પડધરીની કોલેજમાં ચોરી થતી હોવાનું જણાવીને યુનિવર્સિટીએ પરીક્ષા કેન્દ્ર રદ કરી વિદ્યાર્થીઓને ખામટા અને ન્યારાનાં કેન્દ્રોમાં મુકયા, પરીવહન વ્યવસ્થા છે કે નહીં તે જાણવાની તસ્દી પણ ન લેવાઈ
પડધરીનાં તરઘડી ગામ નજીક હીટ એન્ડ રનમાં બે છાત્રોનાં મોત નિપજયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બંને વિદ્યાર્થીઓ કોલેજની પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ ટ્રકની હડફેટે આ બંને વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બંને આશાસ્પદ યુવાનનાું મોતથી ક્ષત્રિય પરિવાર શોકગ્રસ્ત થયો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ પડધરી ગર્વમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા લકિકરાજસિંહ સહદેવસિંહ ઝાલા (ઉ.વ.૨૦, રહે.ડુમાણા) અને શકિતસિંહ જીલુભા જાડેજા (ઉ.વ.૨૪, રહે.મોટા વાગુદડ) બીએ સેમ-૧ની પરીક્ષા આપવા માટે ન્યારા નજીક આવેલી ગારડી કોલેજમાં બાઈક ઉપર ગયા હતા જયાંથી તેઓ પેપર આપીને સાંજનાં અરસામાં પરત ફરી રહ્યા હતા. તે વેળાએ તરઘડી ગામ નજીક ટ્રકે હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજયું હતું. આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી છુટયો હતો.
આ અકસ્માત અંગે જાણ થતા પડધરી પીએસઆઈ જે.વી.વાઢીયા અને યુવરાજસિંહ સહિતનો સ્ટાફ તેમજ ક્ષત્રિય સમાજનાં આગેવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક લક્કિરાજસિંહ ઝાલાનાં થોડા સમય બાદ લગ્ન થવાના હતા. તેઓ એકનાં એક પુત્ર હોય તેમના મોતથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો છે. જયારે શકિતસિંહ જાડેજા બે ભાઈઓમાં નાના હતા તેઓનાં મોટા ભાઈ તલાટી મંત્રી છે. આ બંને આશાસ્પદ યુવાનોની ચિરવિદાયથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં શોક વ્યાપી ગયો છે. હાલ પોલીસે ટ્રક ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી હોવાનું જાણવા મળ્યું છે.
પડધરી કોલેજનું પરીક્ષા કેન્દ્ર પુન:કાર્યરત કરાવવા છાત્રોની ઉગ્ર માંગ
એબીવીપીનાં શાખા નગરમંત્રી શકિતસિંહ જાડેજા (વણપરી)એ જણાવ્યું હતું કે, પડધરી ગર્વમેન્ટ કોલેજમાં સમગ્ર તાલુકામાંથી છાત્રો અભ્યાસ અર્થે આવે છે. આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અહિનાં વિદ્યાર્થીઓને જે બે કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે તે કેન્દ્રો સુધી પહોંચવા પુરતી પરિવહન સુવિધા ન હોવાથી ઘણા વિદ્યાર્થીઓએ તો પરીક્ષા આપવાનું પણ ટાળ્યું છે. વિદ્યાર્થીઓને રોડ અકસ્માતનાં ભોગ બનતા અટકાવવા યુનિવર્સિટી ફરી પડધરીનું કેન્દ્ર કાર્યરત કરાવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે. વધુમાં દરરોજ કોલેજ જતા છાત્રોની સરળતા માટે એસ.ટી.વિભાગ લોકલ બસની સંખ્યા વધારે તે જરૂરી છે.
લોકલ બસ અપુરતી હોવાથી છાત્રો બાઈક લઈને જવા મજબુર…
પડધરી ગર્વમેન્ટ કોલેજ રહેણાંક વિસ્તારથી ૩ કિમીનાં અંતરે હાઈવે નજીક આવેલી હોય દરરોજ મોટાભાગનાં વિદ્યાર્થીઓને બાઈક લઈને જવુ પડે છે. જે વિદ્યાર્થીઓ પાસે બાઈકની સગવડ ન હોય તેઓને ચાલીને જવુ પડે છે. કારણકે અહિં લોકલ એસ.ટી.બસોની અપુરતી સુવિધા છે. ઉપરાંત ખાનગી વાહનોની પણ ઘટ છે. વધુમાં આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવા પાછળ મેનેજમેન્ટની ભેદી ભૂમિકા રહી છે. યુનિવર્સિટીએ પણ પરિવહન વ્યવસ્થા અંગે જાણકારી મેળવ્યા વગર જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ન્યારા નજીક આવેલી ગારડી કોલેજ તેમજ ખામટામાં આવેલી હાઈસ્કુલનાં પરીક્ષા કેન્દ્ર ફાળવ્યા છે. જેથી પરીક્ષા આપવા જવા માટે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો આ મામલે યુનિવર્સિટી કે એસ.ટી.વિભાગ દ્વારા નમતુ જોખવામાં નહીં આવે તો હજુ પણ વિદ્યાર્થીઓ અકસ્માતનાં ભોગ બન્યા કરશે.