‘પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું જીવન એક સંદેશ છે’: આઇ.કે. જાડેજા
ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ે ૧૭ સપ્ટેમ્બરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૦મી વર્ષગાંઠ છે. નરેન્દ્રભાઈનું બાલ્યાવસ્થાથી અત્યાર સુધીનું સમગ્ર જીવન પ્રેરણાદાયી રહ્યું છે ત્યારે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘કમલમ’, ગાંધીનગર ખાતે નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર જીવન દરમિયાનની વિવિધ પ્રેરણાદાયી અને ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન જાણીતા ઉદ્યોગપતિ, શિક્ષણવિદ, પદ્મ કરસનભાઈ પટેલ અને ભાજપાના વરિષ્ઠ અગ્રણી, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રકાકાના હસ્તે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર ભારતનું ગૌરવ એવા આપણાં નરેન્દ્રભાઈ મોદીએ સંઘના સ્વયંસેવક, ભાજપામાં કાર્યકર્તા તરીકે તેમજ વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ, ગુજરાતના મુખ્યમંત્રીકાળ સહિત જીવનના દરેક તબક્કા દરમિયાન તેમની નેતૃત્વશક્તિનો પરિચય કરાવ્યો છે, તેમજ ૨૦૧૪થી તેઓ દેશના સવાસો કરોડ દેશવાસીઓના ‘પ્રધાન સેવક’ તરીકેની જવાબદારી સંપૂર્ણ સમર્પણ સાથે ખંતપૂર્વક નિભાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર જીવન એક સંદેશ છે ત્યારે, આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે ખુલ્લી મુકાયેલી પ્રદર્શની નિહાળી ભાજપા કાર્યકર્તાઓને અવશ્ય પ્રેરણા મળી રહેશે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ મંત્રીઓ હર્ષદગીરી ગોસ્વામી, મતી દર્શીનીબેન કોઠીયા, પ્રદેશ અગ્રણી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા.