વધતા જતા કોરોનાના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે. એક તરફ કેસ ખતરનાક ગતિએ આગળ ધપી રહ્યા છે તો બીજી તરફ આ મહાસંકટ વચ્ચે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેના પ્રચારમાં યોજાયેલા મેળાવડા, રેલીઓ તેમજ જાહેર સભાઓ કોરોના સંક્રમણને આમંત્રણ સમાન બન્યા છે. ત્યારે હવે પ્રચાર-પ્રસાર ભલે ખૂબ કરી લીધો પરંતુ હવે રાજકીય પક્ષો પોતાની જીતનો જશ્ન મનાવી શકશે નહીં. કેન્દ્રિય ચૂંટણી પંચે આદેશ જારી કર્યા છે કે 2 મેના રોજ ચૂંટણી પરિણામ પછી કોઈ પક્ષ ‘વિજય રેલીઓ’ કે મેળાવડા યોજી શકશે નહી. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં કોવિડ કેસોમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી તેમજ વિવિધ પેટા મતદાનના ગણતરીના દિવસે 2 મેના રોજ વિજય સરઘસ પર પ્રતિબંધ  મૂક્યો છે.

જણાવી દઈએ કે ગઈકાલે જ મદ્રાસ હાઈકોર્ટ કેન્દ્રીય ચૂંટણીપંચ પર લાલઘુમ થઇ હતી. અને દેશમાં વકરતા કરોના પાછળ ચૂંટણીપંચ જ જવાબદાર હોવાનું ઠેરવ્યું હતું. પાંચ રાજ્યોમાં જે કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતના આંકડામાં ઉછાળો થયો તે પાછળ પણ ચૂંટણી પંચની ગેર જવાબદારી જ કારણભૂત છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આયોગ ગાઈડલાઈનનો અમલ કરવામાં નિષ્ફળ પુરવાર થયું છે. આથી કોરોનાગ્રસ્ત દર્દીઓની હત્યાની ફરિયાદ ચૂંટણી પંચ પર થવી જોઈએ.

ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલ લાગુ કરવામાં નિષ્ફળતા માટે મદ્રાસ હાઈકોર્ટે ટકોર કર્યાના 24 કલાકમાં જ ચૂંટણી પંચ હરકતમાં આવી ગયું છે. કોઈ પણ પ્રકારના વિજય સરઘસ પર પ્રતિબંધ લાદી દીધો છે. પંચની મતદાન પેનલ દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ, 2 મેના મતગણતરી પછી કોઈ વિજય સરઘસ માન્ય રહેશે નહીં. ઉપરાંત, વિજેતા ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિ સાથે સંબંધિત રિટર્નીંગ અધિકારી પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે બે કરતા વધુ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. મદ્રાસ હાઈકોર્ટમાં તમિલનાડુના કરુર વિધાનસભા મત વિસ્તારના એઆઈએડીએમકેના ઉમેદવાર દ્વારા અરજી દાખલ કરાઈ હતી અને કોવિડ- 19ના પ્રોટોકોલ અનુસાર જ મત ગણતરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.