આવકના દાખલા માટે ૩૦૦ રૂપિયાનો ચાંદલો: લોકોમાં રોષ
ઉપલેટા તાલુકા પંચાયત કચેરીનાં અધિકારીઓ દ્વારા પોતાની મનમાની ચલાવી આવકના દાખલામાં ફરજીયાત સોગંદનામાનો આગ્રહ રાખી અરજદારને રૂા.૩૦૦નો ખર્ચ કરે ત્યારે આવકનો દાખલો મળતો હોય આથી તાલુકાભરમાં ઉગ્ર રોષ ફાટી નિકળ્યો છે. આવકનો દાખલો મેળવવાની મોટાભાગની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી દ્વારા કરવામાં આવે છે. અરજદારે ગ્રામ પંચાયત કચેરી જઈ પોતાની આવક અંગેનું ફોર્મ ભરી જરૂરી ડોકયુમેન્ટ રજુ કરે ત્યારે ગ્રામ પંચાયતનાં તલાટી મંત્રી અથવા સરપંચનાં ઓથોરીટીથી દાખલો કાઢી આપવામાં આવે છે. આ આવકના દાખલાને તાલુકા વિકાસ અધિકારીએ મેન્યુઅલી કરી આપવાના હોય છે પણ છેલ્લા રામપથયા તાલુકાનાં ૫૨ ગામડાના લોકો ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ આવકના દાખલો ઉપર મેન્યુઅલી કરવાને બદલે તેની પાસે ફરજીયાત સોગંદનામું કરવામાં આવે છે. એક અરજદારને સોગંદનામું આશરે ૩૦૦ રૂપિયાથી વધુ ખર્ચ થાય છે. હાલમાં મજુર વર્ગના ધંધા-રોજગાર સાવ બંધ હાલતમાં હોય નાના ધંધા બંધ હોય ગ્રામ્યના લોકો બેકાર હોય ત્યારે આવા સમયે માત્ર અરજદારોના ખીચા ખંખેરવાનું કામ કરી અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જો આગામી દિવસોમાં આવકનાં દાખલામાં કરવામાં આવતી દખલગીરી બંધ નહીં કરવામાં આવે તો મોટાભાગના તાલુકાનાં સરપંચો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતનાં સભ્યો ગ્રામજનો સાથે રાખી આંદોલનના મંડાણ કરશે આમ છતાંય આનો ઉકેલ નહીં આવે તો તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરતા ગ્રામજનો અચકાશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમય થવા તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને બદલે દલાલોના આંટાફેરા વધુ જોવા મળી રહ્યા છે. જો ખરેખર તાલુકા પંચાયત કચેરીમાં અમુક ખાતામાં તપાસ કરવામાં આવે તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે.