મગફળીના ટેકાના ભાવ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી વધારે આપવામાં આવે છે તેને લઈને ખેડૂતો પોતાની મગફળી સરકારે નિમેલી એજન્સીને વેચે છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષથી મગફળીનું દહેગામ ઉપરાંત માણસામાં ખરીદ -વેચાણ કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કુલ ૧૫ હજારથી પણ વધુ ક્વિન્ટલ મગફળી સરકારી એજન્સીએ ખરીદી છે. જિલ્લામાં બે વર્ષમાં છ હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે.
આ અંગે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. જેમાં તેમણે છેલ્લા બે વર્ષમાં કેટલા ખેડૂતોએ કેટલા પ્રમાણમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કર્યું તેની માહિતી માંગી હતી. તેના જવાબમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧ મેની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮માં દહેગામના ૨,૦૪૦ તથા માણસાના ૭૩૫ મળી કુલ ૨,૭૭૫ ખેડૂતોએ જ્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં ગાંધીનગરના ૨૯૫ તથા દહેગામના ૨,૯૪૦ મળી કુલ ૩,૨૩૫ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે સરકારને વેચી છે. આ બે વર્ષમાં ૬,૦૧૦ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચી છે.
તો ગાંધીનગર, દહેગામ અને માણસાના ત્રણ સેન્ટરો ઉપર મગફળીનું સરકાર દ્વારા ખરીદ વેચાણ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યું છે. જેમાંવર્ષ ૨૦૧૭-૧૮માં ૭૩ હજાર ક્વિન્ટલથી વધુ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૭ હજાર ક્વિન્ટલ જેટલી મગફળીની સરકારે નિમેલી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી છે. આમ છેલ્લા બે વર્ષમાં ૧૫ હજાર ક્વિન્ટલથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી સરકારી એજન્સી મારફતે થઇ છે.