શહેરના 153 બાગ-બગીચાઓ ખોલી અને તમામ બગીચાઓને સેનેટાઈઝર કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સેનિટેશન ચેરમેન અશ્વિન પામભરે સૂચના આપી છે અને રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ આજથી બગીચા સવારે 6 થી સાંજે સાત સુધી લોકોના ઉપયોગ માટે ખુલ્લા રાખવાની જાહેરાત કરી છે. બગીચામાં પડેલા ઉકરડા ગંદકીના ગંજ અને એઠવાડ ઉપાડવા સૂચના ન આપતા વોર્ડ 14 ના જાહેર બગીચાની કોંગ્રેસના અને લોક સંસદ વિચાર મંચના રાજકીય-સામાજિક આગેવાનો એ મુલાકાત લેતા જાહેર બગીચાઓ જાહેર ઉકરડાઓ બન્યા છે.
બગીચામાં ડુંગર જેવડાં કચરાના ગંજ ગંદકી દુર્ગંધ મારતો એઠવાડ તૂટેલી જાડીઓ જોવા મળેલ હતી મહાપાલિકાની ઘોર બેદરકારી અને લાપરવાહી ખુલવા પામી હતી. તેમ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા,શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ તલાટીયા, લોકસંસદ વિચાર મંચના ધીરુભાઈ ભરવાડે જણાવ્યું છે.
તેઓએ ઉમેર્યું છે કે, શહેરના વોર્ડ નંબર 14 મુખ્ય માર્ગ 80 ફુટ રોડ ઉપર શેઠ હાઈસ્કુલ સામે વાણીયાવાડી બગીચાના (રવિશંકર જાહેર ઉદ્યાન) બાલ ક્રીડાંગણમાં, પવનપુત્ર ચોક પાસે ના બાલ ક્રીડાંગણમાં બાળકના બાળ આરોગ્ય જોખમાય તે હદે કચરાના ગંજ અને એઠવાડ હતા તદુપરાંત કોઠારીયા કોલોનીમાં વોર્ડ ઓફિસ સામેનો બગીચો, સોરઠીયા વાડી નો બગીચો, ભક્તિનગર સોસાયટી ના બગીચાની હાલત પણ દયાજનક અને ઉકરડા ગંદકીના ગંજ જોવા મળ્યા હતા.
લોકમુખે ચર્ચાથી વિગતો મુજબ બગીચામાં છેલ્લા બે-ત્રણ માસથી કચરો ગંદકી ભરવા માટે કોઈ આવતું નથી જે પગલે બગીચાઓમાં ઠેર-ઠેર ઉકરડા થયા છે. આમ આદમી અને વેપારીઓને સામાન્ય કચરા માટે તોતિંગ દંડ કરતી રાજકોટ મહાનગરપાલિકા બગીચામાં કચરાના ડુંગર જેવડાં ઢગલાઓ અને ઉકરડાના પ્રશ્ને જવાબદારોને દંડ કરશે કે કેમ ? બગીચામાં બંધ દરમિયાન રૂટીન કામગીરી સોંપવામાં આવી હતી કે કેમ ?અને આવી હોય તો આટલા બધા ઉકરડા ઓ અને કચરો કેમ જે બગીચાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં ’તીસરી આંખ’ માંબધું જ આબેહૂબ દેખાય છે. તો આ અંગે તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટરોને બીલો ના મંજુર કરવા જોઈએ અને જવાબદાર અધિકારીને દંડ કરવો જોઈએ તેવી માગણી મ્યુનિસિપલ કમિશનર ને કોંગ્રેસના આગેવાનોએ લેખિત રજૂઆત સાથે કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે બીલો ચૂકવાયા હોય તો તે નાણાં ની રિકવરી થવી જોઈએ.
નવા બગીચાઓ દર વર્ષે બજેટમાં બનાવાય છે પરંતુ હયાત બગીચાઓની હાડપિંજર સમાન હાલત મા સુધારો કરાતો નથી મહાનગરપાલિકાએ ’સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત અનેક એવોર્ડ મેળવ્યા છે. બાગ બગીચા ના અભ્યાસાર્થે અધિકારીઓ પદાધિકારીઓ દેશ-વિદેશમાં પ્રજાના ખર્ચે જઈ આવ્યા છે. અને બાગ બગીચા ના પ્રશ્ને મોટા બણગાં ફૂંકે છે અગાઉ સાવરણો લઈને ’સ્વચ્છતા અભિયાન’ અને ’સ્વચ્છ ભારત’ ના નામે ફોટા પડાવનારા નેતાઓ કુંભકર્ણ નિંદ્રામાં પોઢી ગયા છે. આ ભર ઊંઘ માં રહેલા નેતાઓ અને રાજકોટ મહાનગરપાલિકાના તંત્રવાહકો ને આગામી 48 કલાકનુ અલ્ટીમેટમ છે.
બગીચામાં રહેલા ઉકરડા ઓ અને કચરાના ગંજ નહિ ઉપાડે તો કોંગ્રેસના આગેવાનો લોકસંસદ વિચાર મંચના રાજકીય-સામાજિક આગેવાનો અને લતાવાસીઓ ને સાથે રાખી રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 14 ની વોર્ડ ઓફિસમાં ઉકરડા ઓ ઠલવવામાં આવશે તેવી ચીમકી આપી છે.