નવસારી જિલ્લામાં “ભારત વિકાસ” પ્રતિજ્ઞા દ્વારા “વિકાસ સપ્તાહ”નો પ્રારંભ – જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓએ સામૂહિક ‘ભારત વિકાસ’ પ્રતિજ્ઞા લીધી – નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં સહભાગી થઇ https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવવા જિલ્લા તંત્રનો અનુરોધ ગત તા. 7 થી આગામી 15 ઓક્ટોબર-2024 સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેકટર કેતન જોષી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા સામુહિક “ભારત વિકાસ” પ્રતિજ્ઞા લઇ નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”નો ભવ્ય પ્રારંભ કરાયો છે.
આ ઉપરાંત વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નવસારીના સૌ નાગરિકો આ પ્રતિજ્ઞામાં સહભાગી થવા તથા પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મેળવવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અત્રે નોંધનિય છે કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001 થી 2024 સુધીના 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને ગત તા. 7 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવવાનું આયોજન કરાયું છે.
જેના ભાગરૂપે આગામી 15 ઓક્ટોબર સુધી વિવિધ જનભાગીદારીના કાર્યક્રમો નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાથ ધરાશે. ભારત વિકાસ પ્રતિજ્ઞા- હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે.. મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ. હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ. હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.