ચોમાસાને લઈ આજકાલ હવામાન વિભાગ ભલે આધુનિક પદ્ધતિના આધારે આગાહી કરતું હોય. પરંતુ, ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ અનેક લોકો એવા છે કે, જેઓ પરંપરાગત રીતે વરસાદનો વરતારો નક્કી કરતા હોય છે. આવું જ એક જામનગર નજીક આવેલું આમરા ગામ છે. અહીં સમસ્ત ગ્રામજનો અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના કૂવામાં રોટલો પધરાવી વર્ષ કેવું રહેશે તેનો વરતારો નક્કી કરે છે.

આમરા ગામમાં કૂવામાં રોટલો નાખી વરસાદનો વરતારો નક્કી કરવાની અનોખી પરંપરા, આ વર્ષ સારું જવાના એંધાણ

આ વર્ષે ઈશાન દિશામાં રોટલો જતા વર્ષ સારુ રહેવાની આગાહી કરવામા આવી છે. આમરા ગામમાં રોટલાના આધારે વરતારો નક્કી કરવાની આ પરંપરા 150 વર્ષ જૂની હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે તમામ ગામલોકો એકઠા થાય છે. પરંપરા મુજબ ગામમાં સતવારા સમાજના ઘર પર રોટલા બનાવવામા આવે છે. ત્યારબાદ વાણંદ સમાજના વ્યકિત આ રોટલા લઈ ગામના ભમ્મરિયા કૂવા પર પહોંચે છે.

new project 12 16260894381

આ સમયે ગામના તમામ લોકો ઢોલ નગારા સાથે જોડાય છે. કૂવા પર પહોંચ્યા બાદ ગામના ક્ષત્રિય સમાજના વ્યકિત રોટલો લઈ કૂવામાં પધરાવે છે.લોકવાયકા મુજબ ગામના ભમરિયા કૂવામાં પધરાવવામા આવતા રોટલા જો ઉગમણી દિશામાં જાય તો વર્ષ સારું થાય છે. જો રોટલા ઈશાન દિશા પકડે તો વર્ષ ખૂબ સારું રહે છે. જો રોટલો થોડી થોડી દિશા બદલતો રહે તો મધ્યમ વર્ષ અને આથમણી દિશા પકડે દુષ્કાળનો વરતારો આપવામા આવે છે.  અષાઢ મહિનાના પ્રથમ સોમવારે  ગઈકાલે ગામલોકોએ રોટલા પધરાવ્યા હતા. રોટલા ઈશાન દિશાથી પૂર્વ તરફ જતા હોવાથી આ વર્ષ બહુ સારુ જવાની ગ્રામજનોને આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.