2 સપ્ટેમ્બરે બોર્ડ ઓફિસનું ઉદઘાટન બાદ કોકનેટ ડે નિમિતે ફંકશન યોજાશે
જૂનાગઢમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું ઉદ્ઘાટન તા.2ના સવારે 10 કલાકે કરશે. આ તકે કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 11 કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે વિશ્વ કોકોનેટ ડે ઉપર ફંક્શન યોજાશે.
જૂનાગઢમાં કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસના ઉદ્ઘાટન સમારોહના સુચારુ આયોજન અંગેની બેઠક કલેકટર રચિતરાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.નાળિયેર વિકાસ બોર્ડ, જૂનાગઢ કચેરીના ઉદ્ઘાટન માટે નિયુક્ત અધિકારીઓ, સંબંધિત એસડીએમ, મામલતદાર, નાયબ નિયામક બાગાયત, જિલ્લા કૃષિ અધિકારી, ભૂતપૂર્વ એન્જી આર એન્ડ બી સ્ટેટ, એનઆઈસી ટીમ અને પીજીવીસી એલ સાથે સમીક્ષા બેઠક કલેકટર રચિત રાજે લીધી હતી.
આ તકે કલેક્ટર એ ઓફિસ સ્થળના નવીનીકરણના કામની સ્થિતિની સમીક્ષા કરી, માર્ગ મકાન વિભાગના અધિકારીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી. એસડીએમ કેશોદ અને એસડીએમ મેંદરડાને કૃષિ કચેરી સાથે સંકલન કરવા અને માળિયા અને માંગરોળ પટ્ટામાં નાળિયેરના ખેડૂતોનો ડેટા રાખવા તથા ડેટા મેળવવા સૂચના આપી હતી. ડેટા માટે ખેડૂતો સાથે સંકલન કરવાનું પણ જણાવ્યુ હતું.
જિલ્લાભરમાંથી આવતા ખેડૂતો માટે પરિવહન સહિતની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી. કૃષિ યુનિવર્સિટીને નારિયેળની ખેતી, સોઇંગ પેટર્ન, માર્કેટિંગ, જંતુનાશક નિયંત્રણ અને નારિયેળના ખેડૂતો માટે તાલીમ વર્કશોપ પર નિષ્ણાત વ્યાખ્યાન/વૈજ્ઞાનિક નિદર્શન તૈયાર કરવા સૂચના કલેકટરએ આપી હતી. આત્માના નિયામકને નારિયેળ ની ખેતી માટે વૃક્ષારોપણ, ખેતી અને માર્ગદર્શન માટે શિબિરો તથા નારિયેળની ખેતી પર એક પ્રદર્શનનું આયોજન કરવાની સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રી વિશ્વ નાળિયેર દિવસ પર કોચી, કેરળ ખાતે ખેડૂતોને સંબોધિત કરશે, ઉદઘાટન સમારોહના સ્ક્રીન, વેબલિંક, વેબકાસ્ટિંગ અને લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા માટે ગઈંઈ ટીમને સૂચના આપી હતી.
જૂનાગઢ જિલ્લામાં 6300 હેકટરમાં નાળીયેરીનું વાવેતર
જૂનાગઢના મદદનીશ બાગાયત નિયામક વિશાલ હદવાણીએ કહયુ હતું કે જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો 6300 હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે.
નાળીયેરીના પાકને લગતા કામો માટે ખેડૂતોને સ્થાનિક કક્ષાએ સુવિધા મળશે: રાઘવજીભાઇ પટેલ
જૂનાગઢમાં આગામી બીજી સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા કોકનેટ બોર્ડની રીઝનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ અંગે ‘અબતક’ સાથેની ખાસ વાતચિત દરમિયાન રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે રિઝનલ ઓફિસ જૂનાગઢમાં શરૂ થવાથી નાળીયેર પકવતા ખેડૂતોને મોટો લાભ મળશે. નાળીયેરના પાક અને તેના સંલગ્ન કામો માટે ખેડૂતોને ઘર આંગણે યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. કોકનેટ બોર્ડની મુખ્ય કામગીરી નાળીયેરનું વાવેતર કરતા ખેડૂતોને સબસિડી આપવી, નાળીયેરીના રોપાનું વિતરણ કરવું અને તૈયાર થયેલો પાકનું વેંચાણ સરળતાથી થાય અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે માર્કેટીંગ કરવાનું છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા કોકનેટ બોર્ડની ઓફિસ જૂનાગઢમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મોટી બાબત છે. માત્ર સોરઠ જ નહિં પરંતુ રાજ્યમાં નાળીયેર પકવતા તમામ જિલ્લાના ખેડૂતો માટે આ ઓફિસ આશિર્વાદરૂપ સાબિત થશે.