પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સંજય અજુડીયાને વચ્ચે બોલતા ટોકતા બંને વચ્ચે જામી પડી: ‘આપ’ના કાર્યકરોના વિસ્તાર સાથે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ
‘મેયર તમારા દ્વારે’ શિર્ષક અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.12માં યોજાયેલા લોક દરબારમાં પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. ‘આપ’ના કાર્યકરોના વિસ્તારમાં વિકાસ કામોમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. લોક દરબારમાં 46 ફરિયાદો ઉઠી હતી.
આજે વોર્ડ નં.12માં યોજાયેલા લોક દરબારમાં મહિલાઓ પોતાના વિસ્તારની ફરિયાદોની રજૂઆત કરી રહી હતી. તેઓને શાંતિથી સાંભળી જવાબ આપવામાં આવતા હતા. દરમિયાન સ્થળ પર હાજર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરી અધ્યક્ષ સંજય અજુડીયા, કનકસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર સતત વચ્ચે-વચ્ચે બોલતા હોય પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવે તેઓને બોલતા અટકાવ્યા હતા અને લોક દરબારમાં રાજકારણને ન લાવવાની ટકોર કરી હતી. તેઓના આ વહેણથી મામલો થોડો ઉગ્ર બની ગયો હતો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. જો કે, થોડીવારમાં મામલો શાંત પડી ગયો હતો. લોક દરબારમાં કુલ 46 ફરિયાદો ઉઠી હતી.
વોર્ડ નં.12માં યોજાયેલ “મેયર તમારા દ્વારે…” “લોક દરબાર” વિસ્તારમાં માઠા પ્રસંગે નાહવા માટેના બાથરૂમ બનાવવા,વાવડી વિસ્તારમાં નવા સ્મશાન માટે જગ્યા ફાળવવા, વોર્ડ નં.12 નાગરિકો દ્વારા ગાર્બેજ કલેક્શન બાબત,વાવડીમાં નવું બસ સ્ટેન્ડ બનાવવા બાબત,કાંગશીયાળી મેઈન રોડ બનાવવા માટે,સંસ્કાર સોસાયટી પાસે વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા બાબત,રોડ ખુલ્લો કરવા બાબત,વાવડી ઇન્ડસ્ટ્રીઝમાં રોડ બનાવવા બાબત,રસુલપરામાં પેવિંગ બ્લોક નાખવા બાબત,શ્રીનાથજી શેરી નં.14માં ભૂગર્ભ ગટર ઓવરફ્લો બાબત, વરસાદી પાણી ભરાવા બાબત,ગાયત્રી પાર્ક શેરી નં.5માં ગટર ઓવરફ્લો બાબત, ગોકુલધામ અને દ્વારિકાધીશ વિસ્તારમાં ટ્રાફિક બાબત, દ્વારિકાધીશ વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા અને લારીઓનું દબાણ દૂર કરવા બાબત, મવડી ચોકડીએ વરસાદી પાણીનો નિકાલ કરવા બાબત, આસ્થા સોસાયટી પાછળ રોડ પહોળો કરવા બાબત, વોર્ડ નં.12માં નવી વોર્ડ ઓફીસ બનાવવા બાબત,વાવડી વિસ્તારમાં 80 ફૂટ રોડ બનાવવા બાબત,વાવડી વિસ્તારમાં આવેલ નદીમાં નિયમિત સફાઈ કરવા બાબત, નંદનવન સોસાયટીમાં આવેલ સ્ટ્રીટલાઈટ શરૂ કરવા બાબત, ઝાડનું ટ્રીમિંગ કરવા બાબત,કોમન પ્લોટમાં બાળકોના રમત-ગમતની વ્યવસ્થા કરી આપવા બાબત,વાવડી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝનું પાણી રેસિડેન્ટ વિસ્તારમાં આવે છેવગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો રજુ થયેલ. આ લોક દરબારની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા કાર્યક્રમ સ્થળની બાજુમાં ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા લગત અધિકારીને સૂચના આપી હતી.
ઉદયનગરમાં ધમધમતું ગેરકાયદે બાંધકામ સ્ટે.ચેરમેન નજર ચડ્યું !
આજે સવારે વોર્ડ નં.12માં લોક દરબારમાં હાજરી આપવા જઇ રહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર પોતાની ગાડીમાં પસાર થઇ રહ્યા હતા ત્યારે વોર્ડના ઉદયનગર વિસ્તારમાં એક બાંધકામ ચાલી રહ્યું છે. જે પ્રથમ નજરે જ નિયમ વિરૂધ્ધ હોવાનું જણાતા ચેરમેને લોક દરબારના આરંભે ટીપી શાખાના અધિકારીઓને આ બાંધકામના ફોટોગ્રાફ્સ આપ્યા હતા અને ચેકીંગ કરવા સૂચના આપી હતી. જો બાંધકામ ગેરકાયદે હોય તો તેને જમીનદોસ્ત કરવા સૂચના આપી હતી.