4 જુલાઈથી 15 દિવસ સમગ્ર રાજયમાં ફરનારો વિકાસ રથ
આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને છેવાડાના લોકો સુધી પહોંચાડવા સરકાર દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું રાજ્યના તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવનાર છે. આગામી તા. 04 જુલાઇ – 22થી 18 જુલાઇ સુધી એટલે કે 15 દિવસ આ યાત્રા ફરશે. આ વિકાસયાત્રા માટે રાજકોટ જિલ્લામાં સુચારૂ અમલીકરણ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક બેઠકનું આયોજન થયું હતું
દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વિકાસ યાત્રામાં સરકારનાં18 જેટલા વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ નવા કામોની જાહેરાત સરકારની કલ્યાણકારી યોજના હેઠળ સહાયોનું વિતરણ વગેરે બાબતોને આવરી લેવામાં આવનાર છે ત્યારે, જિલ્લાકક્ષાની સમિતિમાં જે કોઈને જવાબદારી સોંપાઈ છે. તે તમામ અધિકારી ઓએ ચીવટ રાખીને કામગીરી કરવા હિમાયત કરી હતી. બેઠકની શરૂઆતમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે સૌને આવકારીને સરકાર દ્વારા થયેલી સૂચનાઓની સૌને જાણકારી આપી હતી તેમજ જિલ્લાનાં ગોંડલ, જસદણ, ધોરાજીનાં પ્રાંત અધિકારી ઓ સાથે વિડિયો કોન્ફરન્સથી જાણકારી આપી હતી. વરસાદની ઋતુ હોવાથી યોગ્ય સ્થળની પસંદગી કરવા પણ સૂચન કર્યું હતું. બેઠકમાં વિવિધ ખાતાનાં અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.