રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરના કાલાવડ રોડ પર પ્રથમ મહિલા હોર્ક્સ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 18 થડાંની ફાળવણી કરવા માટે આજે સવારે ડ્રો યોજવામાં આવ્યો હતો. દરમિયાન સાંજથી હોર્ક્સ ઝોન શરૂ કરી દેવામાં આવશે. તેવી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવી છે.
કાલાવડ રોડ પર ન્યારી પમ્પીંગ સ્ટેશનના ગ્રાઉન્ડમાં પ્રથમ મહિલા હોર્ક્સ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શાકભાજી કે ફળ-ફળાદી અથવા ખાણીપીણીના સ્ટોલ રાખી શકાશે નહિં. માત્ર મહિલાઓની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મહિલા હોર્ક્સ ઝોનના થડાંની ફાળવણી માટે ડ્રો યોજાયો હતો.
ડ્રો થકી 18 થડાંની ફાળવણી: મહિલા હોર્ક્સ ઝોનમાં શાકભાજી, ફળ-ફળાદી કે ખાણીપીણીના સ્ટોલ નહિં હોય માત્ર મહિલાઓને લગતી ચીજવસ્તુઓના વેંચાણની મંજૂરી
મહિલા હોકર્સ ઝોન ફાળવણી ડ્રો કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસીપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસિલાબેન સાકરિયા વોર્ડ કોર્પોરેટરો હાર્દિક ગોહેલ, વિનુભાઈ સોરઠીયા, ડો.દર્શના પંડ્યા, દક્ષાબેન વસાણી, કંકુબેન ઉઘરેજા, પ્રીતિબેન દોશી, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પાડલીયા, મંજુબેન કુગસીયા, મિતલબેન લાઠીયા, વિનુભાઈ ઘવા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાંટ સમિતી ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, અસ્મીતાબેન દેલવાડીયા, ભારતીબેન મકવાણા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, વર્ષાબેન રાણપરા, કંચનબેન સિધ્ધપુરા, જયાબેન ડાંગર, જયશ્રીબેન ચાવડા, બાબુભાઈ ઉઘરેજા, પરેશ આર.પીપળીયા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાયબ્રેરીની તમામ માહિતી હવે આંગળીના ટેરવે
લાઈબ્રેરી વિભાગની તમામ વિગતો દર્શાવતી મોબાઈલ એપ્લીકેશન જેમાં, લાઈબ્રેરી મેમ્બર્સને લાઈબરીમાં પ્રવેશ માટે ક્યુઆરની સુવિધા, બધી લાઈબ્રેરીઓનું જીઓ ટેગીંગ લોકેશન લાઈબ્રેરી મેમ્બર્સ લાઇબ્રેરીમાંથી મેળવેલા પુસ્તકો, મેગેજીન, રમકડાં, ડીજીટલ મીડીયા જોઈ શકશે. લાઈબ્રેરી મેમ્બર્સ પોતાની લાઈબ્રેરી વિષયક વિગતો જેવી કે લવાજમ, પુસ્તકોની આપ-લે વિગતો મેળવી શકશે. લાઈબ્રેરી મેમ્બર્સ મોબાઈલ એપ દ્વારા બૂક અને રમકડાનું રીજર્વેશન કરાવી શકશે,
લાઈબ્રેરીમાં સંગ્રહીત ભાષાવાઇઝ પુસ્તકો, રમકડા, ડીજીટલ મીડીયાને લેખક, પુસ્તકનાં નામ, પબ્લીશરના નામથી શોધી(સર્ચ) શકશે. છેલ્લા એક મહિનામાં લાઈબ્રેરીઓમાંથી વધુ વંચાયેલા 15 પુસ્તકોની યાદી જોઈ શકશે. લાઈબ્રેરીઓમાં નવા આવેલા પુસ્તકોની વિગતો મેળવી શકાશે. ફ્રી ડિજિટલ લાયબ્રેરી અંગેની તમામ લીંક આંગળીના ટેરવે એક જ જગ્યાએથી મેળવી શકાશે.
મહિલા હોર્ક્સ ઝોનના થડાં ફાળવણીમાં ડખ્ખા
ડિપોઝીટ ન ભરનારના નામ ડ્રોમાં નીકળતા હોબાળો: અંતે ફાળવણી રદ્ કરાય
શહેરના કાલાવડ રોડ પર ન્યારી પમ્પીંગ સ્ટેશન ખાતે પ્રથમ મહિલા હોર્ક્સ ઝોન બનાવવામાં આવી રહ્યો છે. આજે 18 થડાંની ફાળવણી માટે ડ્રો યોજાયો હતો. જેમાં ભારે માથાકૂટ સર્જાઇ હતી. નિયમ મુજબ ડિપોઝીટ ભરનાર અરજદારોને બદલે ડિપોઝીટ ન ભરનાર ત્રણ વ્યક્તિઓના નામ ડ્રોમાં નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો. અરજદારો અને કોર્પોરેશનના સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સ્થળ પર જ એસ્ટેટ ઓફિસર બારૈયાનો ઉધડો લીધો હતો. અંતે થડાંની ફાળવણી રદ કરી નવેસરથી ડ્રો કરવાની ફરજ પડી હતી. મહિલા હોર્ક્સ ઝોનમાં કુલ 18 થડાં બનાવવામાં આવ્યા છે. જેના માટે કુલ 105 અરજીઓ આવી હતી.
જે પૈકી 78 અરજીઓ ક્વોલીફાઇ થઇ હતી. આજે ડ્રો દરમિયાન એવો નિયમ રાખવામાં આવ્યો હતો કે 5 હજાર રૂપિયાની ડિપોઝીટ ભરવી ફરજિયાત હતી. પ્રથમ 10 વ્યક્તિઓને ડ્રોમાં ત્રણ અરજદારો એવા હતા કે જેઓએ ડિપોઝીટની રકમ ભરપાઇ કરી ન હતી છતાં તેમને હોર્ક્સ ઝોનમાં થડાં આપવા માટે નામ ખૂલતાં અન્ય અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. અંતે પદાધિકારીઓએ મધ્યસ્થી કરવાની જરૂર પડી હતી.
જે લોકોએ ડિપોઝીટની રકમ ભરપાઇ નહોતી કરી અને તેઓના નામ થડાં ફાળવણીના ડ્રોમાં ખૂલ્યાં હતાં તે ત્રણ થડાંની ફાળવણી રદ્ કરી દેવામાં આવી હતી અને નવેસરથી ડ્રો કરવાની ફરજ પડી હતી. એક વિકલાંગ મહિલાએ પોતાને થડાંની ફાળવણી કરવી જોઇએ તેવી માંગણી કરી હતી. પરંતુ કોઇ જોગવાઇ ન હોય તેમની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.