શિક્ષણનું સંસ્કૃતિકરણ કરવાનો રાષ્ટ્રીયધર્મ નહેરૂ મેમોરિયલ ટ્રસ્ટના નવા ચુનંદા સુકાનીઓએ બજાવવો પડશે અને રાજકીયકરણનો વર્તમાન ઢાંચો, ક્રમેક્રમેય લોપવો પડશે એ ન ભૂલાય કે સંસ્કૃતિને મરવા દઈને ગમે તેવા વિકાસનો ચળકાટ લાંબુ ટકી શકતો નથી ! આ સનાતન અને શાશ્ર્વત સત્ય ભાવિ રામ મંદિરને પણ લાગુ પડી શકે છે!

પ્રાચીન ભારતની નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોના સ્મરણ સાથે આપણા દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતે આપણા દેશની હાલની વિદ્યાપીઠોની સ્થિતિ અંગે ખેદ વ્યકત કર્યો હતો.

આપણા દેશમાં ૨૦૦૫ના સમયકાળમાં ખાસ્સી બસ્સોને સીત્તેર જેટલી યુનિવર્સિટીઓ, બાર હજાર જેટલી કોલેજો અને તેમાં અભ્યાસ કરતા પચાસ લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા. છતાં ઉચ્ચ શિક્ષણને ક્ષેત્રે દુનિયાના નકશામાં આપણે પોતાનું ગૌરવ ભર્યું સ્થાન ઉભુ કરી શકયા નથી એ હકીકતનું નીરૂપણ એમણે દુનિયાના નકશા પર ગૌરવાન્વિત સ્થાન હાંસલ નહિ કરી શકયાનો ખેદ વ્યકત કર્યો હતો. અને દર્શાવ્યુંં હતુ કે, આવું સ્થાન હાંસલ કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કર્યા વિના નહિ ચાલે. અહી ખરો સવાલ એ છે કે આવી ગુણાત્મક સુધારણા શી રીતે થાય, શી રીતે શકય બને ? એવી સુધારણા કોણ સંપન્ન થશે ? એવો સવાલ પણ ઉઠે કે આવી દયાજનક સ્થિતિ માટે જવાબદાર કોણ? થોડા વર્ષ પહેલા આપણા એક ચિંતક અને કેળવણીકાર શ્રી એ.કે.શરણે આ સંદર્ભે કરેલું એક વેધક નિરીક્ષણ યાદ કરવું છે.

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

એમણે કહ્યું હતુ કે, ભારતમાં અર્વાચીન ઉચ્ચ શિક્ષણ બધી રીતે સંપૂર્ણ પણે નિષ્ફળ ગયું છે. યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનોની બીજી બધી પાંખો શિક્ષણ લેનારાનાં ચિત્ત અને કલ્પનાશકિતને મૃત બનાવવાની પ્રક્રિયાને મજબૂત અને સ્થાયી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. બ્રિટીશ ભારતનાં શિક્ષણતંત્રનું ગંભીર સાતત્ય સ્વતંત્ર ભારતે જાળવ્યું છે. ભારતીયોની ગૌરવહાનિને એક કે બીજી રીતે સદાને માટે ચાલુ રાખવાના હેતુથી કદાચ બ્રિટીશ લોકોએ એ શિક્ષણતંત્રની રચના કરી હતી. બીજું કાંઈ નહિ તો એ શિક્ષણતંત્રને ભારતીયોના ગૌરવની પૂન: સ્થાપના માટે કશીજ ખેવના સ્વતંત્રના શાસક મહાજનને તેમના પહેલાના શાસન માલિકો પાસેથી જડતાને દ્દઢ કરવાનું અને ભૌતિક અધોગતિને આગળ વધારવાનું કામ વારસામાં મળ્યું. અને એ પરાયા વારસાને તે પ્રાણપણે વળગી રહ્યા છે. આન માની શકાય તેવી છતા સાવ સાચી વાત છે કે આપણી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઉચ્ચતર સંશોધનની સંસ્થાઓ, કેન્દ્રો અને પરિયોજનાઓ, સેમિનારો અને પરિષદો એટલે કે આપણુ સમગ્ર વિદ્યાકીય અને શૈક્ષણીક પ્રતિષ્ઠાન, વિધિસર કે અવિધિસર, આપણને ઓપરેશન -ટેબલ પર ઈથર મુર્છિત રાખવા સતત મથી રહ્યું છે.

પૂર્ણ વિષાદથી ઉચ્ચારાયેલા આ શબ્દો આપણી આંખ ઉઘાડનારા છે. આઝાદી પછીના આટઆટલા વર્ષે પણ આપણે શિક્ષણને ક્ષેત્રે આપણી પ્રતિષ્ઠા આપણી આગવી ઓળખ ઉભી કરી શકયા નથી તેનું મૂળભૂત કારણ આપણી ગુલામીભરી માનસિકતા છે.

બ્રિટીશ શાસનની જડતાભરી પકડમાંથી આપણે હજુ છૂટયા નથી. ત્યાં તો પશ્ર્ચિમી આંધળી નકલખોરીનું અનિષ્ટ આપણે માથષ સવાર થવા મથી રહ્યું છે.

આપણે આપણા જૂના વિશ્ર્વવિદ્યાલયોનું સ્મરણ કરીએ ત્યારે એના વિશાળ પરિસરમાં ઉભરાતા દેશ વિદેશના વિદ્યાર્થીઓના ટોળાનું દ્રશ્ય આપણી આંખ સામે ઉભુ થાય અને વિશ્ર્વસમસ્તને એક માળો, સમગ્ર માનવજાતને એક પરિવાર ગણતા ભારતીય જીવનમંત્રનો ગુંજારવ પણ કાનમાં સતત પડઘાયા કરે.

આવી ઉચ્ચ પરિપાટીના નિર્માણ માટે જરૂર છે. સંનિષ્ઠ શિક્ષકોની, દીર્ઘદ્રષ્ટિયુકત આચાર્યોની, કેવળ, મૂલ્યનિષ્ઠ એવા વહીવટીતંત્રનીક અને વિદ્યાને જ જીવનનું સર્વોપરિ સધ્યિ ગણનારા વિદ્યાર્થીગણની.

આ માટે આપણે ધરમૂળથી પરિવર્તન સાધવા સજજ થવું પડે. ધનની તુલનામાં વિદ્યાનું મૂલ્ય આજે ઓછુ અંકાય છે. એ માનસિકતાને બદલવી પડે. શિક્ષકને તુચ્છ ગણવાની રાજકારણીઓ અને ધનિકોની માનસિકતાને તિલાંજલિ આપવી પડે. સાચુ શિક્ષણ આપનારો જ સમાજમાં સર્વશ્રેષ્ઠ સ્થાનનો અધિકારી છે એવી આપણી પ્રાચીન પરંપરાને આપણે પુનર્જીવિત કરવી પડે. વશિષ્ઠને આવતા જો, દશરથ સિંહાસન પરથી ઉતરી સામા જાય એવા દ્રશ્યોને સહજ અને સાર્વત્રિક બનાવવા પડે.

વાતોના વડા કરવાને બદલે પૂરી સતર્કતાથી સૌ કોઈ લાગતાવળગતાઓએ શિક્ષણની ગુણાત્મક સુધારણામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા તત્પર બનવું પડશે. જો આ બાબતે આપણે વેળાસર નહી ચેતીએ તો દુનિયાના નકશામાં માનભર્યું સ્થાન પામવાની વાત તો આઘી રહી, એ નકશામાંથી જ આપણે સમૂળગા ભૂંસાઈ જઈશું. આ ચેતવણી આજે અત્યારે પણ જેમની તેમ ઉભી છે.

આમાં હવે આ ચેતવણીથી વધુ ગંભીર ચેતવણીનો ઉમેરો કરવાનો રહે છે. અને તે છે આપણા શિક્ષણનું ક્રમે ક્રમે (છતા યુધ્ધના ધોરણે) સંસ્કૃતિકરણ કરવા અંગેની છે. આ કામગીરી રાષ્ટ્રીયધર્મ બજાવવા સમી છે.

આપણા દેશના સુકાનીઓએ તાજેતરમાં આપણા દેશની મહત્વની મૂડી સમા નહેરૂ મેમોરિયલ ટ્રસ્ટને નવું સ્વરૂપ આપ્યું છે, જેમાં વડાપ્રધાન સહિત દેશના ચુનંદા બુધ્ધિજીવીત પ્રબુધ્ધ મહારથીઓની સેવા લેવાનું આયોજન થયું છે. ગુજરાતમાંથી સુવર્ણ ગુજરાતનાં મહારથીઓમાંના એક શ્રી કમલેશ જોશીપુરાનો યશસ્વી સમાવેશ થયો છે. શિક્ષણ અને સંસ્કૃતિના સુભગ સંગમના તેઓ હિમાયતી રહ્યા છે અને વિદ્યાપીઠોના સંચાલનનો બહોળો અનુભવ ધરાવે છે. ટ્રસ્ટના અન્ય સભ્યો પણ વિવિધ ક્ષેત્રના મહારથીઓ છે. આ ટ્રસ્ટ કદાવર છે. અને જ્ઞાનવિજ્ઞાન (નોલેજ)ના આંતરરાષ્ટ્રીય ફલકસમું છે. ઉચ્ચ શિક્ષણનાં યુગલક્ષી કલેવરનું સંસ્કૃતિકરણ થાય તો તે ગંગોત્રી-જમુનોત્રીના શુભમિલનનું રૂડું સ્વરૂપ પામશે અને આ દેશને પાંચ વર્ષમાં ‘વિશ્ર્વગુરૂ’ બનાવવાની વડાપ્રધાનની તમન્ના સિધ્ધ થશે ! જો આ નવનિર્મિત ટ્રસ્ટ આ લક્ષ્ય હાંસલ કરવામાં સફળ થશે તો તે પોતાની લાયકાત સાબિત કરી આપવાનું ગૌરવ પામશે અને આખા દેશની શાબાશીનું અધિકારી બનશે. આપણે એમની સફળતા ઈચ્છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.