કેન્દ્રની ભાજપ સરકારને નવ વર્ષ પૂર્ણ થતા હાલ ચાલી રહેલી ઉજવણી આજે રદ્ કરવાની જાહેરાત
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન ગઇકાલે સાંજે ત્રણ ટ્રેનો અથડાતા 233 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનાથી દેશભરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ દુ:ખદ ઘટનાથી શોકગ્રસ્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજના પોતાના તમામ કાર્યક્રમો રદ્ કર્યા છે. દરમિયાન ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારને સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઓડિશાની રેલ દુર્ઘટનાના પગલે કેન્દ્ર સરકારના નવ વર્ષની ઉજવણી સહિતના આજના તમામ કાર્યક્રમો રદ્ કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારને તાજેતરમાં નવ વર્ષ પૂર્ણ થતા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સતત એક માસ સુધી વિવિધ સંગઠાત્મક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. સંપર્ક સે સમર્થન, વિશેષ જનસંપર્ક અભિયાન, લાભાર્થીઓ સાથે સંવાદ જેવા કાર્યક્રમો ઉજવાય રહ્યા છે. આગામી 11મી જૂનના રોજ રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં કેન્દ્રીય મંત્રીઓની એક જંગી જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજના પક્ષના તમામ કાર્યક્રમો રદ્ કરવાની ઘોષણા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજના તમામ કાર્યક્રમો રદ્ કરી દેવાની જાહેરાત કરી છે.
અખિલ ભારતીય સંત સમિતિની પ્રદેશ કાર્યકારણી
રાજયના 500થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતિ: હિન્દુ રાષ્ટ્ર અને લવ જેહાદ સહિતના મુદે ચર્ચા
રાજયના ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે બપોરે 3 કલાકે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારણીની એક બેઠક મળશે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહેશે.
અખિલ ભારતીય સંત સમિતિની ગુજરાત પ્રદેશની કાર્યકારણી દર વર્ષ રાજયના અલગ અલગ યાત્રાધામો ખાતે મળતી હોય છે. જેમાં વિવિધ મુદાઓ પર ચર્ચાઓ કરવામાં આવે છે. આજે બપોરે 3 કલાકે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે મળનારી સંત સમિતિની કાર્યકારણીમાં રાજયના 500થી વધુ સંતો ઉપસ્થિત રહેશે. જેમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને સતત વધી રહેલા લવ જેહાદના કેસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે સંત સમિતિની બેઠકમાં સાધુ સંતો જ હાજરી આપતા હોય છે. પરંતુ પ્રદેશ ભાજપ અધ્યક્ષને આમંત્રણ પાઠવવામાં આવતા તેઓને આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
દરમિયાન આજે સવારે ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાના નાંદોદમાં ધારીખેડા ખાતે નર્મદા સગરના ભૂમી પૂજન તથશ ઓર્ગેનિક પોટાશ ખાતર પોજેકટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.