ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી મોતનું તાંડવ: અનેક લોકો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
ઉત્તરપ્રદેશમાં છેલ્લા એક વર્ષમાં સતત ચોથો લઠ્ઠાકાંડ સામે આવ્યો છે જેમાં ૪૫થી વધુ લોકોના મોતથી રાજયમાં હાહાકાર કાર મચી ગયો છે. ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાના કારણે સંખ્યાબંધ લોકોને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા. ૩૬ કલાકમાં ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ૨૨ અને કુશીનગરમાં ૧૦ના મોત થયા છે. જો કે બિહારમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાની ભારે ચર્ચા સામે આવી હતી.
લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા સ્થાનિકોનું કહેવું છે કે, તમામ લોકોએ એક જ સ્થળેથી ઝેરી દારૂ મેળવ્યો હતો. ઉત્તરપ્રદેશમાં એક વર્ષમાં ૪થી વખત લઠ્ઠાકાંડ સર્જાયો છે છતાં સત્તાધારીઓને જાણે પેટમાં પાણી પણ હલતુ ન હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. ગુજરાત સહિત કેટલાક રાજયોમાં દારૂબંધી છે છતાં પણ આવા રાજયોમાં દારૂ ધોમ વેંચાય છે પરંતુ ઉત્તરાખંડમાં દારૂબંધી ન હોવાથી ત્યાં ઠંડીનો પ્રદેશ હોવાથી શરાબનું વેંચાણ અને સેવન સામાન્ય બાબત છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેનું જવાબદાર કોણ ? આ અંગે તંત્ર પણ જાણી શકયું નથી કે લઠ્ઠાકાંડમાં આરોપી કોણ છે.
સહારનપુર યુપીમાં ૨૨ લોકોના મોત થયા, કુશીનગરમાં ૧૦ તો હરીદ્વારમાં ૧૩ લોકો મૃત્યુનો ભોગ બન્યા હતા. આ અંગે યુપીમાં પોલીસ અને એકસાઈઝ વિભાગના ૨૨ કર્મચારીઓને પુરતી તપાસ ન કરવા બદલ અને લોકોના મૃત્યુ પાછળનો ભેદ ઉકેલવા નિષ્ફળ રહ્યાં હોવાના કારણે ૨૨ લોકોને સસ્પેન્ડ કરી દેવાયા. જો કે હજુ વધુ તપાસના આદેશો અપાયા છે. યોગી સરકારે મૃતકોને રોકડ સહાય રૂ.૫૦ હજાર વળતર આપવાની જાહેરાત કરી છે તેને બદલે જો ઝેરી દારૂ બનાવનારને પકડીને સજા કરવામાં આવે તો ખરા અર્થમાં લોકોને ન્યાય મળી શકે છે.