પવિત્ર રમજાનમાં કોરોનાથી બચવા ટેકનોલોજી કામ આવી
ધર્મગુરૂએ ખૂતબો ઓનલાઈન પઢાવ્યો
વડોદરામાં અલ્વી સમાજે ઘરમાં રહીને ઈબાદત કરીને ઈદ મનાવી હતી. ધર્મગુરૂને ઈદનો ખૂતબો ઓનલાઈન પઢાવ્યો હતો. વડોદરા શહેરમાં અલ્વી મુસ્લિમ સમાજની ઘણી મોટી વસ્તી છે. આ સમાજ હિજરી મિસરી કેલેન્ડર પ્રમાણે રમઝાન માસની ઈબાદત કરે છે અને તેના અંતે પવિત્ર ઈદની ઉજવણી કરે છે.અન્ય મુસ્લિમોમાં ચાંદ જોઈને ઈદ મનાવવામાં આવે છે. આ અલ્વી સમાજે આજે સરકારના એલાન પ્રમાણેના ધર્મ ગુરુના એલાન ને માન આપીને સહુની બહેતરી માટે ઘરમાં રહીને ઈદ મનાવી હતી અને પ્રાથના સહિત ધાર્મિક પરંપરાઓ પાળી હતી.તેમના મુખ્ય ધર્મ ગુરુના મોટા ફરજંદ શહેજાદા સૈયદૂલ ખૈર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો પવિત્ર ધાર્મિક કાર્ય માટે પ્રેરણાદાયક ઉપયોગ કરીને પવિત્ર ઈદનો ખુતબો ઓનલાઇન રિલે કર્યો હતો જેનો લાભ સમાજના લોકોએ ઘરમાં રહીને લીધો હતો. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું કે આ વર્ષે કોરોનાના ખતરાથી સહુને બચાવવા સરકારે લોક ડાઉન નું પાલન કરવા અને કોરોના નો ચેપ ફેલાતો અટકાવવા મસ્જિદો અને ધાર્મિક સ્થળોમાં ભેગાં ન થવાનું એલાન કર્યું તેને માન આપીને આખા રમજાન માસ દરમિયાન અલ્વી સમાજની મસ્જિદ અમે બંધ રાખી હતી. તેના વિકલ્પે અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પવિત્ર માસની નમાઝો, ઇબાદતો, બયાન તરીકે જાણીતાં રૂહાની રહેબરોના પાઠ અને વચન ઓનલાઇન ચાલુ રાખ્યા જેનો અનુયાયીઓએ ઘરમાં રહીને લાભ લીધો. સહુને આ ખૂબ પસંદ પણ આવ્યું. ટેકનોલોજી થી હવે ઘરમાં રહીને ઈબાદત કરવી શક્ય બની છે.