રેસીડેન્સ, કોમર્શીયલ, એજયુકેશન, સ્માર્ટ સિટી સહિત કુલ ૧૩૧ એમઓયુ કાલે થશે: મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની રહેશે ઉપસ્થિત

ગુજરાતમાં વિશ્વભરના રોકાણકારો મુડીરોકાણ કરવા માટે પ્રેરાઈ તેવા શુભઆશ્રય સાથે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી દર બે વર્ષ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે વાઈબ્રન્ટ સમિટની ૯મી સિઝનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિધિવત લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા વાઈબ્રન્ટ સમિટમાં રેકોર્ડબ્રેક રૂ.૪૮૮૨.૫૭ કરોડના ૧૩૧ એમઓયુ કરશે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના મહાપાલિકાના અધિકારીઓ આ તકે ખાસ ઉપસ્થિત રહેશે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯માં રાજકોટ મહાપાલિકા દ્વારા કુલ ૪૮૮૨.૫૭ કરોડના ૧૩૧ એમઓયુ કરવામાં આવશે. જેમાં રેસીડેન્સ માટેના ૮૦ એમઓયુ, કોમર્શીયલ હેતુ માટેના બાંધકામના ૨૧ એમઓયુ, મીકસ યુઝડ હેતુ માટેના બાંધકામના ૨૪ એમઓયુ, સ્માર્ટ સિટીના ૫ એમઓયુ અને એક અન્ય એમઓયુ કરવામાં આવશે. આવતીકાલે વાઈબ્રન્ટ સમિટના બીજા દિવસે મહાપાલિકા દ્વારા વિધિવત રીતે એમઓયુ સાઈન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની કુલ ૮ સીઝનમાં મહાપાલિકા દ્વારા કરવામાં આવેલા એમઓયુમાં આ વખતના એમઓયુના મુડી રોકાણનો આંક સૌથી ઉંચો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪ અબજ ડોલરનું રોકાણ થવાની સંભાવનાએ વર્લ્ડ કલાસ રીપોર્ટમાં વ્યકત કરવામાં આવી છે ત્યારે હવે રાજકોટ વિશ્વભરના મુડીરોકાણકારો માટે આકર્ષકનું કેન્દ્ર બની ગયું છે.

વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસ કરનારા શહેરોમાં રાજકોટને સ્થાન આગામી ૧૫ વર્ષ દરમિયાન

૨૦૩૦ સુધીમાં રાજકોટમાં ૪ અબજ ડોલરનું જંગી મુડી રોકાણની સંભાવના: મ્યુનિ. કમિશ્નર ખૂશખૂશાલ

વૈશ્વિક આર્થિક વિકાસની વાત કરવામાં આવે ત્યારે સને : ૨૦૧૯ થી ૨૦૩૫ના સમયગાળા દરમ્યાન સમગ્ર દુનિયામાં ભારતના ૧૦ શહેરોનો જબ્બર દબદબો રહેશે, અને તેમાં ગુજરાતમાંથી સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ઓક્સફર્ડ ઇકોનોમિક્સના અહેવાલ અનુસાર આગામી દોઢ – બે દાયકા દરમ્યાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જી.ડી.પી. વિકાસ દર ૮.૩૩ ટકાનો રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે જે ખરેખર ઉત્સાહવર્ધક છે. રાજકોટના આર્થિક વિકાસના પાયામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા પાયાના માળખાકીય વિકાસ કાર્યો અને વર્તમાન મોડર્ન સમયને અનુ‚પ અન્ય આધુનિક વિકાસલક્ષી પ્રોજેક્ટનું મહત્વ ખુબ જ રહે છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ વિશે વધુ વાત કરતા એમ પણ કહ્યું હતું કે, ઓક્સફર્ડના ગ્લોબલ સિટીઝ રીસર્ચના હેડ રીચાર્ડ હોલ્ટના એક અભ્યાસ અહેવાલના તારણો અનુસાર વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ પામી રહેલા શહેરોમાં આગામી બે દાયકા ભારતના શહેરોના નામે હશે. આ તારણ એવો દિશાનિર્દેશ આપે છે કે, સરકાર અને વહીવટી તંત્ર પૂરપાટ વેગે વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી રહયા છે. તેઓની પાયાની નીતિ વિકાસ પર કેન્દ્રિત થયેલી છે. અહી એ ખાસ નોંધવું રહયું કે, શહેરોમાં માત્ર રસ્તા, પાણી, લાઈટ, ભૂગર્ભ ગટર, સહિતની માત્ર પાયાની માળખાકીય સુવિધાઓ જ નહી પરંતુ વિવિધરીતે બદલાઈ રહેલા વર્તમાન સમયને અનુ‚પ દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી સાથે તાલ મિલાવી શહેરમાં અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવવામાં આવે તે દિશામાં સરકારશ્રી અને સ્થાનિક વહીવટી તંત્ર ગંભીરતાપૂર્વક ભાર મુકી રહયા છે.

રાજકોટની વાત કરીએ તો મહાનગરપાલિકાએ પાયાની મૂળભૂત સુવિધાઓના માળખાને ખુબ જ મજબુતી બક્ષી છે. તો વળી, પર્યાવરણ ક્ષેત્રે મહાનગરપાલિકાએ વાતાવરણમાં ભળી રહેલા કાર્બનના ઉત્સર્જનમાં ક્રમશ: ઘટાડો થાય એ માટે શ્રેણીબધ્ધ પગલાંઓ લીધા છે. શહેરને સેઈફ એન્ડ સિક્યોર બનાવવા માટે આશરે ૯૫૦થી વધુ સીસીટીવી સર્વેન્સ નેટવર્ક (રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ) કાર્યરત્ત કરી દેશ વિદેશમાં રાજકોટનું નામ રોશન કર્યું છે. વિશ્વ બેન્કે પણ રાજકોટ આઈ-વે પ્રોજેક્ટની નોંધ લીધી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, શહેરના આર્થિક વિકાસમાં જે તે શહેર સેઈફ એન્ડ સિક્યોર બની રહે તે અત્યંત આવશ્યક છે. વ્યવસાયિક દ્રષ્ટિએ એ દેશના શહેરમાં આર્થિક વિકાસ વધુ સરળ બને છે જ્યાં કાયદા અને નિયમો બિઝનેસ તથા ઇન્ડસ્ટ્રીઝ માટે સરળ હોય. સરકારશ્રી દ્વારા આ માટે વિવિધ નવી પહેલ કરવામાં આવી છે અને મહાનગરપાલિકા સહિતના સ્થાનિક વહીવટી તંત્ર તેને બરોબર અનુસરી રહયા છે. વ્યાપાર વાણીજ્ય માટે જ્યાં વધુ સરળતા હોય ત્યાં વધુ ને વધુ પ્રમાણમાં મૂડી રોકાણ આકર્ષિત થાય છે તે સ્વાભાવિક છે.

તાજેતરમાં ક અન્ય એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ અહેવાલમાં રાજકોટ શહેર માટે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી કે, વૈશ્વિક જળ વાયુ પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના પડકારો રાજકોટ શહેર માટે એક શાનદાર અવસર બની શકે તેમ છે. સૌરાષ્ટ્રનાં આર્થિક હ્બ રાજકોટમાં ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં અને ભવિષ્યમાં ક્રમશ: હાથ ધરવામાં આવનારા વિવિધ પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણની ઉમદા તકો ઉભી થઇ રહી છે. “વર્લ્ડ બેંક”ના મેમ્બર સંગઠન “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન”(આઈ.એફ.સી.)નાં ગત તા.૩૦ મી નવેમ્બર,૨૦૧૮નાં એક રીપોર્ટમાં એમ જણાવાયું છે કે, આગામી વર્ષ – ૨૦૩૦ સુધીમાં રાજકોટ શહેર ક્લાઈમેટ ક્ષેત્રમાં કુલ આશરે ૪ અબજ ડોલર જેટલું જંગી મૂડી રોકાણ આકર્ષિત કરી શકે એમ છે.

આ રીપોર્ટ વિશે વધુ વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે, “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન” દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી ખાસ પસંદ કરાયેલા છ શહેરોમાં રાજકોટનો પણ સમાવેશ કર્યો હતો. સાઉથ એશિયા રીજીયનમાં આગામી વર્ષ-૨૦૩૦ સુધીમાં કુલ આશરે ૨.૫ ટ્રિલિયન જેટલું કુલ મૂડી રોકાણ થવાની ધારણા “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન” સેવે છે કે પૈકી રાજકોટ ૪ અબજ ડોલર જેવું રોકાણ મેળવી શકે તેવી ક્ષમતા ધરાવતું હોવાનું આ રીપોર્ટમાં દર્શાવાયું છે.

આ રીપોર્ટમાં વધુમાં એમ પણ દર્શાવાયું છે કે, રાજકોટમાં જે ૪ અબજ ડોલરનાં મૂડી રોકાણની ધારણા સેવવામાં આવી રહી છે તે પૈકી અડધોઅડધ રકમ એટલે કે ૨ અબજ ડોલરનું રોકાણ ગ્રીન બિલ્ડીંગ ક્ષેત્રે, ૧.૨ અબજ ડોલર પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઇલેક્ટ્રિક વાહનોમાં, ૨૨૦ મિલિયન ડોલર અર્બન વોટર સેક્ટર, ૧૩૦ મિલિયન દોલત રિન્યુએબલ એનર્જી અને ૫૦ મિલિયન ડોલર જેવું મૂડી રોકાણ વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટરમાં આકર્ષિત થઇ શકે છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.