કેરીના બગીચામાં ભાગ રાખવાના પ્રશ્ને ઝઘડો થતા હત્યા કરી ચારેય ફરાર
વિસાવદરમાં આજે સવારે જમાઈ જમ બન્યો હતો. કેરીના બગીચાના ભાગ રાખવા મામલે થયેલા મન દુ:ખમાં દીકરી, જમાઈ અને બે દોહીત્રોએ ૭૦ વર્ષના વૃદ્ધને માથામાં બેટ ફટકારી હત્યા કરી નાખી હતી. જેમાં ૧૨ વર્ષના ભત્રીજાની પણ ખૂનની કોશિષ કરવામાં આવી હતી. આ હુમલામાં કુલ પાંચ વ્યક્તિને ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.
વિસાવદરમાં ધારી બાયપાસ ઉપર કાબરાના કાંઠે રહેતા દેવીપૂજક પરિવારમાં આજે ખૂની ખેલ ખેલાયો હતો. દેવજીભાઈ મણીભાઈ સોલંકી (ઉ.૭૦) અને તેના પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે તેનો જમાઈ અશોક ચીનાભાઈ બાંભરોલીયા, તેની પત્ની અને દેવજીભાઈની દીકરી કંચન, અશોકના બે દિકરા મેહુલ અને રાહુલ ચારેય હાથમાં લાકડાના બેટ, ધોકા લઈને આવ્યા હતા. અગાવના મનદુ:ખ બાબતેનો ખાર રાખીને ઝઘડો કરીને અશોકે બેટ વડે હૂમલો કરીને સસરા દેવજીભાઈને માથામાં મરણતોલ ફટકો મારી પતાવી દીધા હતા.
અન્ય સભ્યોએ તેના જ પરિવારના ૧૨ વર્ષના ભત્રીજા આશિષ સંજય (ઉ.૧૨)ને પણ માથામાં બેટ મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.આ સિવાય દેવજીના દીકરા સંજય દેવજી (ઉ.૩૦), અજય દેવજી (ઉ.૪૦), ભારતી સંજય (ઉ.૩૦) અને મુકતાબેન દેવજીભાઈ (ઉ.૬૫)ને પણ ધોકા વડે મારમારી નાસી ગયા હતા.
હુમલામાં ઘવાયેલા પાંચને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે દેવજીભાઈના પત્ની મુકતાબેને જમાઈ અશોક, દીકરી, કંચન, બે દોહિત્રો મેહુલ અને રાહુલ વિરુદ્ધ હત્યા અને હત્યાની કોશિષની વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.કે.ઝાલાએ તપાસ હાથ ધરી છે.