- સુદર્શન સેતુ વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણની આગવી ઓળખ
- ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ
- દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક નવું મોરપીંછ
- અંદાજિત રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુ થકી પ્રવાસનને મળશે વેગ
- વ્યુઈંગ ગેલેરી, ભગવદગીતાના શ્લોક, મોર પંખ, ફૂટ પાથ સહિત અનેક સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર
દેવભૂમિ દ્વારકા : ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી.
સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે.
બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રિધ્ધિબા જાડેજા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવશ્રી અનુરાગ જૈન, નેશનલ હાઇવેના સ્પેશ્યલ સેક્રેટરીશ્રી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી આલોક પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુદર્શન સેતુની વિશેષતાઓ
•બ્રીજની લંબાઇ ૨૩૨૦ મીટર, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
•બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ – મોરપંખ આકારવામાં આવ્યા છે.
•ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર
•બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
•આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ
•ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
•ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગમાં થશે.
•બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
•બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.
• પાર્કિંગની સુવિધા.