2×2 મીટરના સ્ટોલમાં ખાદ્ય સામગ્રી બનાવવી કે વેચવી સૌથી મોટો પ્રશ્ર્ન: વર્ષનું 30 લાખનું ભાડુ ઓછું કરવા, ટોયલેટ સહીતની સુવિધાનો ચાર્જ વસુલવા મંજુરી આપવા રજુઆત: બાંધકામ શાખાએ વગર વિચારે ફુડ કોર્ટ ખડકી દીધી હવે કેટલાક સુધારાવા કરવા પડે તેવી નોબત
અબતક, રાજકોટ
રાજકોટવાસીઓને હાઇજેનીક અને સારી કવોલીટીનું ફુડ મળી રહે તેવા ઉમદા હેતુથી કોર્પોરેશન દ્વારા શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર અમિન માર્ગના છેડે ફુડ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફુડ કોર્ટ પાંચ વર્ષ માટે લીઝ પર આપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે. ફુડ કોર્ટમાં અપુરતી સુવિધા હોવા છતાં માત્રને માત્ર લોકેશનને ઘ્યાનમાં રાખી ખુબ જ ઉંચુ ભાડુ રાખવામાં આવ્યું છે. બાંધકામ શાખા દ્વારા વગર વિચાર્ય ફુડ કોર્ટે ખડકી દેવામાં આવી છે. પરંતુ હવે તે ઉંચા ભાડે પાંચ વર્ષ માટે લીઝ પર જશે કે કેમ ? તેની સામે પણ પ્રશ્ર્નો સર્જાયા છે.
ફુડ કોર્ટ લીડ પર આપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 2×2મીટરના દશ સ્ટોલનું ભાડુ 30 લાખ નકકી કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા 10 સ્ટોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ટોઇલેટ બ્લોક, સીટીંગ એરીયા, પાકિંગ એરિયા અને ઇલેકટ્રીક રૂમની સુવિધા આપવામાં આવશે. ફુડ કોર્ટ ભાડે રાખનાર કોર્ટ એરિયાના ઇલેકટ્રીક પોલ પર કિયોસ્ક બોર્ડના માઘ્યમથી પોતાના બિઝનેશની જાહેરાત પણ કરી શકે.આવી અનેક સુવિધાઓ સાથે પારાવાર દુવિધાઓ પણ છે 2×2મીટર એટલે કે 7 ફુટ બાય 7 ફુટ ના સ્ટોલમાં ખાદ્ય સામગ્રી બનાવવી કે વેચવી તે પણ મોટો પ્રશ્ર્ન છે ફુડ કોર્ટ ભાડે રાખવા માટે પુછપરછ થઇ રહી છે. સાથો સાથ કેટલીક રજુઆતો પણ આવી રહી છે.
અમુક વેપારીઓ દ્વારા ભાડામાં ઘટાડો કરવાની માંગણી કરવામાં આવી રહી છે તો કેટલાક લોકો અહીં આપવામાં આવેલી ટોઇલેટની સુવિધામાં ચાર્જ વસુલવાની મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરાય રહી છે. ફુડ કોર્ટની પાછળના ભાગે પાકિંગ માટે અનામત રાખવામાં આવેલી જગ્યામાં ફુડ વાન ઉભીરાખવાની છુટછાટ આપવામાં આવે તેવી પણ માંગણીઓ ઉઠી રહી છે.હાલ એસ્ટેટ શાખા દ્વારા ફુડ કોર્ટ માટે આવતી રજુઆતની એક મોટી મસ યાદી બનાવવામાં આવી છે. જેમાં ચારણો માર્યા બાદ યોગ્ય લાગતી માંગણીઓ મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા સમક્ષ રજુ કરી દેવામાં આવશે. અમુક માંગણીઓનો સ્વીકાર પણ કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે. ફુડ કોર્ટમાં ભાડુ ઉંચુ અને સુવિધા ઓછી હોવાની સૌથી વધુ ફરીયાદ ઉઠી રહી છે.