મજુરોની હિજરતને લઈને કલેક્ટર અને એસપી આકરા પાણીએ: લોકડાઉન પૂર્ણ થયા સુધી મજુરોને સાચવવા ઉદ્યોગકારોને તાકીદ
જૂનાગઢ જિલ્લામાં કામ કરતા અન્ય જિલ્લાના અથવા પરપ્રાંતિય એક પણ મજૂરને હીઝરત કરવા નહીં દેવાય કે, ખરે ટાણે કોઈ પણ માલિકો કામદારોને તરછોડી શકાશે નહી આવા મજૂરોને તરછોડી દેનાર માલિક સામે ફોજદારી રાહે કડકપગલાં ભરાશે તેમ જિલ્લા કલેકટર સૌરભ પારધીએ જણાવ્યું હતું. સમગ્ર દેશમાં કોરોના લોક ડાઉન ના પગલે ધંધા, ઉદ્યોગ અને તમામ પ્રકારના રોજગાર બંધ થવા પામ્યા છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી પરપ્રાંતિય મજૂરોને માલિકો દ્વારા કાઢી મુકાતા કે પોતાની રીતે પગપાળા હિઝરતને લઈને ઉભી થયેલી મોટી સમસ્યા સામે રાજ્યમાં સૌપ્રથમ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ કટોકટીના સમયે મજૂરોને રઝડતા મૂકી દેનારા માલિકો સામે આકરી કાર્યવાહીની કવાયત હાથ ધરી છે
જુનાગઢ જિલ્લા કલેકટર પારધીએ ગઇકાલે સાંજે બોલાવેલી આપાતકાલીન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્ય હતું કે, જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામ કરતાં અન્ય દૂરના જિલ્લાઓના અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના બિનગુજરાતી રાજ્યોના ખેત મજુર અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતાં શ્રમજીવીઓને સરકારના લોક ડાઉનના પગલે માલિકોએ મજૂરોને સાચવવાના બદલે કોઈપણ જાતની વ્યવસ્થા વગર ભગવાન ભરોસે રજા આપી દેવાઈ છે.
જેના કારણે આ મજૂરો લોક ડાઉનમાં વાહન વ્યવહાર અને ટ્રેનો બંધ હોવાથી રામ ભરોસે પગ પાળા ચાલીને વતન તરફ પ્રયાણ કરવા લાગતા એક મોટો પ્રશ્ન ઉભો થયાનું વહીવટી તંત્રની નજરે આવતા શુક્રવાર સાંજે જુનાગઢ આસપાસના કેટલાક વિસ્તારોમાંથી વતન જઈ રહેલા મજુરોને પરત બોલાવી અમુકને વાહનો દ્વારા તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે અન્યને પોતપોતાના માલિકોના હવાલે કરીને વહીવટી તંત્રે તમામ માલિકોને તાકીદ કરી છે કે, લોક ડાઉન સુધી તમામ મજૂરોને પોતાના માલિકે તમામ વ્યવસ્થા સાથે સાચવી લેવાના રહેશે અને જો મજૂરોને છૂટા કરી દેવાની અથવા તો વતન જવાની ફરજ પાડવાનું તંત્રને જાણમાં આવશે તો તેમના માલિકો અને ઉદ્યોગપતિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ તકે જુનાગઢ એસપી સૌરભ સિંઘે લોક ડાઉનના પગલે શહેર અને સમગ્ર જિલ્લામાં મજુરોના હીઝરત અંગે તાકીદ કરતાં જણાવ્યું હતું કે કોરોના લોક ડાઉન ની પરિસ્થિતિમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, મોટા ખેડૂતો, પોતાના કારખાનાઓમાં કામ કરતા મજૂરોને તરછોડી દેવાના બદલે તેને સંપૂર્ણપણે સાચવી લેવાની જવાબદારી નિભાવવી પડશે. તેમ કહી વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે સાબલપુર પાસેથી મજૂરો પગપાળા પોતાના દૂરના વતન તરફ જઈ રહ્યા હોવાની વિગતો મળતાં પોલસ દ્વારા આવા મજૂરોને રોકી આ મજૂરો કયા કારખાનામાં કામ કરે છે, તેની વિગતો જાણીને તાત્કાલિક મિલ માલિકોને બોલાવીને આ મજૂરોને લોક ડાઉન ખુલે ત્યાં સુધી સાચવી લેવાની તાકીદ કરાઇ હતી, અને જિલ્લામાં કોઈ માલિકો દ્વારા પોતાના દૂરના જિલ્લાઓમાં કે પર પ્રાંતીય મજૂરોને તરછોડી દેવામાં આવશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સેવા કરવાના નામે રખડતા તત્વો સામે કાર્યવાહી થશે: કલેક્ટર
જૂનાગઢ મહાનગર સહિત જિલ્લાભરમાં લોક ડાઉન થતાની સાથે જ અમુક લોકો સેવાના નામે શહેરમાં બિન્દાસ કરી શકે તે માટે હાથમાં બે કીટલીઓ લઈને સેવા બજાવતા કર્મીઓને ચા પાણી પીવડાવવા અને હાથમાં ફૂડ પેકેટ લઈને ગરીબ લોકોને ફુડ વિતરણ કરવાના નામે મોજથી હરી ફરી શકે એવી તરકીબો અજમાવી હતી, જે હવે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને ને ધ્યાનમાં આવતા આવા સેવાના નામે ચરી ખાતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ આ અંગે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને સંકલનમાં રાખી ટંક નું કમાઈને ટંકનું ખાતા લોકો તથા ઝૂંપડામાં રહેતા ગરીબ લોકો અને વૃદ્ધ અશક્ત લોકો માટે ફૂડ પેકેટ, ટિફિન અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને આ અંગેની સેવા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય જિલ્લાના તમામ શહેરોમાં પણ આવી જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ સેવા આપવા માંગતા કાર્યકરોને તથા આવી સંસ્થાઓને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ બાબતે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘે જણાવ્યું હતું કે, લોક ડાઉન દરમિયાન સેવાના નામે ફરતા અમુક તત્વો અંગે તેમના ધ્યાનમાં અમુક બાબતો આવતા હવે આવા લોકો રોકવામાં આવશે અને સેવાના નામે ચરી ખાતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જીવનજરૂરી ચીજવસ્તુનાં કાળા બજાર સામે તંત્ર લાચાર?
ચીજવસ્તુનાં વધારે ભાવ લેવાતા હોવાના પ્રશ્ર્નનાં જવાબમાં કલેક્ટરે કહ્યું, દેખતે હૈ, હો જાયેંગા…
જૂનાગઢમાં અમૂલ દૂધની અડધા લીટરના પાઉચમાં છૂટક વેપારીઓ દ્વારા લેવાતા રૂ. એક થી બે વધારા સાથે અનાજ, કરિયાણાના છૂટક વેપારીઓ દ્વારા તમામ વસ્તુઓમાં થઈ રહેલા કાળા બજારના કારણે લોકો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે, ત્યારે તંત્ર આ બાબતે લાચાર બની બની ગયું હોય તેમ જિલ્લા કલેકટરે ગઈકાલે પત્રકારોને આપેલ ટૂંકા જવાબ પરથી લાગી રહ્યું છે.
તંત્ર દ્વારા લોક ડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે સુંદર વ્યવસ્થા કરી સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે, પરંતુ જુનાગઢના અમુક વેપારીઓ દ્વારા કોરોનાની મહામારીનો બિન્દાસ ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અને અનાજ, કરીયાણા સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફાવે તે રીતે ભાવો પડાવી રહ્યા છે તથા આવા વેપારીઓ સાથે લોકો ભાવ રકજક કરે તો માલ પણ ન દેતા હોવાની ફરિયાદો જૂનાગઢ શહેર સહિત જિલ્લામાંથી વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે.
આજ રીતે જુનાગઢ મહાનગરમાં અમૂલ ડેરીના અડધા લિટરના પાઉચ ઉપર છાપેલી કિંમત કરતા એક થી બે રૂપિયા વધારે ઉઘરાવાતા હોવાની પણ લોકોમાં રાવ ઉઠવા પામી છે. જો કે જૂનાગઢના અનાજ, કરિયાણા અને પ્રોવિઝાનન વેપારીઓનું માનીએ તો, તેમના જણાવ્યા અનુસાર જથ્થાબંધના વેપારીઓ જ વધુ ભાવ લેતા થઈ ગયા છે, જેના કારણે અમારે રિટેલમાં ભાવનો વધારો કરવો પડ્યો છે.
પરંતુ આ બાબત શું છે અને વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા કેમ પડાવી રહ્યા છે તે તપાસનો વિષય હોય તંત્રએ પોતાની રીતે આ બાબતે સત્વરે લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરાવી, જૂનાગઢ મહાનગર સહિત જિલ્લાના લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે આપવી પડતી કાળા બજારીના સંકજામાંથી છોડાવવો જોઈએ જેની જવાબદારી તંત્ર છે અને ટૂંકા જવાબો આપી આ ગંભીર બાબતથી છટકવું ન જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ચર્ચા કરી રહ્યા છે.
જોકે આ બાબતે ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા બોલાવાયેલ આપાતકાલીન પત્રકાર પરિષદમાં પત્રકારો દ્વારા કલેકટરને પૂછાયેલા એક પ્રશ્નમાં જિલ્લા કલેક્ટરે સૌરભ સિંઘે “દેખતે હૈ, હો જાયેગા…” એવો ટૂંકો જવાબ આપી હાલમાં આ બાબતને ગંભીરતાથી ન લીધી હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ આવનારા સમય માટે જુનાગઢ માટે આ સામાન્ય બાબત વધુ ગંભીર બની જશે, ગ્રાહકો વેપારીઓ વચે સંઘર્ષ વધે તેવી પરિસ્થિતિ સર્જાશે ત્યારે તંત્ર માટે પણ આ બાબત મુશ્કેલી સમાન બની જશે તેવું પ્રબુદ્ધ લોકો માની રહ્યા છે.