જાદવપુર યુનિ.માં એબીવીપીનાં કાર્યક્રમમાં ગયેલા સુપ્રિયો, ગર્વનર અને ભાજપી આગેવાનોને તૃણમુલ અને ડાબેરીઓની વિદ્યાર્થી પાંખોનાં કાર્યકરોએ ધકકે ચડાવ્યા
પશ્ચિમ બંગાળમાં રાજય અને કેન્દ્ર સરકાર વચ્ચે વિધાનસભાની ચુંટણી વખતથી જ શરૂ થઈ ગયેલા સંઘર્ષ અને રાજકીય સાંઠમારીનો માહોલ હજુ પણ યથાવત છે. ગઈકાલે કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયોને જાદવપુર યુનિમાં રાજયપાલ સાથે વિદ્યાર્થીઓએ ઘેરી લીધા હતા. કલાકો બાદ મંત્રી અને રાજયપાલની મુકિત થતા ભારે ખળભળાટ મચી ગયો હતો. મંત્રી અને રાજયપાલને વિદ્યાર્થીનીઓની ઘેરાબંધીમાંથી છોડાવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને કેમ્પસમાં દોડી જવુ પડયું હતું.
જાદવપુર યુનિ.માં ચાન્સેલર એવા રાજયપાલને પણ મંત્રી સાથે વિદ્યાર્થીઓનાં ઉગ્ર દેખાવોનો સામનો કરવો પડયો હતો. આ ઘેરાબંધીમાં એસએફઆઈ ડાબેરીઓનું પીઠબળ ધરાવતું એએસયુ અને એફઈટીએસયુની સાથે નકસલી વિદ્યાર્થીઓનું સંગઠન એટીએસએ અને ટીએમસીપીનાં સભ્યો આ ઘેરાબંધીમાં જોડાયા હતા. દેખાવકારોએ મંત્રી અને ગર્વનરનાં વાહનોની બોનેટ ઉપર ચડી જઈને રોકી લીધા હતા. પોલીસે મંત્રી અને રાજયપાલની ઘેરાબંધી હટાવવા વિદ્યાર્થીઓને રીતસરની વિનવણી કરવી પડી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગર્વનર અને બાબુલ સુપ્રિયો કલાકો પછી યુનિ.માંથી બહાર નિકળી શકયા હતા. કોલેજનાં શિક્ષકોએ આ બંને મહાનુભાવોને વિદ્યાર્થીઓ વચ્ચેથી મહામહેનતે બહાર કાઢયા હોવાનું યુનિ.શિક્ષક સંઘનાં પ્રવકતાએ જણાવ્યું હતું. જાદવપુર યુનિ.માં એબીવીપીનાં સમર્થકોએ સેમીનારનું આયોજન કરતા આ વિવાદ ઉભો થયો હતો અને તેની સામે એએફએસયુ મેદાનમાં ઉતરી ગયું હતું. જય શ્રી રામ અને ભારત માતા કી જય સાથેનાં નારા સાથે દેખાવકારોએ યુનિ.ની કચેરીમાં ફર્નિચર, કોમ્પ્યુટર અને પંખાઓને આગ ચાંપી દીધી હતી અને એબીવીપી લખેલા લખાણો પર કાળા પીછડા લગાવી યુનિ.નાં ચોથા નંબરનાં દરવાજે ટાયરો સળગાવ્યા હતા. ગર્વનરને તોફાન દરમિયાન ૩ નંબરનાં દરવાજેથી બહાર કાઢયા હતા. જાદવપુર યુનિ.માં એ સમયે તોફાનો ફાટી નિકળ્યા હતા જયારે પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી બાબુલ સુપ્રિયો જાદવપુર યુનિ.માં અઢી વાગ્યે આર.એસ.એસ. સર્મર્થિત એબીવીપીનાં સેમીનારને સંબોધવા કેમ્પસમાં ગયા ત્યારે ડાબેરી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
ભાજપનાં નેતા અગ્નિમિત્ર પોલ સાથે યુનિ. આવેલા કેન્દ્રિય મંત્રીને દરવાજામાં આવતા જ અટકાવી દેવાયા હતા. એકથી દોઢ કલાક સુધી વિદ્યાર્થીઓએ બાબુલ સુપ્રિયો પાછા જાયનાં નારા લગાવી કાળા વાવટા દેખાડયા હતા. આ દેખાવમાં સામેલ એએફએસયુનાં નેતા દેવરાજ, દેવનાથએ જણાવ્યું હતું કે, ફાંસીવાદી તત્વોને કેમ્પસમાં સ્વિકારેલ નથી. અમે ભાજપ, આરએસએસ, એબીવીપીને જાદવપુર યુનિ જેવી સ્વાયત સંસ્થામાં તેની વિચારધારા પ્રવેશવા નહીં દઈએ. બાબુલ સુપ્રિયો વિદ્યાર્થીઓ અને મહિલાઓ સાથે દુર વ્યવહાર કરતા હોવાનાં આક્ષેપ કર્યા હતા. બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે, અહીં કોઈ પ્રકારનું રાજકારણ કરવા આવ્યો ન હતો પરંતુ હું ખરેખર યુનિ.નાં વિદ્યાર્થીઓનાં આવા વર્તનથી ખુબ જ આઘાત પામ્યો છું. જે રીતે વિદ્યાર્થીઓએ વર્તન કર્યું છે તે ઘણુ દુ:ખદ છે મને ધકકે ચડાવી, મારા વાળ ખેંચી મારી સાથે ખુબ જ ગેરવર્તણુક કરી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ મહેમાનોને ગેરવર્તણુકનાં ભોગ બનાવ્યા હતા.
સુપ્રિયો કાર્યક્રમ પુરો કરીને પાછા જતા હતા ત્યારે પણ તેમને દેખાવકારોનો સામનો કરવો પડયો હતો. એક તબકકે તો વિદ્યાર્થીઓ મંત્રીની મોટરનાં બોનેટ ઉપર ચડી ગયા હતા. મંત્રીએ પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દેખાવકારો ભારે આક્રમક રીતે વિરોધ કરતા રહ્યા હતા. કલાકો સુધીનાં સંઘર્ષ અને ભારે હિંસાની આ ઘટનાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. રાજયપાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ દ્વારા મંત્રીને ઘેરાવ કરવાની આ ઘટના ખુબ જ ગંભીર બાબત છે અને રાજયનાં મુખ્ય સચિવને આ ઘટનાની તપાસ અને કસુરવારો સામે પગલા લેવાનાં આદેશો આપ્યા છે. યુનિ. વી.સી. સુરારંજનદાસ આ ઘટનાને પગલે બિમાર પડી જતાં તેમને દવાખાને દાખલ કરાયા છે. જાદવપુર યુનિ.નાં પ્રવકતાએ જણાવ્યું કે, યુનિ.નાં ૬૪ વર્ષનાં કાર્યકાળનો સૌથી કાળો દિવસ બન્યો છે. યુનિ.ની આંતરીક પરીસરમાં પોલીસને બોલાવવી પડે અને બહારનાં લોકો કેમ્પસ સુધી પહોંચી જાય તે ઘટના કયારેય સ્વિકારવા જેવી નથી.
ભાજપનાં મહાસચિવ અને બંગાલનાં કૈલાસ વિજય વારગયાએ જણાવ્યું હતું કે, આ ઘટના બંગાળની પરિસ્થિતિનો ચિતાર આપે છે. રાજયમાં કેન્દ્રીયમંત્રી અને ગર્વનર સલામત ન હોય તો આમ આદમીની શું હાલત હશે. ટીએમસી સરકાર અને પોલીસ આ બધુ કરાવે છે. કેન્દ્રીય મંત્રીનાં સમર્થનમાં ભાજપનાં રાજયસભાનાં સભ્ય સ્વપ્નદાસ ગુપ્તાએ ટવીટ કરીને આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે, જાદવપુર યુનિ.નાં પ્રો.નકલસ વિદ્યાર્થીઓ કાશ્મીરમાં આઝાદીની વાત કરે છે અને બાબુલ સુપ્રિયોનાં રસ્તા રોકે છે. આ બધી ઘટનાઓ કયારેય સ્વિકારવી ન જોઈએ. આ આપણા જ રાજયની વિદ્યાપીઠ કે જયાં લઘુમતિ તેમનાં બાવડાની તાકાત બતાવે છે તેમ ગુપ્તાએ ટવીટમાં ખેદ વ્યકત કર્યો હતો.