રૂા. ૬.૧૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા સબ સ્ટેશનથી સ્થાનિકોને વધુ અસરકારક રીતે વીજપૂરવઠો મળતો રહેશે
રાજકોટ જિલ્લામાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ચાલી રહી છે જે અંતર્ગત રાજકોટ શહેરમાં પુનિત નગર ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે રૂ. ૬૧૪ લાખ ઉપરાંતના ખર્ચે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં ૨૪ કલાક વીજળી પહોંચડવાના ધ્યેય સાથે જ્યોતિગ્રામ યોજના થકી ગામડે ગામડે વીજળી પહોંચાડી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. આજે ખેડૂતને પૂરતી વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે તમામ તાલુકાઓમાં સબસ્ટેશન ઉભા કરવા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું છે જેના ફળસ્વરૂપે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય વીજળી ક્ષેત્રે અગ્રેસર છે.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે ગામડાઓની આર્થિક સમૃદ્ધિનો આધાર ખેતી છે અને તેના માટે પાણી અને વીજળી ખુબ મહત્વની જરૂરિયાત છે. રાજ્ય સરકરે આ બાબતની નોંધ લઈ જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર ઉભું કર્યું છે. માત્ર એટલું જ નહીં વીજળીના કારણે શિક્ષણ નું સ્તર પણ અગ્રીમ કક્ષાએ આગળ આવ્યું છે. આ પ્રંસગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જેટકોના અધિકારી તેમજ અન્ય મહાનુભાઓ ઉપસ્થિત રહ્યા હતા.