ સેન્ટર તેમજ 24 ડ્ઢ 7 તરીકે આવરી લેવામાં આવશે.
આ આરોગ્ય કેન્દ્રમાં 30 હજાર નાગરિકોને આરોગ્યની સેવાનો લાભ મળશે. આ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યને લગત વધુ સારી માળખાકિય સુવિધાઓ મળી રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય અધિકારી ડો.વંકાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના સ્ટાફે જહેમત ઉઠાવી છે. મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં.7ના કોર્પોરેટર ડો.નેહલભાઈ શુક્લ, દેવાંગભાઈ માંકડ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી વિશાલભાઈ માંડવીયા, દિપકભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.