રાજ્યકક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી
કાલે રાજ્યભરમાં અંદાજે 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરાશે: મંત્રી મુળુભાઇ બેરા, કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ પૂનમબેન માડમ, પબુભા માણેક અને મુકેશભાઇ પટેલ સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે તેમજ વન – પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા અને રાજ્ય કક્ષાના વન – પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે ‘75મા વન મહોત્સવ’ની ઉજવણી અને 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ આવતીકાલે કરવામાં આવશે.
આ વનનું લોકાર્પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાલે સાંજે 4.00 કલાકે કરવામાં આવશે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અગાઉ આ સ્થાન પરનો વન મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો જે હવે આગામી સમયમાં યોજાનાર છે. તેમ વન વિભાગ દ્વારા જણાવાયું છે.
વધુમાં જણાવાયું છે કે, જ્યારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે તત્કાલીન કૃષિ, વન અને સહકાર મંત્રી અને ગુજરાતના લેખક એવા સ્વ.કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે 75 વર્ષ પહેલાં રાજ્યમાં આણંદ ખાતે પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી હતી. જે પ્રકૃતિ રક્ષાની ધરોહર સમા આ મહા-ઉત્સવ એવા વન મહોત્સવને આ વર્ષે 75વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા અદભૂત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃ્ત્વમાં વર્ષ 2004માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ 22 સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્યાવરણ રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે. આ વર્ષે 75મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક વનોની હારમાળામાં વધુ એક સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વન નું લોકાર્પણ કરવામાં આવનાર છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે 75મા વન મહોત્સવ ઉજવણીના અનોખા લોકોત્સવ દરમ્યાન રાજ્યમાં અંદાજે 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યને વિવિધ સામાજિક વનીકરણની યોજના થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી-રાજ્ય આધારીત યોજના હેઠળ 31,000 હેકટર વિસ્તારમાં ખેડૂત થકી વાવેતર કરવામાં આવનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે “હરસિદ્ધિ વનની અનોખી ભેટ મળવા જઈ રહી છે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના 23માં સાંસ્કૃતિક “હરસિદ્ધિ વનમાં નવા અભિગમ સાથે આ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિમાર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, ગુગળ વન, કેક્ટસ વાટીકા, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, વાઈલ્ડ લાઇફ ઝોન વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવેલ છે.