રોહતક-મેહમ-હંસી સેક્શનમાં ટ્રેન સેવાને લીલી ઝંડી આપી
“હરિયાણાની ડબલ એન્જિન સરકાર વૈશ્વિક કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બહાદૂરોની રેવાડીની ભૂમિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના માટે આ વિસ્તારનાં લોકોનાં સ્નેહ પર ભાર મૂક્યો હતો. તેમણે રેવાડીમાં 2013માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકેના તેમના પ્રથમ કાર્યક્રમને યાદ કર્યો અને લોકોની શુભેચ્છાઓને યાદ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકોનાં આશીર્વાદ તેમનાં માટે બહુ મોટી સંપત્તિ છે. તેમણે લોકોના આશીર્વાદનો શ્રેય વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચેલા ભારતને આપ્યો હતો. યુએઈ અને કતરની તેમની મુલાકાત વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક મંચ પર ભારતને જે સન્માન અને સદ્ભાવના મળે છે તેનો શ્રેય ભારતના લોકોને આપ્યો હતો. એ જ રીતે, તેમણે કહ્યું કે જી -20, ચંદ્રયાન અને ભારતીય અર્થવ્યવસ્થાનું 11મા સ્થાનેથી 5મા સ્થાન સુધીનું ઉત્થાન, જનતાના સમર્થનને કારણે મોટી સફળતાઓ છે. તેમણે આગામી વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે લોકોના આશીર્વાદ માંગ્યા હતા.
રેવાડીમાં વિશ્વકર્માની પિત્તળની કારીગરી અને હસ્તકળાની કારીગરી પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ 18 વ્યવસાયો સાથે સંબંધિત આ પ્રકારનાં પરંપરાગત કારીગરો માટે પ્રધાનમંત્રી-વિશ્વકર્મા યોજનાનાં શુભારંભ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, દેશભરમાં લાખો લાભાર્થીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો ભાગ બની રહ્યાં છે અને સરકાર આપણાં પરંપરાગત કારીગરો અને તેમનાં કુટુંબોનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે રૂ. 13,000 કરોડનો ખર્ચ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મોદીની ગેરેન્ટી એવા લોકો માટે છે, જેમની પાસે બેંકોને ગેરન્ટી આપવા માટે કંઈ નથી.” તેમણે નાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રદાન કરવા, ગરીબો, દલિત, પછાત વર્ગો અને ઓબીસી સમુદાયોને કોલેટરલ-ફ્રી લોન માટે મુદ્રા યોજના અને શેરી વિક્રેતાઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે હરિયાણાના રાજયપાલ બંડારૂ દત્તાત્રેય અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ ઉ5સ્થિત રહ્યા હતા. જેમાં હરિયાણા સરકારના અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો સામેલ હતા.
પ્રધાનમંત્રીએ આશરે રૂ. 5450 કરોડનાં ખર્ચે વિકસિત થનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કુલ 28.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ મિલેનિયમ સિટી સેન્ટરને ઉદ્યોગ વિહારના ફેઝ-5 સાથે જોડશે અને સાયબર સિટી નજીક મોલસારી એવન્યુ સ્ટેશન પર રેપિડ મેટ્રો રેલ ગુરુગ્રામના હાલના મેટ્રો નેટવર્કમાં ભળી જશે. દ્વારકા એક્સપ્રેસ વે પર પણ તેની સ્પર હશે. આ પ્રોજેક્ટ નાગરિકોને વૈશ્વિક કક્ષાની પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ હરિયાણામાં રેવાડીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નો શિલાન્યાસ થઈ રહ્યો છે. આશરે રૂ. 1650 કરોડના ખર્ચે તૈયાર થનારી એઈમ્સ રેવાડીને રેવાડીના માજરા મુસ્તિલ ભાલખી ગામમાં 203 એકર જમીન પર વિકસાવવામાં આવશે. તેમાં 720 પથારીઓ ધરાવતું હોસ્પિટલ સંકુલ, 100 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, 60 બેઠકો ધરાવતી નર્સિંગ કોલેજ, 30 પથારી ધરાવતો આયુષ બ્લોક, ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંક, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની સગવડ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરે સુવિધાઓ હશે.
પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિસરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રાયોગિક સંગ્રહાલય લગભગ 240 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ 17 એકરમાં ફેલાયેલું છે, જેમાં 1,00,000 ચોરસ ફૂટની ઇન્ડોર સ્પેસનો સમાવેશ થાય છે. તે આબેહૂબ રીતે મહાભારતની મહાકાવ્ય કથા અને ગીતાના ઉપદેશોને જીવંત બનાવશે.
પ્રધાનમંત્રીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, તેમાં રેવાડી-કઠુઆ રેલવે લાઇનને બમણી કરવાની યોજના (27.73 કિલોમીટર) સામેલ છે. કઠુઆ-નારનૌલ રેલવે લાઇનનું ડબલિંગ (24.12 કિલોમીટર) ભિવાની-દોભ ભાલી રેલવે લાઇનનું ડબલિંગ (42.30 કિલોમીટર) અને માંહેરુ-બાવાની છે.