- ઉનાળું વેકેશન લંબાવવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો પર અસર ન થાય તે માટે દિવાળી વેકેશન 3 સપ્તાહના બદલે બે સપ્તાહનું રાખવા માટે પણ સંચાલક મંડળ દ્વારા રજૂઆત
રાજ્યમાં હજુ પણ હીટવેવની અસર જોવા મળી રહી છે અને સતત ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના પગલે રાજ્યના સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી શાળાઓનું ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે લેખિત રજૂઆત કરી છે. રાજ્યમાં 13 જૂનથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે ત્યારે સંચાલક મંડળ દ્વારા 20 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ભલામણ કરવામાં આવી છે. ઉનાળું વેકેશન લંબાવવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક દિવસો પર અસર ન થાય તે માટે દિવાળી વેકેશન 3 સપ્તાહના બદલે 2 સપ્તાહનું રાખવા માટે પણ સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે મુખ્યમંત્રી દ્વારા તાકીદે નિર્ણય લેવામાં આવે તેવી પણ રજૂઆતમાં માગ કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ – ગુજરાત પ્રદેશને તેના જિલ્લા ઘટક મંડળો તરફથી મળેલી વિવિધ રજૂઆતોને સંકલિત કરીને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, છેલ્લા 15 દિવસથી ગુજરાતના તમામ જિલ્લા રેડ અને યલ્લો અલર્ટથી ધગધગી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 સપ્તાહ દરમિયાન 40થી 42 ડિગ્રી તાપમાન રહેશે તેવું ફોરકાસિ્ંટગ કરવામાં આવ્યું છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા પણ સરકારને હીટવેવને કુદરતી આફત જાહેર કરવા વિનંતી કરી છે.રાજ્યમાં પણ ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. ગુજરાતના ઘણા બધા જિલ્લામાં પીવાના પાણીની તકલીફ ઊભી થવા સાથે અનેક ડેમ તથા જળાશયોમાં પાણી ઓછું થઇ ગયું છે. ચૂંટણીની આદર્શ આચારસંહિતાના લીધે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓ નિર્ણય લીધા સિવાય પડતર પડેલી છે. આ જ રીતે પ્રાથમિક શિક્ષણ નિયામકમાં નામંજૂર થયેલી પ્રાથમિક શાળાઓની અપીલોનું હિયરીંગ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના જજમેન્ટ ચૂંટણીના કારણે અપાયેલા નથી.