વધુને વધુ લોકો આરોગ્ય રથનો લાભ લે: લાયઝન અધિકારી દિનેશ પટેલની અપીલ
ગીર-સોમનાથ જિલ્લા કોવિડ-૧૯ લાયઝન અધિકારી દિનેશ પટેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આજે વેરાવળ તાલુકા આરોગ્ય વિભાગના ધનવંતરી આરોગ્ય રથ દ્વારા વેરાવળની હરસીધ્ધી સોસાયટી, મહિલા કોલેજ વિસ્તાર, બેન્ક કોલોની અને પ્રભાસ-પાટણના હાડીવાસ વિસ્તાર તેમજ લખાતવાડી સહિતના જુદા-જુદા વિસ્તારમાં લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તે દરમ્યાન ગીર સોમનાથ જિલ્લાના કોવિડ-૧૯ લાયઝન અધિકારી દિનેશ પટેલે મુલાકાત લઈ આરોગ્યને લગતી વિગતો મેળવી હતી. આરોગ્ય રથ દ્રારા આપવામાં આવતી સારવાર અંગે લોકોને પુચ્છા કરી હતી.
લાયઝન અધિકારીએ ધનવંતરી આરોગ્ય રથમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં આરોગ્ય રથનું પરિભ્રમણ કરવામાં આવે તે વિસ્તારના વધુમાં વધુ લોકોને આરોગ્યની સારવાર આપવી, આરોગ્ય તપાસ દરમ્યાન કોઈપણ દર્દી શંકાસ્પદ મળી આવે તો તેના પર સતત મોનીટરીંગ રાખવું, દિવસ દરમ્યાન વધુમાં વધુ લોકોને તપાસવા માટે કહ્યું હતું. લોકોના આરોગ્યની ચિંતા કરી સરકારે ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ઘરે ઘરે આરોગ્યની સારવાર આપવામાં આવી રહી છે. લોકોએ કોઈપણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર આપના વિસ્તારમાં આવતા ધનવંતરી આરોગ્ય રથનો જરૂર લાભ લેવા તેમજ સામાન્ય તાવ, ઉધરસ કે શરદી હોય તેઓએ દવા લેવાની સુચના અપાઈ હતી.
આ પ્રસંગે નાયબ કલેકટર ભાવનાબા ઝાલા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહભાગી થયા હતા. જુદા-જુદા વિસ્તારમાં તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને લોકોને આરોગ્ય સેવા લોકોને ઘર સુધી આપવા માટે આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કર બહેનોએ ફરજ બજાવી હતી.