પોલીસ જે કામ ન કરી શકી તે ત્રણ મહિલાએ કરી બતાવ્યું!!
પોલીસના ડર વિના દારૂના નશામાં અપશબ્દ બોલી છેલ્લા નવ માસથી બઘડાટી બોલાવતા શખ્સોની કાયદાનું ભાન કરાવ્યું
કોર્પોરેશનના કર્મચારીના મકાનમાં યોજાતી દારૂની મહેફીલમાં પરમીટમાં મળતા બીયરના ખાલી ટીન મળ્યા
રૈયા રોડ પર આવેલા તિરૂપતીનગરમાં પોલીસના ડર વિના છેલ્લા નવ માસથી યોજાતી દારૂની મહેફીલના કારણે આજુબાજુના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા કંટાળેલા લતાવાસીઓએ દારૂનો નશો કરતા ત્રણ શખ્સોને મકાનમાં પુરી પોલીસમાં પકડાવી મહેફીલમાં ભંગ પડાયો હતો. મહિલાઓ દ્વારા કરાયેલી કાર્યવાહીથી ગાંધીગ્રામ પોલીસને નીચા જોવા જેવી સ્થીતી સર્જાયા બાદ ગાંધીગ્રામ પોલીસે પોતાની આબરૂ બચાવવા ત્રણેય શખ્સોને ઘટના સ્થળે લઇ જઇ સમગ્ર ઘટનાનું રિક્ધટકશન કરાવ્યું હતું. આ દરમિયાન પોલીસને કોર્પોરેશનના કર્મચારીના મકાનમાંથી પરમીટ ધારકને મળતા બીયરના ટીનના ખાલી ડબ્બા મળી આવતા કોની પરમીટમાંથી બિયરનું બારોબાર વેચાણ થતું તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
તિરુપતિનગર શેરી નં.7માં રહેતો મહાનગરપાલિકાનો કર્મચારી કશ્યપ નરેન્દ્ર ઠાકર પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવીને દારૂની મહેફિલ માણતો હોય એ શેરીમાં રહેતી મહિલાઓ તેના ત્રાસથી તંગ આવી ગઇ હતી, રવિવારે ફરીથી 8થી વધુ શખ્સો મકાનના ફળિયામાં મહેફિલ માંડીને બેઠા હતા, તે સાથે જ મહિલાઓનું ટોળું મકાનમાં પ્રવેશ્યું હતું, મહિલાઓનું સ્વરૂપ જોઇને નશાખોરો ડઘાઇ ગયા હતા અને નાસભાગ મચી ગઇ હતી.
તમામ લોકો ભાગવામાં સફળ થાય તે પહેલા મહિલાઓએ સતર્કતા દાખવી મકાનના ડેલાને બહારથી તાળું મારી દીધું હતું અને પોલીસને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી હતી, પોલીસે મકાનમાંથી નશાખોર હાલતમાં વૈશાલીનગરના ધીરૂ ભુરા જાતવડા (ઉ.વ.50), આરાધના સોસાયટીના ગિરિરાજસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.36) તથા એ વિસ્તારમાં જ રહેતા બિપીન મણિશંકાર ઠાકર (ઉ.વ.60)ને પકડી પોલીસ સ્ટેશને લઇ ગયા હતા, જ્યારે મકાનમાલિક કશ્યપ ઠાકર નાસી ગયો હતો. જેની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી.
જેથી આજે પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લાવી રિ-ક્ધટ્રક્શન કરાવ્યું હતું.જ્યારે પોલીસે ઘરની તપાસ કરતા આજે તેમને બીયરના ખાલી ટીન મળી આવ્યા હતા.જેથી આ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથધરી છે.આ મામલે એક મહિલાએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે,અમારી એક જ માગ છે કે ન્યાય જોઇએ છે.
અમારા ઘરની બાજુમાં હવે આવું ન બનવું જોઇએ. દારૂ ન પીવો જોઇએ અને ન પીવડાવવો જોઇએ. અમારા વિસ્તારમાં કોઈ પણ દારૂ કે ડ્રગ્સ આવવું ન જોઈએ. અમારે સલામતિ જોઇએ છે કારણ કે મારે ઘરની બહાર નીકળવું છે. આથી અમારે પૂરેપૂર પ્રોટેક્શન જોઇએ છીએ.