જયારે બાળક શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘણા બધા પરિવર્તનમાંથી પસાર થાય છે, વાલી તરફથી સતત પરિક્ષામાં સારો દેખાવ કરવા અને સારા પરિણામ લાવવાની માંગણી જ છાત્રોમાં તનાવ પેદા કરે છે
ર૧મી સદીમાં સ્ટ્રેસ શબ્દ ખુબ જ પ્રચલિત થયો છે. પહેલા આવુ કશું જ ન હતું. હવે જેમ જેમ આપણે પ્રગતિ કરી તેમ તેમ દરેક માનવી તનાવનો શિકાર બને છે. સ્ટ્રેસ સાથે અનુકુલન આવીને રહેનારો માનવી કે છાત્ર સ્વસ્થ જીવન જીવી શકે છે, વિશ્ર્વ આરોગ્ય સંગઠને યુવા છાત્રો માટે જીવન કૌશલ્યો કે લાઇફ સ્કીલનાં ૧૦ મુદ્દામાં તનાવ અનુકુલનની વાત કરી છ. છાત્ર જો આ અનુકુલન ન સાધી શકે તો આપઘાત કરવા પ્રેરાય છે કે કરી લે છે.
છાત્રોને રોજીંદા જીવનના પડકારોને હકારાત્મકતાથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતોને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. તેમના મહત્વ પૂર્ણ કૌશલ્યોમાં સ્વજાગૃતિ અસરકારક પ્રત્યાયન, વિવેચનાત્મક ચિંતન, આંતર માનવીય વ્યવહાર, સમાનુભૂતિ પરાનુભૂતિ, સંવેગાનુકૂલન, સમસ્યા ઉકેલ, નિર્ણય શકિત, સર્જનાત્મક ચિંતન અને તનાવ અનુકુલન સામેલ છે.
આદલી સ્કીલ જીવનને આગળ વધવા, સફળ સુખમય, શાંતિમય અને સ્વસ્થ જીવન ઘડતર માટે અને સતત વિકાસશીલ રહેવા જરૂરી છે. છાત્રો તેમની શારીરિક અને માનસિક ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને વ્યકિતત્વનો સર્ંવાગી વિકાસ સાધી શકે છે.
તનાવ એ તનાવપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેના શીરરના ચોકકસ પ્રતિભાવો છે. (સ્કેલી ૧૯૭૫) જયારે આપણા શારીરિક અથવા માનસિક વાતાવરણમાં બદલાવ આવે, ત્યારે આપણે તેને અનુરૂપ થવાની જરૂર ઉભી થાય છે. જે રીતે આપણું શરીર અને મગજ આ જરૂરીયાતની માંગને પહોંચી વળવા માટે પ્રતિક્રિયા વ્યકત કરે છે તે તનાવ છે. બાલ્યાવસ્થામાંથી જ બાળકો ઘણા બધા તનાવપૂર્ણ જીવન પ્રસંગોનો અનુભવ કરે છે. ઘણીવાર બાળક પેટમાં દુ:ખાવો , ગભરામણ, ઓછી ઉંઘ કે અસ્વસ્થ ઉઘ, ગુસ્સો વિગેરે જેવી ફરીયાદ કરે છે. જે તેમનામાં રહેલ તનાવ દર્શાવે છે. ઘણીવાર જયારે વ્યકિતમાં તનાવ વધી જાય અને તેથી તેની તનાવ અનુકુલન ક્ષમતા ઘટી જાય ત્યારે તનાવ સામે નબળા પ્રતિભાવો ઉદ્દભવે છે. તેઓ તનાવની પૂરેપૂરી અસર હેઠળ આવી જાય છે.
આજની ઝડપની બદલાતી દુનિયામાં બાળકની આજુબાજુ ઘણા બધા બદલાવ જોવા મળે છે. જેથી બાળકને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. દા.ત. જયારે બાળક શાળામાં આવે ત્યારે તે સુરક્ષિત વાતાવરણને છોડીને આવે છે અને એવા વાતાવરણમાં પ્રવેશ કરે છે જે તેના માટે સંપૂર્ણ નવું છે અને તેને તે નવા વાતાવરણને અનુરુપ થવાની જરૂર છે. અહીં શિક્ષકનો સહકાર અને સમાનુભૂતિભર્યો વ્યવહાર બાળકને તનાવ અનુકુલનમાં મદદરૂપ થાય છે.
જયારે બાળક શાળામાં પ્રવેશ કરે છે ત્યારે તે ઘણા બધા પરિવર્તનમાંથી પસાર થાય છે. વાલી તરફથી સતત પરીક્ષામાં સારો દેખાવ કરવા અને સારી પરિણામ લાવવાની માંગ કરેલી હોય છે. આટલું જ નહીં, વાલી ઇચ્છે છે કે તેમનું બાળક દરેક કાર્ય કરવામાં નિપૂણતા પ્રાપ્ત કરે.
આ પરિસ્થિતિમાં વાલી અજાણતામાં બે ભાઇ-બહેન કે સહપાઠી વચ્ચે સરખામણી કરવા લાગે છે. દા.ત. “તામો ભાઇ ખૂબ જ મહેનત કરે છે અને તે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ પણ લે છે. શિક્ષકો હંમેશા તેના વખાણ કરે છે. તેના શિક્ષકો સાથે મળવામાં અમને આનંદ આવે છે. અને મને ખબર નથી પડતી કે તને શું થયું છે? તું કોઇપણ રીતે તેનો જેવો નથી.” આ પ્રકારની પરિસ્થિતિમાં બાળકો તેમજ તેનો આખો પરિવાર ઘણો બધો તનાવ અનુભવે છે. આથી, શિક્ષકો અને માતા-પિતાએ બાળક પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખતાં તેમને સમજીને વ્યાવહારિક વર્તન રાખવવું જરૂરી છે.
સમસ્યા તયારે ઉદ્દભવે છે, જયારે સામાન્ય તનાવ વધુ તનાવમાં પરિણમે છે. ઘણા કારણોને લીધે બાળક તનાવ અનુભવે છે. જેવા કે કુદરતી આફતો, નિષ્ફળતાનો ભય, મિત્રો સાથે ખરાબ સંબંધો, એકલતા, બીજા શહેરમાં બદલી, માતા-પિતાના છૂટાછેડા, મૃત્યુ, પરિવારમાં ઝગડો, જરૂરીયાત કરતા ઓછી આવક, ઊંચુ જીવનધોરણ, પુન:લગ્ન વિગેરે ઘણીવાર તનાવજન્ય પરિબળો તનાવના પ્રમાણમાં અને તનાવના સમયમાં વધારો કરે છે. આપણા શરીરને ફરીથી સમતુલનની પરિસ્થિતિમાં લાવવા માટે તનાવમાંથી રાહત જરૂરી છે. ત્યારબાદ આવે છે તનાવની જરૂરીયાતની ઓળખ અને તેનું સંચાલન વ્યકિતમાં તનાવ શારીરિક, માનસીક, અને વર્તનરૂપે જોવા મળે છે. દા.તઉ શારીરિક બદલાવ જેવા કે માથુ દુ:ખવું, હાથ ઠંડા પડવા, હ્રદયના ધબકારા વધવા, સતત સ્નાયુઓનો દુ:ખાવો, ખૂબ પરસેવો થવો વિગેરે જયારે વર્તનરૂપમાં વ્યકિતના ખોરાકમાં વધ-ઘટ, અનિંદ્રા કે વધુ ઊંઘ, એકાગ્રતાનો અભાવ, વારંવાર ભૂલો થવી, ઓછી યાદશકિત, કાચી નિર્ણયશકિત, વધુ પડતો પ્રતિભાવ દર્શાવવો, અતિઉગ્રતા, નિરાશા, થકાવટ વિગેરે
બાળકો તનાવપૂર્ણ પરિસ્થિતિમાં અંગુઠો ચૂંસવો કે પથારીમાં પેશાબ કરવો, વિના કારણે ગુસ્સે થવું, શાળા વિશે ફરીયાદ કરવી, ભય અને ભયાનક સ્વપ્નોનો અનુભવ કરવો, એકાગ્રતા ગુમાવવ, તિરસ્કારની લાગણી અનુભવવી, અવિશ્ર્વાસ, માથાનો દુ:ખાવો અને પેટના દુ:ખાવાની ફરીયાદ, ઊંઘ ગુમાવવી, આકાંક્ષા ગુમાવવી વિગેરે પ્રતિભાવો દર્શાવે છે. આથી, બાળકોમાં તનાવના અનુકૂલનની આવડત વિકસાવવી ખુબ જ જરૂરી છે. તનાવ અનુકુલન એ આપણા જીવનમાં રહેલ તનાવના સ્ત્રોતને ઓળખવાની આવડત છે. જે આપણને તનાવના નિયંત્રણ માટે મદદરૂપ બને છે. દા.ત. પાંચમાં કે છઠ્ઠા ધોરણના વિઘાર્થીઓ તનાવ અનુભવે છે, જયારે તેમને શાળાએ પણ જવાનું હોય, ખાનગી ટયુશનમાં પણ જવાનું હોય, તે ઉપરાંત ચિત્રકળા, હસ્તકળા, સંગીત જેવા વર્ગોમાં પણ જવાનું હોય અને તેમની પાસે રમવા માટેનો સમય રહે નહીં, અહીં, જો બાળક જાણતું હોય કે તેણે કયા કાર્યન પ્રાધાન્ય આપવાનું છે, તે તેના માટે સ્પષ્ટ હોય અને તેને પોતાના પર વિશ્ર્વાસ હોય કે તે પરિસ્થિતિનો સામનો કરી શકશે તો તે ઘણી રાહત અનુભવે છે અને તે યોગ્ય પ્રવૃતિઓ પર તેનું ઘ્યાન કેન્દ્રીત કરી શકે છે.
બાળકને તનાવ અનુકુલન કરતા શીખવવામાં માતા-પિતા અને શિક્ષકો ઘણો સારો ફાળો આપી શકે છે. શિક્ષક બાળકને સામાજીક સહકાર પુરો પાડી શકે છે. શિક્ષકે બાળકમાં આત્મવિશ્ર્વાસ વિકસે તેવું હુંફાળુ અને પ્રેમાળ વાતાવરણ પુરું પાડવું, તનાવપૂર્ણ પરિસ્થિતિનુ પૃથ્થકરણ કરી કારણ શોધતા અને તેને અનુરૂપ નિર્ણય લેતા શીખવવું, કાર્ય અને સમયનું આયોજન કરી અનુરૂપ નિર્ણય લેતા શીખવવું, હકારાત્મક વલણ વિકસાવવામાં મદદ કરવી, તથા પૂરતું પ્રોત્સાહન પુરું પાડવું જોઇએ, જેથી બાળક તેના તનાવનું અનુકુલન કરતાં શીખે અને જો બાળક તેના તનાવનું અનુકુલન કરતાં શીખે તો તે પોતાનું ઘ્યાન બીજા જરુરી કાર્યમાં પરોવી શકે અને અમો, તેનો સર્વાગી વિકાસ કરવામાં તેને મદદ મળે, આમ, જો બધાં જ માનવીઓ તેમના તનાવનું અનુકુલન કરતાં શીખી જાય તો આપણે એક એવી દુનિયા તરફ જઇ શકીએ, જેમાં શાંતિ હોય અને જયાં લોકો અસરકારક રીતે જીવતાં શીખ્યાં હોય