શ્રાવણમાં શિવજી સુવર્ણમય થાય એ અદકેરા આનંદનો પ્રસંગ:વિધાનસભા અધ્યક્ષ
પ્રતિમાને આવરણ સોનાનું ચઢાવવાનો વિશ્વનો કદાચ પ્રથમ પ્રસંગ
શહેરના સુરસાગર મધ્યે બિરાજમાન ભગવાન સર્વેશ્વર શિવની પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. શ્રીમંત મહારાજ શિવજીની છડીને સર્વેશ્વરના ચરણ કમળ સુધી લઈ ગયા અને શિવ પ્રતિમાના સુવર્ણ આવરણ માટેનું પૂજન શ કરાવ્યું છે.
એક તરફ સદીઓથી ભારતને જેની પ્રતીક્ષા હતી એ ભવ્ય રામ મંદિરના નિર્માણનો અયોધ્યામાં પ્રધાનમંત્રીએ શુભ પ્રારંભ કરાવ્યો તો એની સાથે જાણે કે સુભગ સમન્વય સર્જાયો હોય તેમ વડોદરા ની શાન અને પ્રાણ જેવા સુરસાગર મધ્યે બિરાજમાન ભગવાન સર્વેશ્વર શિવની અતિ વિરાટ પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો પ્રારંભ થયો.
વડોદરાના શ્રીમંત મહારાજ સમરજીતસિંહ અને શિવ પ્રતિમાના સંકલ્પ ધારક, રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલે બોટ ક્લબના કાંઠે શિવજીની પવિત્ર છડીનું વિધિવત પૂજન કર્યું.પછી મહારાજ આ છડીને લઈને નૌકા દ્વારા સર્વેશ્વર પ્રતિમાના ચરણ કમળ સ્થળે ગયા અને ૪ વેદોના જ્ઞાતા બ્રહ્મર્ષિ ભૂદેવો એ પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવાની સર્વેશ્વરની મંજુરી માંગતા હોય તેવા ભાવ સાથે વેદોક્ત શિવ પૂજન કરાવીને સુવર્ણ આવરણ ના ભગીરથ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ વૈદિક પૂજન લગભગ એક કલાક ચાલ્યું હતું અને સંતો એ ઉપસ્થિત રહી આ કાર્યને આશિષ પ્રદાન કર્યા હતા.
પ્રસંગ નો અનંદ વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે પવિત્ર શ્રાવણએ ભોલેનાથની આરાધનાનો મહિનો છે. વડોદરાએ નવનાથની નગરી છે.આવી પવિત્ર નગરીમાં પવિત્ર માસમાં શિવ પ્રતિમા સુવર્ણમય થાય એના થી મોટો હર્ષનો કોઈ પ્રસંગના હોય શકે. યોગેશભાઈની તપ સાધનાથી વડોદરાને સર્વેશ્વર શિવ મળ્યા છે.અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન સાથે આ પ્રસંગનો સુભગ સમન્વય થયો છે, જાણે કે સોનામાં સુગંધ ભળી છે.
આ અતિ ભગીરથ કામ છે, ૧૧૧ ફૂટની ગગનચુંબી પ્રતિમા ને સોનાનો ઢોળ ચઢાવવો એ કદાચિત વિશ્વનો પ્રથમ પ્રસંગ છે, કયા પડકારો આ કામમાં આવશે એની ખબર નથી પણ સર્વેશ્વર શિવની કૃપાથી આ પ્રયોગ સફળ થશે જ એવો આત્મ વિશ્વાસ વ્યક્ત કરતા નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડોદરા અને વિશ્વભરના ભાવિકોએ આ કામમાં તન, મન,ધનથી સહયોગ આપ્યો છે, સાવલીના સ્વામીજીની પ્રેરણા અને પ્રમુખ સ્વામી બાપા સહિત સંતોના આશીર્વાદથી આ પ્રતિમા બની છે અને સુવર્ણ આવરણ ચઢાવવાનું કામ પણ સંપન્ન થશે.પહેલા તો ૧૧૧ ફૂટની પાલખ બનાવી પ્રતિમા પર તાંબાનો ઢોળ ચઢાવવામાં આવશે. તે પછી સુવર્ણ આવરણનું કામ કરાશે.આ ખૂબ સમય માંગી લેતું કામ દૈવ કૃપાથી પૂરું થશે.
આ પ્રસંગે દ્વારકેશલાલજી સહિત સંતો, વિધાનસભા અધ્યક્ષ, સાંસદ, મેયર, ધારાસભ્યઓ, રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, મહાનગર પાલિકા પદાધિકારીઓ, નગર સેવકો મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.