જામનગર, તા.૨૬ ફેબ્રુઆરી: પશ્ચિમ રેલ્વે, રેલ પ્રબંધક મંડળ, રાજકોટ મંડળ તેમજ જામનગર રેલ્વે સ્ટેશન દ્વારા રેલ્વે મુસાફરો માટે નવનિર્મિત લિફ્ટ અને ૧૦ કિ.વો. ના સોલાર પાવર પ્લાન્ટનું સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં રિબિન કાપી તેમજ દિપ પ્રાગટ્ય કરી ઉદ્દઘાટન કરવામાં આવેલ.
સાંસદશ્રી પૂનમબેન માડમએ જામનગર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૧ પર યોજાયેલ લોકાર્પણ સમારોહમાં પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, ગાંધીનગર ખાતે આવેલ જામનગર રેલ્વે સ્ટેશન પર નવનિર્માણ પામેલ લિફ્ટની સુવિધાથી વૃધ્ધ અને હેન્ડીકેપ મુસાફરોને ખૂબજ સરળતા રહેશે તેમજ ૧૦ કિ.વો.ના સોલાર પાવર પ્લાન્ટમાં ૨૫૦ વોલ્ટની ૪૦ સોલાર પેનલ લગાવામાં આવી છે. જેનાથી દર વર્ષે લગભગ ૧ લાખ રૂપિયાની બચત થશે. રેલ્વે દેશને જોડવાનું કાર્ય કરે છે.
કેન્દ્રમાં સૌપ્રથમ કોઇ જિલ્લાની નોંધ લેવાતી હોય તો તે જામનગર અને દેવભુમિદ્વારકાની લેવામાં આવે છે. સ્થાનિક આગેવાનો દ્વારા મારી પાસે રજુઆત કરવામાં આવી હતી. તેમની રજુઆતો કેન્દ્ર સરકારમાં કરીને લોકોની પાયાની જરૂરીયાત અને સગવડો કરવામાં આવી રહી છે. રેલ્વે અંગેની વધુ સુવિધા મળી રહે તે માટે કેન્દ્રમાં મારા પ્રશ્નો ચાલુ છે. ટુંક સમયમાં રેલ્વેની વધુ એક સુવિધા પ્રાપ્ત થશે.
જામનગર-બાન્દ્રા નવી ટ્રેન ચાલુ થવા જઇ રહી છે. હાપાની ટ્રેનો ગાંધીનગર સુધી લંબાવવા માટે રજુઆત કરવામાં આવશે તેમજ રાજકોટથી કાનાલુસ સુધી ડબલ ટ્રેકના કામને મંજુરી મળેલ છે અને ઓખા સુધીના ડબલ ટ્રેક કામની મંજુરી અંગેની કાર્યવાહી ચાલુ છે.
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જામનગર અમદાવાદ વચ્ચે પ્લેનની સુવિધા આપી લોકોની સુવિધામાં વધારો કરેલ છે. ઉડાનના માધ્યમથી લોકો સસ્તા દરે હવાઇ મુસાફરી કરી શકશે. અગાઉની સરકારે બાકી રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરેલ નથી. હાલની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ઝડપથી સુવિધા પ્રાપ્ત થાય તે અંગેના ઝડપી નિર્યણ કરી સુવિધાની અમલવારી કરેલ છે.
આ કાર્યક્રમમાં મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, ડી.ડી.ઓ. શ્રી મુકેશ પંડ્યા, કમિશ્નરશ્રી બારડ, ડેપ્યુટી મેયરશ્રી મહેતા, સ્ટેન્ડીંગ કમેટીના ચેરમેન કમલાસિંગ રાજપુત, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઇ ચાવડા તેમજ રેલ્વેના વરિષ્ઠ અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.