છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને હરાવવો હોય તો તેના માટે જરૂરી ગાઇડલાઇનનું પાલન કરવું ખાસ જરૂરી છે. જેમ કે માસ્ક પહેરવું, દો ગજની દૂરી રાખવી વગેરે. નેતાઓ દ્વારા તો અવાર નવાર આ નિયમોનો ભંગ થતો રહે છે પરંતુ જેમના ખભા પર કોરોનાને હરાવવાની જવાબદારી છે એવા ફ્રન્ટલાઇન વોરિયર્સ જ નિયમોનો ભંગ કરે તો ? સાબરકાંઠાના ઇડરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જ કોરોના નિયમોનો ઉલાળ્યો કરાયો હોવાની તસવીરો સામે આવી છે.
વાત એવી બની કે ઇડરના તાલુકા હેલથ ઓફિસર કે.એસ.ચારણે ખાનગી વોટર પાર્કમાં પોતાની ફેરવેલ પાર્ટી યોજી હતી જેમાં 35થી વધુ લોકોને પ્રમોશનની પાર્ટી આપી હતી. જો કે ઇડરના એક પી.એચ.સી કેન્દ્રના મેડીકલ ઓફિસરે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. આ તસવીરોમાં દેખાઇ રહ્યું છે કે કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા ક્લેક્ટરે જાહેરનામું બહાર પાડી તમામ કાર્યક્રમ પર પ્રતિબંધ મુક્યો છે છતા આરોગ્યના કર્મચારીઓ અને અધિકારીઓએ જમવા સાથેની પાર્ટી યોજી હતી. એટલું જ આ પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. કર્મચારીઓને ઠપકો આપવાને બદલે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેશ પટેલ તેઓને છાવરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.