રાજસ્થાનની ટીમને ૨૮.૩ ઓવરમાં ૭૩ રનમાં ઓલઆઉટ કરતું ઝારખંડ
ગુવારના રોજ ઝારખંડના સ્પિનર શાહબાઝ નદીમે વિજય હજારે ટ્રોફિમાં રાજસ્થાન સામે રમતા ૧૦ રનમાં આઠ વિકેટ મેળવી લિસ્ટ એ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો બે દશક જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડયો હતો. ભારતીય નેશનલ ટીમનાં સ્થાન મેળવવા માટેની દાવેદારી કરી રહેલા સ્પીનર નદીમની તીવ્ર બોલીંગ સામે રાજસ્થાનની ટીમ ૨૮.૩ ઓવરમાં માત્ર ૭૩ રનમાં જ ઓલ આઉટ થઈ હતી. નદીમે ૧૦ ઓવરમાં ચાર મેડન નાખતા ૧૦ રન આપી આઠ વિકેટ ઝડપી હતી.
૭૪ રનના લક્ષ્યાંકને ઝારખંડે ૨૧૩ બોલ બાકી રહેતા ત્રણ વિકેટના નુકસાન પર ૭૬ રન બનાવી વિજય મેળવ્યો હતો. લિસ્ટમાં એ ક્રિકેટમાં આ પહેલાનો વર્લ્ડ રેકોર્ડ પણ ભારતના જ સ્પીનર રાહુલ સંઘવીના નામે હતો. જેણે ૧૯૯૭માં હિમાચલપ્રદેશ સામે દિલ્હી તરફથી રમતા ૧૫ રન આપી આઠ વિકેટ ઝડપી હતી. સંઘવી ભારત તરફથી એકમાત્ર ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમતો હતો. લિસ્ટ એ અંતર્ગત વિવિધ મુકાબલા ઉપરાંત ઈન્ટરનેશનલ વન-ડેમાં પણ આવે છે.