- આગામી 7 મી નવેમ્બર સુધીમાં વકીલ નહિ રોકો તો લીગલમાંથી વકીલ ફાળવી કેસની ટ્રાયલ ચલાવવાની સૂચના :કોર્ટ
શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો. જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.10 મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. આગામી તા.24ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની ત્રીજી મુદતે તમામ આરોપીઓને પોલીસ જાપતા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ગેમઝોન સંચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય 9 આરોપીએ હજુ પોતાના બચાવ પક્ષે વકીલ નહીં રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.8 ઓક્ટોમ્બર સુધીમાં તમે વકીલ નહીં રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા તા.23 ઓક્ટોમ્બરની મુદત પડી હતી. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક આરોપીએ લીગલમાંથી એડવોકેટ મેળવવા માંગણી કરી હતી. જ્યારે બાકીના આઠ આરોપીએ વકીલ રોકવાની પ્રોસેસ ચાલુ હોવાનું કહી મુદત માંગી હતી. વકીલ નહિ રોકનાર આરોપીઓને કોર્ટે તમે લોકો વકીલ નહિ રોકી મુદત માંગી તમે તમારો કેસ જાતે ડીલે કરી રહ્યા છે. અને આગામી 7 મી નવેમ્બર સુધીમાં વકીલ રોકવા અને વકીલ નહિ રોકો તો લીગલમાંથી વકીલ ફાળવી કેસની ટ્રાયલ ચલાવવાની સૂચના આપી છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ
- સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના
- પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
- સુઓ મોટો પ્રકરણમાં પૂર્વ કમિશનરોના
- સોગંદનામા પર સૌની મીટ
- હાઈકોર્ટના વલણ બાદ વર્તમાન મ્યુ. કમિશનરે એફીડેવીટ પરત ખેંચ્યું
ચકચાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના દેશભરમાં પડઘા પડ્યા હતા. જે ગોજરી ઘટનાને પગલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી સુઓ મોટોની કાર્યવાહીમાં હાઇકોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. ત્યારે બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વતી હાલના મ્યુનિસિપલ કમિશનર સુધીર દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં 2000 પાનાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાઇકોર્ટના આકરા વલણથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સુધીર દેસાઈ દ્વારા કરવામાં આવેલું એફિડેવિટ પરત ખેંચવું પડ્યું હતું. અને આગામી 25મી સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અમિત અરોરા અને આનંદ પટેલને હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કરાયો છે
- ટીઆરપી અગ્નિકાંડમાં ત્રણ શખ્સોએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા
- ઇલેશ ખેર અને અશોકસિંહ જાડેજાની કાલે અને કિરીટસિંહ ની શુક્રવારે જામીન અરજીની સુનાવણી
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા 15 આરોપી પૈકી ત્રણની જામીન અરજી નામંજૂર થતા જેલ મુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની કાલે અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી 25 મી ઓક્ટોમ્બરના રોજ સુનાવણી રાખવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરના નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઇ થઈ ગયા હતા. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કેસ સેશન્સ કમિટ થયો હતો. જેલ હવાલે રહેલા જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્વારા સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજી નામંજૂર થતા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઇલેસ ખેરેની કાલે અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજીની 25 મી ઓક્ટોમ્બરના રોજ સુનાવણી પર રાખવામાં આવી છે. ચકચારી અગ્નિકાંડ કેસમાં ત્રણ આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર સૌની મીટ મંડાણી છે.