કચ્છની રોગાનકલાનો દેશ-વિદેશમાં ડંકો : ચાહકો 1500 થી 15 લાખ સુધીનો ખર્ચ કરતા અચકાતા નથી
રોગાન આર્ટને જાણવા દુનિયાના 70થી વધુ દેશના નાગરિકોએ રોગાનકળાના હબ ગણાતા કચ્છના નિરોણા ગામની મુલાકાત લીધી છે
અબતક, વારીશ પટ્ટણી,ભૂજ
લુપ્ત થવાના કગારે પહોંચેલી રોગાનકળાને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2006 થી 2022 સુધી વિવિધ સ્થાન તથા વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી દેશ- દુનિયા સમક્ષ મુકીને નવજીવન આપ્યા બાદ વર્તમાન સમયમાં આ કળા દુનિયાના 70થી વધુ દેશોના ઘરના ડ્રોઇંગરૂમ સુધી પહોંચી ગઇ છે. વર્તમાન સમયમાં કળાના માસ્ટરપીસની ડિમાન્ડ એટલી હદે છે કે, પોતાના ઘરને સજાવવા લોકો રૂ.1500 થી 15 લાખ સુધીનો ખર્ચ કરતા પણ ખચકાતા નથી એવું ભુજ હાટ ખાતે હસ્તકળા મેળામાં માર્કેટીંગ પ્લેટફોર્મ આપનાર રાજ્ય સરકારનો આભાર માનતા નિરોણાના રોગાનઆર્ટ કારીગર અશરફ ખત્રીએ જણાવ્યું હતું.
કચ્છના ભુજ તાલુકાનું નિરોણા ગામ રોગાનકળાનું હબ ગણાય છે. અહીં છેલ્લા 400 વર્ષથી એક જ પરીવાર પોતાની 8 પેઢી આ કળાની ધરોહરને સાચવી બેઠો છે. આ પરીવારના માસ્ટર આર્ટીસ્ટ અબ્દુલભાઇ ગફુર ખત્રીને રોગાનકળામાં પ્રદાન માટે કેન્દ્ર સરકારે પદ્મશ્રીથી નવાજેલા છે. જે બાદ આ કળા વધુ ચર્ચિત બની છે. આ કળા વિશે માહિતી આપતા ખત્રી પરીવારના અશરફભાઇ જણાવે છે કે, કપડા પર કોઇપણ પ્રકારની ડિઝાઇન વગર સીધા જ મનની કલ્પનાશક્તિના આધારે ભાત પાડવામાં આવે છે. ઇરાની મુળની આ કળામાં રોગન શબ્દનો અર્થ તેલ થાય છે. આ કળા કોટન તથા રેશમી કાપડ પણ કરવામાં આવે છે. જેનાથી ડિઝાઇન બનાવાય છે તે પેસ્ટ બનાવવામાં એંરડીયાનું તેલ, કુદરતી કલરનો ઉપયોગ કરાય છે. જે બાદ ધાતુની કલમની મદદથી કાપડ પર ફૂલ, પાન, મોર, હાથી જેવા જાનવરોની ભૌમીતિક ભાત ઉપસાવાય છે. ” ટ્રી ઓફ લાઇફ” (કલ્પવૃક્ષ) ની સરંચના આ કળાની મુખ્ય ખાસિયત છે. એક નાનો પીસ બનાવતા ઓછામાં ઓછા અઠવાડીયાનો સમય લાગે છે. જેટલો પીસ વિશાળ તે મુજબ મહિનાઓ પણ લાગી શકે છે. તેઓ ઉમેરે છે કે, વર્ષ 2006માં જયારે ભુજ હાટનું ઉધ્ધાટન થયું ત્યારે હસ્તકલા મેળામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ કળાથી પ્રથમવાર રૂબરૂ થયા હતા. ત્યારથી તેઓ આ કળા અને અહીંના કારીગરો સાથે દિલથી જોડાઇ ગયા છે. વર્ષ 2014માં ” ટ્રી ઓફ લાઇફ વીથ પિકોક ” ની થીમ પરની રોગાનફ્રેમ પ્રધાનમંત્રીએ અમેરીકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓબામાને ભેટમાં આપી હતી.
તેઓ જણાવે છે કે, વડાપ્રધાન વિદેશના પ્રવાસે જાય છે ત્યારે તથા ભારતની મુલાકાતે આવતા ડેલીગેટસને રોગાન આર્ટના માસ્ટર પીસ ભેટ આપતા હોય છે. જેના કારણે કચ્છી કળાને વિશ્વભરમાં નામના સાથે માર્કેટ પ્રાપ્ત થયું છે. લુપ્ત થવાના કગારે પહોંચેલી કળાને ખરાઅર્થમાં પ્રધાનમંત્રીશ્રીએ અંગત રસ લઇને જીવંત કરી છે તે બદલ તેમનો દિલથી આભાર વ્યકત કરીએ છીએ.
ભુજ મુલાકાતે આવેલા વડાપ્રધાન ને રોગાન વર્કનો કુર્તો આપ્યો હતો ભેટ
ગત માસે કચ્છમાં વિવિધ પ્રકલ્પના લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે ભુજ આવેલા વડાપ્રધાન નું સ્વાગત મુખ્યમંત્રી એ રોગાનઆર્ટની ફ્રેમથી કર્યું હતું. આ સાથે પીએમ સાથે ખાસ મુલાકાતમાં પદ્મશ્રી અબ્દુલભાઇ ગફુર ખત્રીએ રોગાનવર્ક કરેલો પીળો કુર્તો તથા એક ફ્રેમ ભેટમાં આપી હતી. જે શુભપ્રસંગે તેઓ અવશ્ય પહેરશે તેવો વાયદો કર્યા બાદ તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રીએ એક પ્રસંગમાં આ કુર્તો પહેરીને કચ્છની રોગાન કળાને વધુ એકવાર દેશ-વિદેશ સમક્ષ મુકીને પ્રોત્સાહન આપ્યું હતું.