વડોદરાના ખાસ અધિકારી ડો.વિનોદ રાવે બેઠક યોજી
સોમવારે સાંજે ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે વિડિયો કોનફરન્સથી બેઠક યોજીને શહેરી આરોગ્ય કેન્દ્રોના તબીબી અઘિકારીઓ સાથે કોવિડ તેમજ ચોમાસું રોગો સામે સુસજ્જતા અંગે પરામર્શ કર્યો હતો.
તેમણે કલેકટર કચેરીમાં વિડિયો કોન્ફરનસ દ્વારા જિલ્લાના તમામ ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અમલદારો સાથે ચર્ચા કરી હતી તથા કોવિડ અને મોસમી રોગો અંગે આરોગ્ય તંત્રની સુસજ્જતાની જાણકારી મેળવી હતી. આ ચર્ચામાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ જોડાયાં હતાં.
તેમણે તમામ ૪૦ શહેરી આરોગ્ય કેન્દ્રના તબીબી અઘિકારીઓ અને શહેરના વિભાગીય આરોગ્ય અમલદારો સાથે, મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં બેઠક યોજીને આરોગ્ય વિષયક પરિસ્થિતિનો પરામર્શ કર્યો હતો. તેમણે ખાસ કરીને કાર્યક્ષેત્રના વિસ્તારોમાં કોવિડના લીધે અને તે સિવાયના અન્ય કારણોથી થતાં મોતના બનાવો ધ્યાનમાં લઈને તેની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે વડોદરા ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએસન સાથે બેઠક યોજી, વડોદરાના ફાર્માસ્યુટીકલ ક્ષેત્રના ઉત્પાદનોમાં ઉત્તરોત્તર વધારો થાય, વડોદરા દેશમાં ફાર્મા ઉત્પાદનમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરે, અને ખાસ કરીને કોવીડ-૧૯ મહામારીના સમયમાં વીટામીન-સી, હાઈડ્રોક્સીકલોરોક્વીન, પેરાસીટામોલ, સેનેટાઈઝર, વગેરેના ઉત્પાદનમાં મહત્વનુ યોગદાન આપે તે અંગે વિશદ ચર્ચા કરી હતી.
અમીષ ચાવલાએ વડોદરા ફાર્મા ઇન્ડસ્ટ્રી અંગે પ્રેજેન્ટેશનના માધ્યમથી વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. કોવીડ-૧૯ મહામારીમાં વડોદરા ફાર્મા ઈન્ડસ્ટ્રીની ભૂમિકા, ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગ એકમો ધમધમતા હતા ત્યારે કર્મચારીઓને કોવીડ-૧૯ના સંક્રમણથી બચાવવા માટે લેવામાં આવેલા અગમચેતીના પગલા, સરકારી કચેરીઓમાં માસ્ક, સેનેટાઈઝ વગેરેનુ વિતરણ અને વિગતવાર આંકડાકીય માહિતી સાથે વડોદરા ફાર્મા ઈન્ડસ્ટ્રીનો ઉત્પાદનનો ચિતાર રજૂ કર્યો હતો. ઉપરાંત ફાર્મા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે સૂચનો વ્યક્ત કર્યા હતા. આ બેઠકમાં ફાર્મા ક્ષેત્રના ઉદ્યોગકારો ભરતભાઈ દેસાઈ, રાજુભાઈ શાહ, દુષ્યંતભાઈ પટેલ, હાર્દિક ઉકાણી, મુકેશ વઘાસીયા સહિતના અગ્રીણ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.