- મહિલાઓની સુરક્ષા, સાઈબર ક્રાઇમ પ્રત્યે જાગૃતતાને પ્રાધન્યતા અપાશે
- પ્રિવેન્શન અને ડિટેક્શન એમ બંને પાસા પર બરાબર ધ્યાન કેન્દ્રિત કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે જ ઉદેશ્ય : હિમકરસિં
રાજ્યના 19 આઈપીએસ અને 6 એસપીએસ અધિકારીઓની બદલીનો આદેશ ગત સપ્તાહે કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરની અમદાવાદ ખાતે જયારે અમરેલીના એસપી હિમકરસિંહને રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ ગત ગુરુવારે હિમકરસિંહે ચાર્જ સાંભળ્યા બાદ હવે તેઓ એક્શન મોડમાં આવી ગયાં છે. તેમણે કોર પોલિસીંગની પ્રેક્ટિસ થકી અલગ અલગ મુદ્દાઓ તારવી એક્શન લઇ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણ બને તેના માટે એસપી હિમકરસિંહે આદેશ આપ્યા છે.
ચાર્જ સાંભળ્યા બાદ હિમકરસિંહે આજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં સામાન્ય લોકો શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં જીવી શકે તેના માટેના પ્રયત્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. જિલ્લાભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે પોલીસ પ્યોર પોલિસીંગની પ્રેક્ટિસ થકી પ્રિવેંશન અને ડિટેક્શન પર ધ્યાન આપવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં હુલલ્ડ, કોમી રમખાણો, કાસ્ટ બેઝડ હિંસા પર ધ્યાન કેન્દ્રિત કરી આવા બનાવો અટકાવવા પગલાં લેવામાં આવશે. પ્રિવેંશન અને ડિટેક્શનને ધ્યાને રાખીને ગુનો અટકાવવા પ્રયત્નો તો કરવામાં આવશે જ પણ ગુનો બન્યા બાદ તાત્કાલિક ગુનો દાખલ કરી, આરોપીઓની ધરપકડ કરી, દોષિત સાબિત થાય તેવા તમામ પુરાવાઓ એકત્ર કરી અદાલત સમક્ષ મુકવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ ગમે તે સમયે ગમે તે સ્થળે ભયમુક્ત થઈને જઈ શકે તેવું વાતાવરણ ઉભું કરવું જિલ્લા પોલીસની પ્રાથમિકતા રહેશે. ઉપરાંત હાલના સમયમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો છે ત્યારે લોકોમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતતા લાવવા અનેકવિધ રીતે પ્રયત્નો કરવામાં આવશે.
જિલ્લાના હિસ્ટ્રીશીટર, લુખ્ખા તત્વોમાં કાયદાનો ભય ઉભો થાય તેના માટે પાસા અને તડીપાર સુધીના પગલાં લેવામાં આવશે તેમજ સંગઠિત થઈને અપરાધને અંજામ આપનાર સિન્ડિકેટ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસવડા તરીકે મારા માટે પોલીસ વેલ્ફેર પણ અત્યંત મહત્વપૂર્ણ બાબત હોવાથી તેના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોન્સ્ટેબલથી માંડી ડીવાયએસપી સુધીના અધિકારી-કર્મચારીઓની ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવશે અને પોલીસ એક ટીમ ભાવના સાથે કામ કરે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
મૂળ યુપીના મુરાદાબાદના વતની હિમકરસિંહ પરિવારના પ્રથમ આઈપીએસ
એસપી હિમકરસિંહે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ ઉત્તરપ્રદેશના મુરાદાબાદના વતની છે. તેમણે ચોથા પ્રયત્નમાં યુપીએસસી ક્રેક કર્યું હતું. આઈપીએસ બન્યા પૂર્વે તેઓ ઉત્તર પ્રદેશ સરકારમાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પકોમર્સિયલ ટેક્સ તરીકે એક વર્ષ સુધી ફરજ બજાવી ચુક્યા છે. તેઓ સામાન્ય ખેડૂત પરિવારમાથી આવે છે અને પરિવારમાં આઈપીએસ બનનાર પ્રથમ અધિકારી છે. તેમણે બીએસસીનો અભ્યાસ કર્યો છે અને લોનો અભ્યાસ કરી રહ્યા હતા પણ યુપીએસસી ક્રેક થઇ જતાં તે અભ્યાસ છોડવો પડ્યો હોય હવે તેઓ રાજકોટ ખાતે લો કરવા ઈચ્છે છે.
અરજદારો એપોઇન્ટમેન્ટ વિના મળવા આવી શકશે
નવનિયુક્ત જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, અરજદારો મને રજાના દિવસો સિવાય એપોઇન્ટમેન્ટ લીધા વિના જ મળવા આવી શકે છે અને પોતાની રજુઆત મને આપી શકે છે. હું અરજદારોની સમસ્યાને જાતે જ સાંભળો નિરાકરણ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ.
ગાંજા સહિતના માદકપદાર્થોની ખેતી ન થાય માટે ડ્રોનથી ખેતરો પર નજર રખાશે
તાજેતરમાં ખેતરોમાં ગાંજા સહિતના માદકપદાર્થોની ખેતી કરવામાં આવતી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. ત્યારે તેમણે આ બાબતે જણાવ્યું હતું કે, હું અમરેલી ખાતે ફરજ બજાવતો હતો ત્યારે પણ ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું ત્યારે બાતમીદારો મારફત સતત માહિતી મેળવી ખેતરોમાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવશે જેથી આ પ્રકારની પ્રવૃતિઓને ડામી શકાય.
….તો હું ખેડૂત હોત
જિલ્લા પોલીસવડા હિમકરસિંહે ’અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આઈપીએસ બન્યો તે પૂર્વે યુપીમાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ કોમર્સિયલ ટેક્સ તરીકે ફરજ બજાવતો હતો. જો હું આઈપીએસ કે પછી ટેક્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશ્નર ન હોત તો ખેડૂત હોત અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાનું પસંદ હોય હું ખેડૂત જ બન્યો હોત