- વિશ્ર્વ મિત્રતા દિવસ
- મિત્રતાની ઉજવણી 1919માં શરૂ થઇ પણ 1940 સુધીમાં તો લુપ્ત થઇ ગઇ: 1998થી ફરી શરૂ થયેલ ઉજવણી એપ્રિલમાં થઇને બાદમાં સંયુક્ત રાષ્ટ્રે 30મી જુલાઇની માન્યતા આપી હતી: ઘણા દેશોમાં ઓગસ્ટનો પ્રથમ રવિવારે પણ ઉજવણી થાય છે
- પ્રાચિનકાળથી મિત્રતાના ગુણગાન ગવાયા છે, કૃષ્ણ-સુદામાની વાત તો આપણા ગ્રંથોમાં પણ જોવા મળે છે: સમય બદલાયો તેમ મિત્રતા પણ બદલાય ગઇ છે
આજના યુગમાં સૌ કોઈ પોતાના સ્વાર્થ સાધવા જ ‘મિત્રતા’ બાંધે છે. કૃષ્ણ સુદામાની વાત નિરાળી મિત્રતાની હતી, તો આજના યુગમાં મિત્રતાના નામે ઘણુ ખોટુ થઈ રહ્યું છે. સ્ત્રી મિત્ર કે પુરૂષ મિત્રને મૈત્રી પૂર્ણ સંબંધો બાંધીને સ્વાર્થવૃત્તિથી આવા સંબંધોમાં ગેરલાભ લેવાય રહ્યો છે. મિત્રતા જીવાડે છે, તો મિત્રતા દગો-ફટકો પણ આપે છે. પહેલાની જેમ આજે કોઈ સાચી મિત્રતાનો સંબંધ જાળવતા નથી. મિત્રતાના ફાયદાઓ ઘણા છે, તો તેના ગેરલાભ ઉઠાવીને પોતાનું કામ પાર પાડનારા લોકો પણ આજે સમાજમાં ફૂટી નીકળ્યા છે. મીઠુ બોલીને મૈત્રીપૂર્ણ સંબંધ બાંધનારા પોતાનો સ્વાર્થ પુરો થયેથી સંબંધ તોડી નાંખે છે.
બાળપણથી શરૂ કરીને મોટેરા સુધી માનવી મિત્રતાના બંધને બંધાય છે. વિશ્ર્વની દરેક સંસ્કૃત્તિમાં મિત્રતા જોવા મળે છે. પાડોશી દેશો કે અન્ય દેશો વચ્ચે પણ મિત્રતાનો સંબંધ હોય છે. વિશ્ર્વ શાંતિ સ્થાપવા માટે પણ દેશો-દેશો વચ્ચે મિત્રતા કે વૈશ્ર્વિકસ્તરે મિત્રતા જરૂરી છે. જીવનમાં પરિવારના સંબંધો સાથે મિત્રતાના સંબંધોનું પણ મહત્વ છે. આજે દુનિયામાં મિત્રતામાં સ્વાર્થ શબ્દ આવતા ઘણા સંબંધોમાં તડા પડતા જોવા મળે છે. આજે વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવાય છે. સામાજીક સંબંધોમાં વિશેષ સ્થાન ધરાવતા મૈત્રિપૂર્ણ સંબંધોના ઉંડાણમાં જોઇએ તો ગુફાવાસીઓના પરિવારથી શરૂ કરીને તેની બાજુમાં રહેતા લોકો સાથેના સંબંધોની વાત જોવા મળે છે. આપણાં પ્રાચિન ગ્રંથોમાં કૃષ્ણ-સુદામાની વાત શિરમોર છે. પહેલાની મિત્રતામાં પણ આજની જેમ ગરીબ-શ્રીમંતની ખાઇ જોવા મળતી, પણ ઓછી હતી. 19મી સદીના અંતભાગમાં મિત્રતાના શ્રેષ્ઠ સંબંધોમાં સ્વાર્થ આવવા લાગ્યો હતો.
આજની દુનિયા એક જટિલ જગ્યા છે, પણ આવા સમયમાં પણ આપણે મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ઘણાં જોઇએ છીએ. આપણાં જીવનમાં મિત્રતાના ઘણા સારા-નરસા પ્રસંગો જોવા મળે છે. પ્રાચિન કાળથી આજના ઇન્ફરર્મેશન ટેકનોલોજીના યુગ સુધી તેમાં ઘણા બદલાવો જોવા મળે છે. મિત્રતાની ઉજવણીનો ઇતિહાસ 100 વર્ષથી ઉપરનો છે. 1919માં ઉજવણીનો પ્રારંભ વિશ્ર્વના ઘણા દેશોમાં થયો હતો, પણ 1940 સુધીમાં તો આ ઉજવણી લુપ્ત થઇ ગઇ હતી. એ જમાનામાં લોકો એકબીજાને કાર્ડ મોકલીને શુભેચ્છા આપીને ઉજવણી કરતાં હતા. 1998માં યુનાઇટેડ નેશન્સે વિશ્ર્વ મિત્રતાની ઉજવણીને માન્યતા આપી હતી. પ્રારંભે એપ્રીલમાં અને બાદમાં 30 જુલાઇએ ઉજવણી થવા લાગી હતી, આમ છતાં ઘણા દેશોમાં આ દિવસની ઉજવણી ઓગસ્ટના પ્રથમ રવિવારે થાય છે. આ દિવસની ઉજવણી લોકોને શિક્ષણ, જનજાગૃત્તિ, પ્રવૃત્તિઓ, સ્થાનિક, રાષ્ટ્રીય અને પ્રાદેશીક સમુદાયોની સંસ્કૃત્તિ અને રિવાજો અનુસાર ઉજવણી કરવામાં આવે છે. માણસ એક સામાજીક પ્રાણી હોવાથી સમાજમાં રહેતા લોકો જેમાં પાડોશીઓ, કામના સ્થળે કે પ્રસંગોમાં મુલાકાતને કારણે સંબંધો બંધાય અને મિત્રતા ગાઢ બંધાય છે. મિત્રતા એક શક્તિ છે. જે વિશ્ર્વના તમામ ખુણા અને સંસ્કૃત્તિઓ સુધી પહોંચે છે. આ દિવસ એકતા અને દયાને પ્રોત્સાહન આપવા, લોકોને એક સાથે લાવવાનો પ્રયાસ છે. મિત્રો આપણાં જીવનમાં ઘણી રીતે લાભ આપે છે. આજના યુગનાં સોશિયલ મીડિયામાં તો આપણે જેને ઓળખતા પણ નથી તેને પણ ક્લોઝ ફ્રેંન્ડ ગણીએ છીએ. સારા-નરસા પ્રસંગોમાં હર-હમેંશા આપણી પડખે ઉભા રહે તે જ સાચો મિત્ર ગણી શકાય. જુના જમાનાની મિત્રતા અતૂટ હતી, જે આજે સવારે થાયને રાત્રે તૂટી જાય છે.
તમારા મોબાઇલમાં હજ્જારો ફોન નંબર હશે પણ તમે વાત તો અમુક સાથે જ કરતાં હશો. મોબાઇલ-ફેસબુક-ઇન્સ્ટા જેવા માધ્યમનાં મિત્રોને મિત્ર ન ગણી શકાય. સંબંધો તો આકાશ જેવા વિશાળ હોય છે, જે મૃત્યુ સુધી અકબંધ રહે છે. મિત્રતા ભાવનાત્મક સ્થિતિ સ્થાપકતા વધારે છે. આપણે આજેપણ ગમતા લોકો સાથે સમય શેર કરીએ છીએ અને એકબીજાને મદદ કરીએ છીએ. મિત્રતામાં ઉતાર-ચઢાવ આવે પણ તે કાયમ ટકી રહે છે. મિત્રતાથી તમારા જીવનમાં ઘણો ચેઇન્જ પણ જોવા મળે છે. મિત્રતા મગજની શક્તિ વધારે છે. મિત્ર સાથેનો થોડો સમય આપણને સમસ્યાઓ હલ કરવાની તમારી ક્ષમતા અને તમારા મગજની શક્તિમાં સુધારો કરે છે.
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે લોકો ઊંઘ દરમિયાન વધુ બેચેન હોય તે સામાજીક હોતા નથી, તેથી મિત્રવર્તુળ ધરાવતા લોકોને સારી ઊંઘ આવી શકે છે. મિત્રતા લોકોને સ્વસ્થ પણ બનાવે છે. આજે તો વીક એન્ડમાં હરવા-ફરવામાં બધા લોકો મિત્રો સાથે જવાનું પ્રથમ પસંદ કરતાં હોય છે. મોડી રાત સુધી રખડતા મિત્રોના ટોળાઓ સવારે જમવા સમયે ઉઠતા જોવા મળે છે, જે ખોટી જીવનશૈલી છે. મિત્ર તમને સુધારી શકે તો તમને બગાડી પણ શકે છે. આજે વ્યસનોની લતે ચડેલ યુવાનો તેના મિત્રને પણ બંધાણી બનાવી દે છે. જીવનમાં નવાનવા મિત્રો બનાવવા જ જોઇએ. તમારા રસ-રૂચી અને મળતા વિચારોને સમજથી મિત્રો બનાવવા જોઇએ. આજે તો રૂપિયાવાળાનાં સૌ મિત્રો બને છે, પણ માત્ર જલ્સા કરવા આપત્તિ વખતે ભાગી જનાર સાચો મિત્ર ન હોય શકે.
આજે તો ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ ચેટીંગ સાઇટ્સમાં મિત્રો બનાવવામાં ઘણીવાર જોખમ પણ આવી જાય છે. સમાન વિચાર ધરાવતા લોકો સાથે કનેક્ટ થઇ જવું આજે સરળ બની ગયું છે. આજે વિશ્ર્વભરમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે, તેમાં જોડાઇને મિત્રો બનાવો. આજે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડનો ક્રેઝ જોવા મળે છે. કોલેજ જીવન તો એટલા માટે જ યુવાધન માને છે.
જીવનભર જોડાયેલ રહેવું તે પણ સાચી મિત્રતાનો ગુણ છે. મિત્રએ છે જે તમને જાણે, સમજે અને તમે જેવા છો તેનો સ્વીકાર કરે. મિત્રતા સમજાવવી વિશ્ર્વની સૌથી મુશ્કેલ વસ્તુ છે. એ શાળામાં શિખવા મળતી નથી, જો તમે એ નથી શીખ્યા તો કંઇપણ શીખ્યા જ નથી. મિત્ર પાસે હોય કે દૂર પણ તેની દરકાર કરવી એજ તેના ટકાઉપણાની નિશાની છે.