મહાભારતમાં ધૃતરાષ્ટ્રને સંજય યુધ્ધના લાઇવ દ્રશ્યો બતાવી રહ્યા હતા. વિશ્વમાં પ્રથમ ટીવી 1927માં અમેરિકામાં આવ્યા બાદ આપણાં દેશમાં 1984થી પ્રારંભ થયો હતો. આપણી મહાભારતની વાત, દુરંદેશી સમગ્ર વિશ્વમાં ટોચે હતી. આજના લાઇવ સ્ટ્રીમીંગ અને ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ આજ વાતનો સુર પુરાવે છે. આજે આપણને નવા યુગમાં તેના લાભ કરતાં ગેરલાભ વધુ જોવા મળતા હોવા છતાં, તે પ્રચાર-પ્રસાર માધ્યમનું અભિન્ન અંગ બન્યું છે. આજે વિશ્વ ટેલિવિઝન દિવસ છે, ત્યારે ઇડિયટ બોક્સનો પ્રારંભ-શોધ 7મી સપ્ટેમ્બર 1927માં થઇ હતી. ટીવી આજના યુગમાં સંચાર, માહિતી અને મનોરંજનનું અતૂટ માધ્યમ છે. આજે ઘરે-ઘરે જોવા મળતા ટીવીને કારણે લોકોને સિરીયલ, ફિલ્મો, ન્યૂઝ સહિતના મનોરંજન કાર્યક્રમ માણવા મળે છે.
ઇતિહાસથી લઇને તેના મહત્વ સુધીની નિરાળી સફર: ફાયદા કરતાં ગેરફાયદા વધુ હોવા છતાં પ્રચાર-પ્રસાર માધ્યમનું અભિન્ન અંગ: પ્રથમ ઇલેક્ટ્રીક ટેલિવિઝન 1927માં અમેરિકન શોધક ફિલો ટેલરે બનાવ્યું હતું
ટેલિવિઝને સમાજ અને વ્યક્તિના જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી
તેના ઇતિહાસથી લઇને તેના મહત્વ સુધીની નિરાળી સફર છે. 1996થી વૈશ્ર્વિક સ્તરે આજનો દિવસ ઉજવાય છે. પ્રારંભે બ્લેક એન્ડ વ્હાઇટ બાદમાં કલર અને આજે ફોર કે અલ્ટ્રા, યુએચડી, ક્યુ.એલઇડી જેવા લેટેસ્ટ સ્માર્ટ મોડલ આવી ગયા છે. શરૂમાં 14 ઇંચના નાના ટીવી આજે 100 ઇંચના વિશાળ સ્ક્રિન વાળા આવવા લાગ્યા છે. આજે દુનિયાભરની ઘટના, લાઇવ મેચ વિગેરે આપણે ઘેર બેઠા નિહાળી શકીએ છીએ. 1983માં આપણે વર્લ્ડકપ જીત્યા ત્યારે દુનિયામાં ટીવીમાં લાઇવ પ્રસારણ હતું પણ આપણે ત્યારે રેડિયોમાં લાઇવ કોમેન્ટની સાંભળીને મનોરંજન માણતા હતા. આપણાં દેશમાં સામાન્ય જનતા સુધી ટીવી 2000ની સાલમાં ઉપલબ્ધ થયા હતા.
1996થી આ દિવસની વૈશ્વિક ઉજવણી કરાય છે: વિડિયો વપરાશનો એકમાત્ર સૌથી મોટો સ્ત્રોત ટીવી છે: બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર ટીવી આજે એલઇડી સાથે ફોર કે યુએચડીમાં જોવા મળે છે: આજે દુનિયાભરની ઘટના, લાઇવ મેચ આપણે ઘેર બેઠા નિહાળી શકીએ છીએ
પ્રારંભે મોટા ડબ્બા જેવા શટરવાળા ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ આવતા હતા, બાદમાં પોર્ટેબલ ટીવી આવ્યા અને છેલ્લા ત્રણ દશકામાં તો ટીવીમાં જબ્બર ક્રાંતિ આવી છે. આજે ફોર કે યુએચડી જેવા અદ્યતન ટીવી બઝારમાં આવી ગયા છે ત્યારે લોકોમાં 65, 75 અને 85 ઇંચના એલઇડી ટીવીનો ક્રેઝ જોવા મળે છે. સ્માર્ટ યુગમાં સ્માર્ટ ટીવી હવે તો આપણા મોબાઇલ સાથે પણ કનેક્ટ થતાં આજે મનોરંજન માધ્યમના નવા દ્વાર ખૂલ્યા છે. આજે તો શિક્ષણમાં પણ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનું ઘણું મહત્વ જોવા મળે છે ત્યારે એક વાતનું તારણ છે કે બાળકોને ચિત્ર કે દ્રશ્ય જોઇને 90 ટકાથી વધુ યાદ રહી જતું હોય છે.
ટેલિવિઝને સમાજમાં અને વ્યક્તિના જીવનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આજે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોના મનોરંજન માટે એક માત્ર ટીવી ગણાય છે. આજે ટીવી ચેનલોનો રાફડો ફાટ્યો છે, ત્યારે પોતાની ચેનલને લોકો વધુને વધુ જોવે તે માટે ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે. જનરલ નોલેજ માટે અને બાળકોની કાર્ટુન ચેનલો સારી આવે છે પણ બાળક સતત ટીવીમાં રચ્યુ-પચ્યુ રહેતું હોવાથી તેના અભ્યાસ પર માઠી અસર પડી છે. આજના દિવસે તેના શોધ-સંશોધનના પ્રારંભકાળથી આજનાં ઓટીટી પ્લેટફોર્મના યુગમાં વૈશ્ર્વિકસ્તરે બનતી ઘટના ગણતરીની સેક્ધડમાં આપણે ટીવી કે તેની મોબાઇલ એપમાં જોઇ શકીએ છીએ, જે તેની તાકાત બતાવે છે. ટીવીના સારા અને ખરાબ બંને પાસા સમાજમાં જોવા મળે છે, ત્યારે ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં ફિલ્મ બાદ સૌથી મહત્વનું માધ્યમ ગણાય છે. આજે આપણે સૌ વર્તમાન પ્રવાહથી સતત અવગત થતા રહીએ છીએ.
20મી સદી અવનવી વૈજ્ઞાનિક શોધની સદી બની રહી હતી. આ સદીની શોધને કારણે માનવ જીવનનાં તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. આજે તેને કારણે આપણું જીવન વધુ સગવડતા વાળું અને આરામદાયક બનેલ છે. ટીવી 20મી સદીની એક અદ્ભૂત શોધ છે. આજે સૌ કોઇના જીવનમાં ટીવી રોજીંદી જીવનશૈલી સાથે વણાઇ ગયું છે. સેટેલાઇટને કારણે વિશ્વના લગભગ તમામ દેશોમાં તેનું પ્રસારણ થઇ રહ્યું છે. ટીવી બનાવતી કંપની પણ રોજ નવા મોડેલ બઝારમાં લાવી રહ્યા છે. દુનિયામાં બનતી વિવિધ ઘટના સાથે દેશ-વિદેશની ભૌગોલિક પરિસ્થિતિ વણી શકીએ છીએ, તો સંગીત-નાટક, ફિલ્મો-નૃત્ય વિગેરે મનોરંજન કાર્યક્રમો નિહાળી શકીએ છીએ. વિવિધ શોધોની માહિતી અને ચાલી રહેલા યુધ્ધના દ્રશ્યો લાઇવ જોઇ શકીએ છીએ.
આપણે ત્યાં ટીવી પર સામાજીક અને ધાર્મિક શ્રેણીઓ વધુ બતાવવામાં આવે છે, ભૂતકાળમાં રામાયણ, મહાભારત, વિક્રમ વેતાલ અને હમલોગ જેવી શ્રેણી આવતી હતી. જે સમાજ ઘડતરનું કાર્ય પણ કરતી હતી. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા કાર્યક્રમો આવતા હોવાથી ટેણીયાને મનોરંજન ભરપૂર મળે છે. પ્રાણીઓ વિશેની રસપ્રદ માહિતી સાથે વિવિધ જનરલ નોલેજ આપતી ચેનલો પણ બાળથી મોટેરાને ગમે છે. ચૂંટણી વખતે રાજકીય પક્ષો પોતાનો પ્રચાર, નિતીઓ માટે ટેલિવિઝનનો ભરપૂર ઉપયોગ કરે છે. વરસાદ-વાવાઝોડાની આગાહી માટે પણ ટીવી અસરકારક માધ્યમ બને છે. ભૂકંપ, દુષ્કાળ, અકસ્માત, યુધ્ધ, રોગચાળા જેવા સમયે લોકોને સાચી માહિતી આ માધ્યમ દ્વારા જ મળે છે. ફાયદા કરતા તેના ગેરફાયદા વધુ હોવાથી તેની સીધી અસર આપણાં બાળકો પર પડે છે. સતત ટીવી જોવાથી તેની આંખો નબળી પડે છે. તેના પર આવતા હિંસક દ્રશ્યો, અંગ પ્રદર્શન તથા જાહેરાતોને કારણે બાળમાનસ અને યુવામાનસ પર વિપરીત અસર થતી જોવા મળે છે, આજ કારણે તેને ઇડિયટ બોક્સ કે ટાઇમ વેસ્ટર કહેવાય છે. તેના ઘણા ગેરલાભો હોવા છતાં, તે આજના યુગમાં અનિવાર્ય સાધન બની ગયું છે. ટીવીનો સમજણપૂર્વકનો ઉપયોગ લાભકર્તા છે, પણ તેનો અતિરેક ઘણા દૂષણોનું ઘર છે.
વિશ્વમાં ‘વર્લ્ડ ટેલિવિઝન ફોરમ’ની સ્થાપના કરવામાં આવી છે, જેનો હેતું ટીવીના મહત્વનો પ્રચાર-પ્રસાર છે. 1934માં ટીવી આવ્યા બાદ તેને ભારત સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા હતા અને 1950માં પ્રથમ ટીવી ભારત આવેલ હતું. 15મી સપ્ટેમ્બર 1959ના રોજ દૂરદર્શનની સ્થાપના કરાઇ હતી. પહેલા થોડા સમય માટે આવતા કાર્યક્રમો 1965થી દૈનિક પ્રસારણની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયોના અંગ તરીકે થઇ હતી.