અમદાવાદ વટવા વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ સામુહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વટવા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના રિગરોડ પર આવેલી શ્રી પ્રયોસા રેસીડેન્સી ફલેટમાં વહેલી સવારે એક પરિવારના 6 લોકોએ સામુહિક આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. બનાવની જાણ થતા વટવા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ફ્લેટમાંથી બે ભાઈઓ અને તેમના ચાર બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. બંને ભાઈઓ અને બાળકોએ શા માટે આ પગલું ભર્યું તેનું કારણ હજી અકબંધ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૃતકોના નામ અમરીશ પટેલ, ગૌરાંગ પટેલ તેમજ તેમના બાળકો અમરીશ રમેશચંદ્ર પટેલ,
ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, ઉંમર વર્ષ 40, મયુર અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 12, ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ ૧૨ , કીર્તિ અમરીશભાઈ પટેલ, ઉંમર વર્ષ ૯ , શાનવી ગૌરાંગભાઈ પટેલ, ઉંમર વર્ષ 7 હોવાનું સામે આવ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. મળતી માહિતી મુજબ બંને ભાઈ ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી નીકળ્યા હતા અને વટવામાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આર્થિક અથવા પારિવારિક સમસ્યા આપઘાત પાછળનું કારણ હોઈ શકે છે.
વહેલી સવારે થયેલી આ બનાવની જાણ થતા વટવા GIDC પોલીસ સ્ટેશનના પીઆઈ, સહિતનો ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વીએસ હોસ્પિટલ ખાતે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.