ગણેશ ઉત્સવ માટે જીતુ સોમાણી સહિત ત્રણ આયોજકોએ એક જ ગ્રાઉન્ડ માંગતા ભારે હોબાળો: પાલિકા સુપર સીડ થયા બાદ હવે વર્ચસ્વની લડાઇ ચરમસીમાએ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે વાંકાનેર પંથકમાં ભાજપમાં જુથવાદ લબકારા મારી રહ્યો છે. વાંકાનેર વિધાનસભાની બેઠક પરથી કમળના પ્રતિક પર ચુંટણી લડવા ભાજપના નેતાઓ વચ્ચે બરાબરની જામી છે. પાલિકા સુપર સીડ થઇ ગઇ છે. હવે વર્ચસ્વની લડાઇ ચરમસીમાએ પહોંચી જવા પામી છે. ગણેશ મહોત્સવ માટે જીતુ સોમાણી સહીત ત્રણ આયોજકોએ એક જ મેદાનની માંગણી કરતા રાજકારણમાં જબ્બરો ગરમાવો આવી ગયો છે.
ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ ગુજરાતમાં 140 થી વધુ બેઠકો જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જેની સામે પક્ષના નેતાઓ જ તેની મહેનથ પર પાણી ફેરવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાંકાનેર પાલિકામાં બહુમત મળવા છતાં આંતરીક હુંસાતુસી અને જુથવાદના કારણે પાલિકા સુપર સીડ થવા પામી છે. પાલિકા પર હવે વર્ચસ્વ જમાવવા જાણે હોડ જામી રહી છે. તેવું લાગી રહ્યું છે.
છેલ્લા 37 વર્ષથી વાંકાનેરના ઇતિહાસમાં કયારેય ન બની હોય તેવી ઘટના આકાર લઇ રહી છે. રાજકીય વજન ઉભું કરવા માટે નવા નવા નાટકો ઉભા કરવામાં આવી રહ્યા છે. પ્રજા પણ જાણે છે કે આવેલ માત્રને માત્ર વિધાનસભાની ટિકીટ માટેનો છે. છેલ્લી ત્રણ ટર્મથી હારતા જીતુભાઇ સોમાણીની ટિકીટ ભુખ હજી સંતોષાતી નથી. બીજી તરફ પાલિકામાં પોતાના વહિવટ અને વર્ચસ્વ કાયમ રાખવા નેતાઓ હવે જાણે છેલ્લી પાટલીએ બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભગવાનની આરાધનાના ઉત્સવમાં પણ હવે રાજકીય રંગને ભેળવી દેવામાં આવ્યો છે. તમામ જુથ જો ખભ્ભે ખભ્ભા મીલાવી ગણેશ વંદના કરે તો પ્રજામાં પણ પ્રિય બને પરંતુ તમામને ભકિત કરતા પોતાના વર્ચસ્વ જમાવવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું.
ગણેશ ઉત્સવ માટે વાંકાનેર પાલીકાના આર.એસ.એસ.ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવા જીતુભાઇ સોમાણી (ગણેશ ઉત્સવ સમીતી) દિવાનપરા ગરબી મિત્ર મંડળ અને મેહુલભાઇ ઠાકરાણીની અરજીઓ કરી છે. ત્રણેય આયોજકોની એક જ જગ્યાની માંગણી હોય તેઓને સમજુતી કરાવવા કચેરી ખાતે ચીફ ઓફીસર તથા વહીવટદાર દ્વારા ત્રણેય આયોજકોને સંયુકત રીતે ધાર્મિક આયોજન કરવા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં જીતુભાઇ સોમાણી વતી રાજેન્દ્રસિંંહ ઝાલા, યોગેન્દ્રસિંહ ઝાલા, અશ્ર્વિનભાઇ જોબનપુત્રા, મેરુભાઇ સરૈયા હાજર રહ્યા હતા. તથા અન્ય આયોજકો મેહુલ ઠાકરાણી તથા દિવાનપરા મિત્ર મંડળના મનોહરસિંહ ઝાલા હાજર રહ્યા હતા. ગણેશ ઉત્સવમાં આયોજન માટે આર.એસ.એસ. શાખા ગ્રાઉન્ડમાં અલગ આયોજન કરવાની સમજુતી પરત્વે સામેલ થવાની સહમતી દર્શાવી હતી.
સહમતિ બાબતે જીતુભાઇ સોમાણી વતી હાજર રહેલ તમામ પ્રતિનિધિઓ એ સંયુકત રીતે કરવાના થતા આયોજનના સુચક પ્રત્યે પ્રત્યુતર જીતુભાઇ સોમાણી સાથે ચર્ચા બાદ રજુ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.
વાંકાનેરની શાંતિ-સુલેહ ભંગ કરવાનો પ્રયાસ પ્રજા ક્યારેય ચલાવી લેશે નહીં: કેશરીસિંહજી
વાંકાનેરના રાજવી કેશરીસિંહજીએ “અબતક” સાથેની વાતચિત દરમિયાન જણાવ્યુંહતું કે વાંકાનેરના 37 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જન્માષ્ટમી પર્વએ બે શોભાયાત્રા નિકળી હતી. આરએસએસ ગ્રાઉન્ડમાં જીતુભાઇ સોમાણી દર વર્ષ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. પરંતુ આ વર્ષ તેઓને ગ્રાઉન્ડ ફાળવવા માટે પાલિકા દ્વારા કોઇ ઠરાવ કરવામાં આવ્યો નથી. વાંકાનેરની શાંતિ અને સુલેહનો ભંગ કરવાનો પ્રયાસ કરનારને વાંકાનેરની પ્રજા ક્યારેય સાંખી નહી લ્યે. સાતમ-આઠમનો મેળો, જન્માષ્ટમી અને હવે ગણેશ મહોત્સવમાં તેઓ ફાંટા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે.
પાલિકા દ્વારા વર્ષોથી મેળા માટેનું મેદાન ભલામણના જોર એક પાર્ટીની આપી દેવામાં આવતુ હતું. જેમાં માત્ર દોઢ લાખની આવક થતી હતી. આ વખતે જાહેર હરાજી કરવામાં આવતા 11 લાખની માતબર આવક થવા પામી છે. જીતુભાઇ સોમાણીએ જન્માષ્ટમીની અલગ શોભાયાત્રા યોજી હતી. તેઓ મેળો પણ અલગ જ કરવા ઇચ્છતા હતા પરંતુ તંત્રની મંજૂરી ન મળતા આ શક્ય ન બન્યુ. તેઓ હિન્દુ સમાજના હિતની વાતો કરે છે અને ગણેશ મહોત્સવ યોજવાની વાતો કરે છે. મેદાનની માંગણી કરનાર અન્ય બે આયોજકો પણ હિન્દુ સમાજના છે. ગેર વહિવટના કારણે પાલિકા સુપરસીડ થયા બાદ જીતુભાઇ હવે વાંકાનેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે પ્રજા ક્યારેય ચલાવી લેશે નહી.
જીતુ સોમાણીનું આમરણાંત ઉપવાસ આંદોલનનું નાટક !!
વાંકાનેર શહેરમાં ઉજવાતા ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવની ઉજવણી જે ટાઉન હોલ પાસેનું શાખાના ગ્રાઉન્ડ માટે જે રાજકીય લોકોના ઇશારે વિવાદ સર્જાયો છે. તેના વિરોધમાં ગણેશ ઉત્સવ સમિતિના મોભી જીતુભાઇ સોમાણી તથા પંડાલના સભ્યો આમરણ ઉપવાસ પર ઉતર્યા છે. માત્ર પ્રવાહી જ લેશે તેમની સાથે આખો સોમાણી પરિવાર ઉપરાંત મહિલા મંડળ, ગોપી મંડળ તથા સત્સંગ મંડળની બહેનો પણ હોંશભેર જોડાશે.
જ્યારે જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, નવરાત્રી ઉત્સવ માટે જીતુભાઇ દ્વારા ગત તા.30/7/22ના રોજ જનરલ બોર્ડમાં તેમને ઉપરોક્ત ત્રણેય ઉત્સવો માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માંગણી કરેલ જે જનરલ બોર્ડે ત્રણેય કાર્યક્રમ માટે મંજૂર કરી રૂ.5000 (પાંચ હજાર) ટોકન રેડથી સર્વાનુમતે મંજૂર કરેલ છે. અમોને ગ્રાઉન્ડ આપવામાં આવેલ છે. જે અંગેની નગરપાલિકા દ્વારા રકમ ભરવાની જાણ કરવામાં આવેલ નથી કે મંજૂરી પત્ર પણ આપવામાં આવેલ નથી.
તા.5/8/22ના રોજ રાજકોટ રીજીયોનલ કમિશનરમાં નગરપાલિકાની 258 મુજબ જે મુદ્ત હતી. તેમાં ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પુર્વ પ્રમુખ રમેશભાઇ વોરા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તથા નગરપાલિકાના હેડ ક્લાર્ક દિપકસિંહ ઝાલાની હાજરીમાં આ ગ્રાઉન્ડની ચર્ચા મુજબ કમિશનર સુચના આપેલ કે ધાર્મિક કાર્ય હોય અને વર્ષોથી એક જ જગ્યા ઉપર ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય તેને આ ગ્રાઉન્ડ ટોકન ભાડાથી આપવું તેવી સહમતી દર્શાવી હતી. જ્યારે રાજકીય લોકોના ઇશારે અન્ય લોકોએ ઉપરોક્ત ગ્રાઉન્ડ ભાડા માટે અરજી કરતા અમારે ન છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડ્યું છે.