વાલીઓને વિઘાર્થીઓને શાળાએ મોકલવા અનુરોધ
માંગરોળની શારદાગ્રામ સંચાલિત સીબીએસઈ સ્કુલમાં ફી વધારા મુદ્દે વાલીગણ દ્રારા શિક્ષણ બહિષ્કારના ચાલી રહેલા આંદોલનને લઈને જીલ્લા નાયબ શિક્ષણ અધિકારી સહિતની ટીમ દોડી આવી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. શાળાના સંચાલક મંડળ સાથેની બેઠક બાદ વર્ષના અંતમાં કરવામાં આવેલા ફી વધારાની વાલીઓ પાસે માંગણી કરવામાં નહીં આવે તેવી હૈયાધારણા આપી બાળકોને શાળાએ મોકલવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
શારદાગ્રામ સંસ્થા સંચાલિત સીબીએસઈ શાળામાં એફ.આર.સી. મુજબ ફી વધારો ઠોકી બેસાડવામાં આવ્યો હતો. વાલીઓને અગાઉ કોઈપણ જાણ કર્યા વિના શૈક્ષણિક વર્ષના અંતિમ સત્રમાં તેની જાણ કરી આ ફી વધારો તો ભરવો જ પડશે તેવું સ્પષ્ટ કહેવાતા વાલીઓમાં ભારે રોષ ઉઠયો હતો. ત્યારબાદ તાજેતરમાં ધો.૧ થી ૯ના રિઝલ્ટ વખતે વધારા મુજબની નવી ફી ભર્યા બાદ જ માર્કશીટ આપવાની મેનેજમેન્ટેની નીતિ સામે વાલીઓમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો. આ સમયે શાળામાં ભારે હો-હલ્લો મચાવી મોટાભાગના વાલીઓ માર્કશીટ લીધા વિના જ પરત આવ્યા હતા.
શાળાની અન્યાયી નીતિ સામે આંદોલનનું રણશીંગુ ફૂંકવાના ભાગરૂપે ૧લી તારીખથી વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. આજે આ આંદોલન પાંચમા દિવસમાં પ્રવેશ્યું હતું. દરમ્યાન આજે જીલ્લા નાયબ શિક્ષણાધિકારી જેઠવા, જી.શિ.નિરીક્ષક પરમાર સહિત ત્રણ અધિકારીઓની ટીમે તાલુકા શિક્ષણાધિકારી તથા તાલુકા કેળવણી નિરીક્ષક સાથે શાળાએ પહોંચી સંચાલક મંડળ સાથે બેઠક કરી વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ વાલીઓ સાથે મિટીંગ કરી જણાવ્યું હતું કે હાલમાં કોઈ વાલીઓ પાસેથી ગત વર્ષ પેટે વધારાની ફીની માંગણી કરવામાં આવશે નહીં. વધુમાં કવોલિફાઈડ શિક્ષકો, અપુરતી સુવિધાઓ સહિતની વાલીઓની ફરીયાદ અંગે જીલ્લા શિક્ષણાધિકારી તેમજ અધવચ્ચે ફી વધારાના વિવાદિત મુદ્દે એફ.આર.સી.ને રિપોર્ટ કરાશે તેમ જણાવ્યું હતું.
અભ્યાસ પર વિપરીત અસર ન પડે તે માટે બાળકોને શાળાએ મોકલવા અધિકારીઓએ વાલીઓને અનુરોધ કરતા હકારાત્મક અભિગમ દર્શાવી શનિ, રવિની રજા બાદ સોમવારથી બાળકોને શાળાએ મોકલવા વાલીઓ સહમત થયા હતા. કેટલાક સમયથી ચાલતા આ વિવાદનો હાલમાં તો સુખદ નિવેડો આવ્યો છે. પરંતુ ફીનુંં કોકડું હજુ પણ ગુંચવાયેલુ હોય, આવનારા સમયમાંં કેવો નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.