અત્યારે લગ્નની સીઝન આવી રહી છે ત્યારે ફેશિયલ વિના ચહેરાની રંગત નિખારવા માટે અજમાવો કેટલાક ઘરેલૂ નુસખા. જેનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાની રંગત નિખારી શકો છો. જેથી તમારો ચહેરો સુંદર અને ખીલેલો લાગશે, પરંતુ તેના માટે તમારે ન તો પૈસા ખર્ચવાની જરૂર છે ન તો પાર્લર જવાની. આ ઉપાય તમે ઘરે બેઠા જ શાંતિથી કરી શકો છો. એક ચમચી મલાઈમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ ચહેરા અને હોઠ પર લગાવવાથી હોઠ ફાટશે નહીં. થોડી મલાઈ અને એક ચમચી ચણાના લોટનો સાબુની જગ્યાએ નાહતી વખતે ઉપયોગ કરો, ત્વચા મુલાયમ બનશે. મુલતાની માટીને પીસીને મલાઈમાં મિક્સ કરી ચહેરા તથા કોણીઓ પર લગાવવાથી ત્વચામાં નિખાર આવશે. મોસંબી કે સંતરાની છાલને પીસીને મલાઇ મિક્સ કરી ઉબટણ તરીકે ત્વચા પર લગાવો, ત્વચા મુલાયમ બનશે. ચહેરાની રંગત ગોરી કરવી હોય તો મલાઈમાં સફરજનનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર હળવા હાથે લગાવો.
આવું રોજ કરવાથી ચહેરો ગોરો બનશે. ૨ ચમચી મલાઈ, ૧ ચમચી બેસન, ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવી લો. ચહેરા પર લગાવો. ૧૦-૧૫ મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો. રંગત નિખરવા લાગશે. દહીં ત્વચાની રંગત નિખારે છે. લીંબુથી તૈલીપણું ઓછું થાય છે. આ બંનેને મિલાવીને બનાવાયેલું ઉબટન ત્વચાને નિખારે છે. અને ચમકદાર બનાવે છે. ચણાનો લોટ, હળદરની ગાંઠ, બદામનું તેલ અને સુખડના લાકડાને ઘસીને ચહેરા પર લગાવી મોઢું ધોવાથી ચામડી સુંવાળી અને ગોરી બની જશે. એક ચમચી રાઈને દૂધમાં મેળવીને બારીક પીસી લો, પછી ચહેરા પર લગાવો. રાઈના ઉબટનથી રંગમાં તો નિખાર આવશે, ત્વચામાં ચમક પણ જળવાઈ રહેશે. ત્રણ-ચાર બદામ અને દસ-બાર દેશી ગુલાબની પાંદડીઓ પીસીને એક ચમચી મલાઈમાં મિક્સ કરી લગાવશો તો ચહેરાની કરચલીઓ અને ત્વચાના ધબ્બા દૂર થશે. એક સારી ક્વોલીટીના સાબુ પર થોડીક ખાંડ ભભરાવીને ચહેરા પર થોડીક વાર સુધી ઘસો, ત્યાર બાદ પાણી વડે ચહેરો સાફ કરી લો. આ સ્ક્રબ ત્વચા પરના ડાઘને દૂર કરી દેશે. તડબૂચના બિયાં અને સિતાફળના બિયાંને સરખી માત્રામાં લઇને પીસી લો. પછી દૂધમાં મિલાવીને ચહેરા અને ગરદન પર લગાવો. થોડા દિવસોનાં નિયમિત પ્રયોગથી રંગત દેખાવા લાગશે. બે ચમચી દૂધ અને અડધી ચમચી મધમાં ઈંડુ ભેળવી લો. આને આંખોનો ભાગ છોડીને ચહેરા પર અને ગરદન પર લગાવી લો. ૧૫ મિનિટ પછી નવાયા પાણી વડે ધોઈ લો તેનાથી કુદરતી નિખાર આવી જાય છે. ચંદનનું ચૂર્ણ, હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દુધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યાર બાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે.