કેબિનેટ બેઠકમાં મંત્રીઓ અને સચિવોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સૂચના

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ વિભાગોને જે પણ પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા હોય તેમનું 15 ઓક્ટોબર સુધીમાં લોકાર્પણ કરી દેવા સૂચના આપી છે.

મંત્રીઓ અને સચિવોને આ અંગે સીએમે મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી. જેમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે પણ પ્રોજેક્ટ મંજૂર થઈ ગયા છે તેમનો શિલાન્યાસ પણ 15 ઓક્ટોબર સુધીમાં થઈ જવો જોઈએ.

આયોજન વિભાગને તમામ પેન્ડિંગ અપ્રુવલ પર સત્વરે કામગીરી હાથ ધરી તેને મંજૂરી આપવા કહી દેવાયું છે. જેથી આ પ્રોજેક્ટ્સને સંલગ્ન કામગીરી ઝડપથી શરુ થઈ શકે. એક સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, સીએમે જણાવ્યું હતું કે તમામ વિભાગો જે-તે પડતર કામોની મંજૂરી મેળવી લે. કેબિનેટ બેઠકમાં આ મુદ્દા સિવાય બીજો કોઈપણ મહત્વનો મુદ્દો પણ ચર્ચામાં સામેલ નહોતો કરાયો.11-13 ઓક્ટોબર દરમિયાન યોજાતા ગરીબ કલ્યાણ મેળામાં પણ તમામ લાભાર્થીઓને ઉપસ્થિત રાખવા માટે સીએમે તાકિદ કરી હતી. ગરીબ કલ્યાણ મેળા સાથે સંકળાયેલા જે-તે વિભાગના અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને અલગ-અલગ જિલ્લામાં થનારા કાર્યક્રમમાં તમામ લાભાર્થી ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયા બાદ કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હશે તો પણ સરકાર તેનું લોકાર્પણ કરી શકશે નહીં. તેવામાં આગામી 10 દિવસમાં તમામ જિલ્લામાં પૂર્ણાહુતિના આરે રહેલા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી પૂરી કરી તેના લોકાર્પણના કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક સપ્તાહોમાં રાજ્યમાં પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડો રુપિયાના પ્રોજેક્ટના લોકાર્પણ અથવા ખાતમૂર્હુત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરત, અમદાવાદ, ભાવનગર તેમજ બનાસકાંઠામાં અમદાવાદમાં જાહેર સભાઓ કરવાની સાથે મેટ્રો સહિતના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. પીએમ આગામી દિવસોમાં પણ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.