ભાદરની લીકેજ લાઇન રિપેરીંગના બહાના તળે શનિવાર બાદ સોમવારે પણ વિતરણ બંધ કરાયું
અબતક, રાજકોટ
ભરશિયાળે કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર છાશવારે પાણીકાપના કોરડા વિંઝવામાં આવી રહ્યા છે. શહેરના 3 વોર્ડમાં 3 દિવસમાં બે વખત પાણીકાપ ઝીંકવામાં આવતા ગૃહિણીમાં જબ્બરો દેકારો બોલી ગયો હતો.ગોંડલ ચોકડી પાસે ભાદર યોજનાની 900 એમ.એમ.ની મેઇન લાઇન લીકેજ હોવાના કારણે આજે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હોય ગુરૂકુળ હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.7ના ભક્તિનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર અને ઉદ્યોગ નગર સહિતના વિસ્તારો, વોર્ડ નં.14માં વાણીયા વાડી, ગાયત્રી નગર, ગોપાલ નગર, ગીતા નગર, ભક્તિનગર, ઢોલરીયા નગર, શ્રમજીવી સોસાયટી, કોઠારિયા કોલોની, માસ્ટર સોસાયટી, મિલપરા, મયુર પાર્ક, પુજારા પ્લોટ, આનંદ નગર, મધુરમ પાર્ક, ગુલાબ નગર અને અમૃત પાર્ક જ્યારે વોર્ડ નં.17માં નારાયણ નગર ભાગ-1 અને ભાગ-2, નારાયણ નગર મફતીયુ, ઢેબર કોલોની ભાગ-1,2 અને 3, હસનવાડી ભાગ-1,2 અને વાલકેશ્ર્વર સોસાયટી, શ્રીનગર સાધના સોસાયટી, ઇન્દિરા નગર-1,2, મેઘાણીનગર, ન્યૂ મેઘાણીનગર, આશિર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદ નગર અને ગાયત્રી નગર વાળા ભાગમાં પાણી વિતરણ બંધ રહેવા પામ્યું હતું. ત્રણ દિવસમાં સતત બીજી વખત પાણીકાપથી ભારે દેકારો બોલી ગયો છે.