ઉના બસ સ્ટેશન પાસે ડોકટર જુંગીના દવાખાના પાસે દરબારી આધાર નામની દુકાનમાં બોગસ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, મેરેજ સર્ટીફિકેટ, આયુષ્યમાન કાર્ડ અને શ્રમયોગી કાર્ડ મોટી રકમ લઇને બનાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગ દર્શન હેઠળ એલસીબી સ્ટાફે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી સરકારી દસ્તાવેજ બોગસ બનાવેલા સાહિત્ય કબ્જે કરી છે.
જન્મ તારિખના દાખલા, મેરેજ સર્ટિફિકેટ, એઆરઆઇના આધાર કાર્ડ, આ્રયુષ્યમાન કાર્ડ, શ્રમયોગી કાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સ સહિતનું સાહિત્ય કબ્જે
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ટીમને મળી મહત્વની સફળતા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉના કોટ વિસ્તારના અસ્લમ ઇસ્માઇલ શેખ, નીચલા રહીમનગરના શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભુરો ઇબ્રાહીમ મન્સુરી નામના શખ્સો બસ સ્ટેશન પાસે દરબારી આધાર સેન્ટર નામની દુકાનમાં સરકારના વિવિધ કાર્ડ ડુપ્લીકેટ બનાવી જરુરીયાત મંદો પાસેથી મોટી રકમ પડાવતા હોવાની બાતમીના આધારે પી.આિ. એસ.એમ.ઇશરાણી, પી.એસ.આઇ. વી.કે.ગોહિલ, એમ.જે.વરુ, પ્રફુલભાઇ વાઢેર અને જયરાજસિંહ ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી ત્રણેયને ઝડપી લીધા છે. ત્રણેય શખસો પાસેથી એક જ નંબરના બે આધાર કાર્ડ, ડોમ્પ્યુટર, લેપટોપ, કલર પ્રિન્ટ, લેમીનેશન મશીન, ફિંગર પ્રિન્ટ મશીન, કટર મશીન, 27 આધાર કાર્ડ, છ ચૂંટણી કાર્ડ, પાંચ પાન કાર્ડ, બે પાસપોર્ટ, બે રેશન કાર્ડ, બે ડ્રાઇવીંગ લાયસન્સ, એક શ્રમયોગી કાર્ડ, બે આયુષ્યમાન કાર્ડ અને 14 જન્મ તારિખના દાખલા મળી રુા.97નો મુદામાલ કબ્જે કર્યો છે.
ત્રણેય શખ્સોની પૂછપરછ દરમિયાન અસર જન્મ તારિખના દાખલામાં એડીટીંગ કરી જન્મ તારીખનો દાખલો કાઢી આપવાના રુા.3000, મેરેજ સર્ટીફિકેટ કાઢી આપવાના રુા.5 હજાર, નવો જન્મ તારિખનો દાકલો કાઢી આપવાના રુા.500, નવુ આધાર કાર્ડ કાઢી આપવાના રુા.4 હજાર, 65 વર્ષ કે તેથી વધુ ઉમરની વ્યક્તિના આધાર કાર્ડ બનાવી આપવાના રુા.15 હજાર, એનઆરઆઇને આધાર કાર્ડ બનાવી આપવાના રુા.8 હજાર લેતો હતો.
અસ્લમ શેખ 2015માં બીસીએ સુધીનો અભ્યાસ કર્યા બાદ 2017 સુધી આધાર કાર્ડની ફેન્ચાઇઝીમાં માસિક 5000ના પગારથી નોકરી કરતો હતો. ત્યાર બાદ 2017માં ધોરાજી મામલતદાર ઓફિસમાં કોમ સર્વિસ સેન્ટરનું લાયસન્સ ઓન લાઇન મેળવી કોન્ટ્રાકટ રાખ્યો હતો. 2019માં ઉનાની એસબીઆઇ બેન્કમાં રુા.10,500ના પગારથી નોકરી પર રહ્યો હતો. ત્યાર બાદ 2022થી તેને ઉના બસ સ્ટેશન પાસે દરબારી આધાર સેન્ટર નામની દુકાન શરુ કરી જેની પાસે જરુરી ડોકયુમેન્ટ ન હોય તેવી વ્યક્તિઓ પાસેથી મોટી રકમ લઇ સરકારના બોગસ કાર્ડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા આપતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. અસ્લમના કમ્પ્યુટરમાંથી 2021 થી 2023 દરમિયાન 1281 જેટલી એન્ટ્રી મળી આવી હતી. તેમજ રુા.16.97 લાખના ગ્રાહકના હિસાબ મળી આવ્યા છે.