તા.5 થી 19 જુલાઇ દરમિયાન રાજકોટ, ગોંડલ, પડધરી, કોટડા સાંગાણી, લોધિકા તાલુકામાં રથના રાત્રિ રોકાણ વખતે લોકસંગીતના કાર્યક્રમો યોજાયા
ગુજરાતમાં થયેલાં છેલ્લાં 20 વર્ષનાં લોકકલ્યાણનાં કામોની યાદ તાજી થાય અને પોતાને ઘેર બેઠાં સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે એવા શુભ આશયથી તાજેતરમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાતભરમાં યોજાઇ ગઇ, જેમાં સુપ્રસિધ્ધ લોકગાયક નીલેશ પંડ્યાનો અષાઢીલો કંઠ ગહેકી ઉઠ્યો હતો!
‘20 વર્ષનો વિશ્ર્વાસ, 20 વર્ષનો વિકાસ’ના સૂત્ર સાથે ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીથી લઇ વર્તમાન સમય સુધીમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રે આગેકૂચ કરી છે એની ઝાંખી કરાવવા અને જુદીજુદી સરકારી યોજનાઓનો લાભ લોકોને ઘેર બેઠાં મળી જાય એ માટે ગત તા.5 જુલાઇથી તા.19 જુલાઇ સુધી ગુજરાતના ગામેગામ વંદે ગુજરાત વિકાસ યાત્રા નીકળી હતી. વિકાસ યાત્રાના જાજરમાન રથ જ્યાં રાત્રિ રોકાણ કરતા હતા ત્યાં યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રમતગમત તથા યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરની સૂચનાથી જિલ્લાઓની કચેરીઓ દ્વારા લોકસંગીતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન થયું હતું.
આજની ઘડી રળિયામણી, વા વાયા ને વાદળ ઉમટ્યાં, વાદલડી વરસી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, અંબર ગાજે, શિવાજીનું હાલરડું, કસુંબીનો રંગ જેવાં ગીતોથી પદાધિકારીઓ, અધિકારીઓ, શ્રોતાગણ ખુશ
રાજકોટ, ગોંડલ, પડધરી, કોટડા સાંગાણી અને લોધિકા તાલુકાનાં ગામોમાં વિકાસ યાત્રાના રથના રાત્રિરોકાણ પ્રસંગે સુપ્રસિધ્ધ લોકગાયક નીલેશ પંડ્યા અને સાથી કલાકારોના લોકસંગીતના કાર્યક્રમો યોજાયા હતા. નીલેશ પંડ્યાએ અવસરને ધ્યાને લઇ પોતાના અષાઢીલા કંઠે આજની ઘડી રળિયામણી, વા વાયા ને વાદળ ઉમટ્યાં, આભમાં ઝીણી ઝબુકે વીજળી, વાદલડી વરસી રે, અંબર ગાજે ને મેઘાડંબર ગાજે, શિવાજીનું હાલરડું, કસુંબોનો રંગ જેવાં ગીતો અને દુહા-છંદ પ્રસ્તુત કરી પદાધિકારીઓ, અધિકારીઓ તથા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જુદા-જુદા કાર્યક્રમોમાં લોકગાયક શાંતિલાલ રાણીંગા, અંબર પંડ્યા, અજય નિમાવત, દિવ્યેશ વ્યાસ, ધીરૂભાઇ સોલંકી, રોહિત સોલંકી, મહેશભાઇ પરમાર, સુનીલ સરપદડિયા, ડો.હરેશ વ્યાસ, રવિ યાદવ, ધીરૂ ધધાણિયા, ભાવેશ મિસ્ત્રી વગેરે કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી.
રાજકોટ જિલ્લાના સાંસ્કૃતિક કાર્યક્રમોની સફળતા માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી આર.કે. ચૌધરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાએ ભારે જહેમત ઉઠાવી હતી.