રાજકોટમાં પ્રોપર્ટી ટેકસમાં માફી યોજનાનો લાભ માત્ર કોમર્શિયલ મિલકતને જ મળી તેવી ઉદભવતી શંકા: હાલ મહાપાલિકા દ્વારા અપાતી રાહત ઉપરાંત સરકારની જાહેરાત મુજબ વધારાની રાહત આપવી કે કેમ ? નોટીફીકેશનની જોવાતી રાહ
ગુજરાતનાં અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગઈકાલે રૂ.૧૪,૦૦૦ કરોડનાં માતબર આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી ટેકસમાં રાહત આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ મહાપાલિકા તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે. રાજકોટમાં આ યોજનાનો લાભ કોમર્શિયલ મિલકતોને મળે તેવી શંકા પણ ઉભી થવા પામી છે. હાલ મહાપાલિકા દ્વારા વેરા વળતર યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે તેનાથી વિશેષ સરકારની જાહેરાત મુજબ લાભ આપવો કે કેમ તે અંગે થોડી દ્વિઘા ઉભી થવા પામી છે. હાલ સરકારનાં નોટીફીકેશનની રાહ જોવાઈ રહી છે. દરમિયાન વેરા વળતર યોજના ૩૧મી જુલાઈ સુધી લંબાવવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા ૧૪૦૦૦ કરોડનાં આત્મનિર્ભર પેકેજમાં એવી ઘોષણા કરવામાં આવી છે કે, વાણિજય એકમોને વર્ષ ૨૦૨૦-૨૦૨૧નાં પ્રોપર્ટી ટેકસનાં ચુકવણમાં ૨૦ ટકાની માફી આપવામાં આવશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં રહેણાંક મિલકતો જો પ્રોપર્ટી ટેકસ ૩૧મી જુલાઈ સુધીમાં ભરી દેશે તો તેને ૧૦ ટકા માફી આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની આ જાહેરાતથી રાજયમાં ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને રૂ.૧૪૪ કરોડની રાહત થવાની છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વેરા વળતર યોજના અંતર્ગત ૧૦ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે જો સરકારનાં નોટીફીકેશનમાં વધારાનો લાભ આપવાનો ઉલ્લેખ ન હોય તો શહેરમાં રહેણાંક હેતુની મિલકત પ્રોપર્ટી ટેકસમાં માફી યોજનાથી કોઈપણ પ્રકારનો ફાયદો થશે નહીં. જયારે કોમર્શિયલ હેતુની મિલકત ધરાવતા લોકોને વધારાનો ૧૦ ટકાનો લાભ મળશે. મહાપાલિકામાં છેલ્લા બે મહિનાથી વેરા વળતર યોજના ચાલી રહી છે અને હજારો લોકોએ વેરો ભરપાઈ કરી દીધો છે. આવામાં સરકારની જાહેરાત બાદ હવે જે કરદાતાઓએ વેરો ભરપાઈ કરી દીધો છે તેઓને ક્રેડિટ નોટ આપવાની વિચારણા પણ શકરીદેવામાંઆવીછે. વેરા વળતર યોજના આગામી ૩૦મી જુને પૂર્ણ થઈ રહી છે પરંતુ મુખ્યમંત્રી દ્વારા ૩૧મી જુલાઈ સુધી વેરો ભરપાઈ કરનાર રહેણાંક હેતુની મિલકત ધારકોને ૧૦ ટકા માફી આપવામાં આવશે તેવી જાહેરાત બાદ હવે આપોઆપ આ વળતર યોજનાની મુદત એક મહિનો લંબાવાઈ જાશે.
ગઈકાલે કરવામાં આવેલી જાહેરાત બાદ આજે ટેકસ કલેકશનની કામગીરી ઉપર પણ અસર પડી હતી. સામાન્ય દિવસોમાં આ વળતર યોજના અંતર્ગત દોઢ કરોડ રૂપિયાની દૈનિક આવક થવા પામે છે. આજે બપોર સુધીમાં માત્ર ૩૦ લાખ રૂપિયાની આવક થવા પામી છે. એકમાત્ર રાજકોટ નહીં પરંતુ રાજયની તમામ મહાપાલિકાઓ સરકારની જાહેરાત બાદ અવઢવની સ્થિતિમાં મુકાઈ ગઈ છે. જે પાલિકા કે મહાપાલિકા દ્વારા એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને વળતર આપવામાં નથી આવતું તેઓ માટે આ યોજના લાભકારક છે પરંતુ રાજકોટમાં વર્ષોથી ટેકસ રીબેટ યોજના મુકવામાં આવે છે. આવામાં રાજય સરકારની પ્રોપર્ટી ટેકસમાં માફી યોજનાનો લાભ માત્રને માત્ર કોમર્શિયલ હેતુ માટેની મિલકતોને મળે તેવું લાગી રહ્યું છે. શહેરમાં અંદાજીત ૩.૫૦ લાખ રહેણાંક હેતુ માટેની અને ૧ લાખ કોમર્શિયલ હેતુ માટેની મિલકતો આવેલી છે. મેયર બીનાબેન આચાર્યએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, રાજય સરકારનાં ૧૪ હજાર કરોડનાં આત્મનિર્ભર પેકેજમાં પ્રોપર્ટી ટેકસમાં માફીની જાહેરાત કરવામાં આવી છે તેની અમલવારી કેવી રીતે કરવી તે અંગે સરકારનાં નોટીફીકેશનની રાહ જોવાઈ રહી છે. આગામી દિવસોમાં આ અંગે મહાપાલિકા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.